જીવાત્માનું આત્યંતિક કલ્યાણ કેમ થાય ?
આ અધ્યાય 24–25 સંયુક્ત છે
નરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, એકવાર નિકામદેવે પ્રભુને પ્રશ્ન પૂછ્યો. જીવાત્માનું આત્યંતિક કલ્યાણ કેમ થાય ? પ્રભુએ કહ્યું, ભક્તને મોક્ષ સુલભ છે. દુર્ભાગ્યને દુર્લભ છે. સાક્ષાત પ્રભુના યોગથી આત્મા ભવબંધનથી મુકાય છે. સત્પુરુષનો સમાગમ, સાધુ-સાધ્વીની સેવા શ્રીહરિની પ્રાપ્તિ કરાવે છે. જેને શ્રીહરિની પ્રાપ્તિ થઇ તેને મોક્ષને માટે કાંઇ સાધન કરવું પડતું નથી. સંસારરૂપી વૃક્ષનું મૂળ વાસના છે. મમતા એ પડ છે. અહં એ અંકુર છે. શાખા એ ખેતરવાડી ઘર છે. પાંદડાઓ એ સ્ત્રી-પુરુષો છે. ફળ એ સુખ-દુ:ખ છે. તે સંસારને મટાડવા પ્રત્યક્ષ ભગવાનનો મહિમા અને સ્વરૂપજ્ઞાન જાણવું કે, હું વિપ્ર નથી મારી કોઇ જ્ઞાતિ નથી. હું આત્મા પરમાત્માનો અંશ છું. આવું જ્યારે જાણે છે ત્યારે માયાના કાર્યથી લોપાતો નથી. જ્ઞાનરૂપી અગ્નિથી આત્મા તેજસ્વી થાય છે. અગ્નિથી જેમ લાકડા બળી જાય છે તેમ જ્ઞાનાગ્નિથી સર્વે કર્મો બળી જાય છે. મારો ભક્ત મને પાપ-પુણ્ય અર્પણ કરી મોક્ષ મેળવે છે. હું બ્રહ્મ છું, પરબ્રહ્મમાં ચોંટેલો છું. આ જ્ઞાન કાયમ રહે તો આત્મા સ્થૂળ- સૂક્ષ્મથી જુદો મનાય. આત્મા પંચવિષય અને ઇન્દ્રિયોથી જુદો પડે તો દિવ્યતાનો અનુભવ થાય. અનાદિ શ્રીકૃષ્ણનારાયણ એવો હું તે મારી ભક્તિ, સેવા, ઉપાસના, ધ્યાન, કિર્તન સ્તુતિ વ્રત તે કરવાથી હું સુલભ છું. અને હું જેને સાક્ષાત મળ્યો તેનું આત્યંતિક કલ્યાણ થઇ ગયું. તેને તો સદા મારી મૂર્તિ સંભારી રાખવી.
અનાદિશ્રીકૃષ્ણનારાયણ કહે : હે નિકામદેવ, સર્વે અવતારોનો અવતારી હું છું. સર્વે વાસુદેવનો વાસુદેવ હું છું. સર્વે શ્રીકૃષ્ણનો શ્રીકૃષ્ણ હું છું. સર્વે ભગવાનનો ભગવાન અનંત મુકતોનો સ્વામી હું છું. અનંત અક્ષરોનો, અનંત મહાપુરુષોનો પુરુષોત્તમ હું છું. ઇશ્વરોનો ઇશ્વર હું છું. અનંત વિભૂતી અંશકલા આવેશ તે હું છું. સાધુ-સાધ્વીમાં ઉત્તમ હું છું. સર્વ સૃષ્ટિપાલન કરનારાનો નિયામક હું છું. સર્વે આનંદ ઉત્સવનો ખજાનો હું છું. જે કાંઇ રમણીય દેખાય તે સર્વે હું છું. સર્વે અમૃતનો સાગર હું છું. સર્વે આકર્ષણમાં દિવ્ય આકર્ષણ હું છું. સર્વે તૃપ્તિનો આપનારો હું છું. સર્વે મનોરથોનો પૂરનારો હું છું. સર્વે શણગારોના ધામ હું છું. સર્વે સ્નેહનો આપનારો હું છું. રતિકામમાં તૃપ્તિ હું છું. આત્મ બળવાળાની શાંતિ હું છું. અનાથોનો નાથ હું છું. પતિમાં પતિ હું છું, સર્વે સૌભાગ્ય સમૃદ્ધિનો ખજાનો હું છું. આ રીતે જડચેતનમાં જે દેખાય છે તે સર્વમાં અંતર્યામી શક્તિએ રહીને હું સર્વેનું નિયમન કરું છું.