નાગ્નમુખી ચારણ બાઇ અને દેવલપત્ની વિનોદિનિ મુક્તાની બની
શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, ગિરનારની તળેટીમાં નાગ્નમુખી ચારણી રહેતી. તે વિધવા અને સંતાન વિનાની હતી. તેને ભેંસો હતી. દૂધ વગેરે વેંચી નિર્વાહ કરતી. તે એકવાર વિચારવા લાગી, ઘણા જન્મમાં પતિ કર્યા તેનો અંત આવ્યો જ નથી. પતિ, છોકરા પંચવિષય આ બધા જન્મમાં મળે છે. પણ હવે પછી જન્મ ન લેવો પડે એટલા માટે પ્રભુનું નામ, ભજન કરી સાધુની સેવા કરી લઉં. તે રોજ સાધુ-સાધ્વીને દૂધ પાતી, જમાડતી, સેવા કરતી. કાયમ સદાવ્રત ચાલુ કર્યું. સંત મંડળ, ભક્તમંડળમાં જઇ ધૂન-કિર્તન, ભજન, ભક્તિ, કથાવાર્તા કર્યા જ કરે. તેની સતત ભક્તિથી પ્રસન્ન થયેલા અનાદિશ્રીકૃષ્ણનારાયણ લક્ષ્મીજીને સાથે લઇને સાધુ-સાધ્વીનું રૂપ લઇ તે ચારણી ભક્તાણીને ત્યાં આવ્યા. ભક્તાણીએ ગરમ પાણીથી તેમને નવડાવ્યા, સેવા કરી, દૂધ-સાકર પાયા, જમાડ્યા, પગ દાબ્યા. રાત્રીએ સૌ પોઢી ગયા ત્યારે અનાદિ શ્રીકૃષ્ણનારાયણે તેને પોતાનું દિવ્ય અલૌકિક તેજસ્વી દર્શન આપ્યું અને કહ્યું, તે મારા ભક્તો સાધુ-સાધ્વીની સેવા કરી તેથી હું રાજી થઇ દર્શન દેવા આવ્યો છું. ચારણી ભક્તાણીએ પ્રભુનું સર્વ પ્રકારનું સુખ લીધું. સવારે પ્રભુએ પૂછ્યું, બોલ તારી શી ઈચ્છા છે ? ચારણીએ કહ્યું, પ્રભુ આ ભેંસોએ સહિત મને તમારા ધામમાં તેડી જાવ. પ્રગટ પ્રભુએ વિમાનમાં બેસાડી અક્ષરમાં બ્રહ્મધરામાં સ્નાન કરાવી મુક્તાની રૂપ આપી ધામમાં વાસ આપ્યો.
નરનારાયણે દેવલપત્ની વિનોદિનીને હાસ્યરસની વાર્તા કરી. તે બધાનું મનોરંજન કરતી. રાજા, શ્રીમંત તેને બોલાવી સભામાં મનોરંજન કરાવતા. આ રીતે તે ઇનામો મેળવતી. તેને ઘરે એક વખત સાધુ-સાધ્વીનું મંડળ આવ્યું. તેણે સત્કાર કર્યો. જમાડ્યા, વસ્ત્રદાન કર્યા. રાત્રે ધૂન-ભજન થયા. સંતોએ ભગવાનની વાતો કરી, મનુષ્ય જન્મમાં ભગવાન ભજી લેવા તે સાંભળીને વિનોદિએ પૂછ્યું, ભગવાનમાં પ્રીતિ કેમ થાય ? સાધુએ કહ્યું : ગુરુ પાસેથી મંત્ર લઇને પહેલી સેવાભક્તિ, બીજી નવધાભક્તિ, ત્રીજી આત્મનિવેદન સર્વે સમર્પણ ભક્તિ કરવાથી મનુષ્ય મોક્ષગતિમાં જાય છે. પછી તે વિનોદિએ બ્રહ્માયન સાધુ પાસેથી “ૐ અનાદિશ્રીકૃષ્ણનારાણય: સ્વામિ પતિશ્ચમે” આ મંત્ર લઇ મૂર્તિ લઇ ગુરુમાં વિશ્વાસ રાખી અતિ સ્નેહથી પ્રગટ પ્રભુની નવધા ભક્તિ કરવા લાગી. જે રીતે સભામાં મનોરંજન કરતી તેજ રીતે ભગવાનની સાથે વર્તવા લાગી. તેની ભક્તિથી પ્રસન્ન થયેલા પરબ્રહ્મ પરમાત્મા પોતે સખીરૂપ ધારણ કરી દિવ્ય અલૌકિક દર્શન આપી તેને મોક્ષમાં લઇ ગયા. આ રીતે ગુરુના યોગે પણ પરબ્રહ્મના રસની પ્રાપ્તિ થાય છે.