ભાગ · અધ્યાય ૧૦૩–૧૦૪

દ્વાપરયુગ, ત્રેતાયુગ, સત્યુગ અને કળીયુગની સ્થિતિનું વર્ણન

આ અધ્યાય 103–104 સંયુક્ત છે

શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, સત્યુગમાં મનુષ્યોના સંકલ્પો સફળ થતા. ઘરે ઘરે કામદુધા ગાયો હતી, સંકલ્પ સૃષ્ટિ હતી. બીજ સવારે વાવે બપોરે ઊગે. વૃક્ષ બધા રસવાળા, બધા લાખ વર્ષની આવરદાવાળા, અધ્યાત્મ ચિંતનવાળા હતા. નારીઓ ચંચળ ભાવથી રહિત હતી. રજસ્વલાપણું હતું જ નહિ. રાગદ્વેષ રહિત, નિત્ય તૃપ્તિવાળા, ઈચ્છા મૃત્યુ, ઈચ્છારૂપ ધારણ કરનારા, આ રીત સત્યુગે હતી. ત્રેતાયુગમાં ધર્મ તપ, યજ્ઞ, દાન ત્રણે પગે રહેતો, સત્ય ન રહ્યું, અસત્યના પ્રવેશથી સંકલ્પો નબળા થયા, બધા વૃક્ષ નીચે વાસ કરવા માંડ્યા. પૃથ્વીના ભાગ પડવા લાગ્યા. યુગલનો નિયમ ન રહ્યો. પરાધીન થયા. કર્મ પ્રમાણે અન્ન, વસ્ત્ર મળે. ખેતર ખેડીને અન્ન મળે. સ્પર્શ સૃષ્ટિ થઇ. વિવાહ બંધન થયું. ગર્ભથી બાળક થવા લાગ્યા. વાવે તો જ ઊગે. આ રીત ત્રેતાયુગની હતી. દ્વાપરયુગમાં બધા વ્યાપારથી જીવનારા થયા. નાના મોટા ગામો થયા. નોકર, દાસ-દાસી થયા. ચોરી, દગા, પ્રપંચ શરૂ થયા. વાવેલું પણ અડધું ઊગે, વરસાદ થાય તો જ ઊગે. લૂંટારા થયા તેને માટે દંડ નિયમ થયા. દ્વાપરને અંતે ગઢ થયા. સુખ અલ્પ, દુ:ખ વધુ, અકાળે મરણ, દુષ્કાળ પડવા માંડ્યા. બધા વિશ્વાસ રહિત થયા. પ્રયત્નો અર્ધા સફળ થયા. યજ્ઞ નાશ પામ્યા. ત્રેતાયુગમાં દશહજારની આયુષ્યવાળા હતા તે દ્વાપરમાં એક હજાર વર્ષની આયુષ્યવાળા થયા.

દ્વાપરને અંતે કળીયુગની શરૂઆત થઇ. ત્યારે મોટા ભાગે તો લોકો મદ્યમાંસ, મૈથુન પરાયણ થતા ગયા. ઘરમાં ચોરી વધી, રોગ વધ્યા, કલેશ વધ્યા, દંપતી કલેશ, મોટાનું અપમાન, અસત્યવાણી, પ્રયત્ન વિના ધન મેળવનારા થયા, કળીયુગમાં અધર્મ વંશની વૃદ્ધિ, ધર્મવંશની હાની થશે. કન્યા વિક્રયવાળા થશે. એકવર્ણ સાથે ખાનારા-પીનારા થશે. કળીયુગમાં કોઇ પણ ખાવા-પીવાની વસ્તુમાં સ્પર્શદોષ રહેશે નહિ. સાધુ-ગુરુદેવમાં નાસ્તિક ભાવ આવશે તથા દામ્પત્યજીવન સુખી નહી રહે. પતિવ્રતા અને પત્નીવ્રતનો લોપ થશે, ચોકમાં બેસનારા થશે, બજારમાં ભોજન કરનારા થશે.

કળીયુગના પાંચ હજાર વર્ષ થશે ત્યારે તિર્થોનો લોપ થશે. નદીઓમાં પાણી વેંત જેટલું રહેશે, સ્ત્રીઓ આઠ વર્ષ ગર્ભવાળી થશે, ચાલીશે મૃત્યુ થશે, વરકન્યા ઈચ્છા પ્રમાણે વરસે, રજસ્વલાનું પાલન નહીં રહે, અશુદ્ધ ગણશે જ નહીં. કળીયુગમાં જાતિ નહિ રહે. માતા-પિતા નામ માત્રથી રહેશે. બધા સ્વેચ્છાએ ફરશે. ગુપ્તાંગો દેખાય એવા વસ્ત્ર પહેરશે. સ્ત્રી રાજ્ય થશે. પુરુષનું પરાધીનપણું રહેશે. પ્રત્યક્ષ દેખાય તેટલું માનશે. હિંસા વધશે, બાળ-હત્યા, સ્ત્રી હત્યા વધશે. ઉચ્ચ જ્ઞાતિના ધર્મલોપ કરશે. નીચ જ્ઞાતિના ધર્મપાલન કરશે. એક પત્નીવ્રત નહિ રહે, નીચ વર્ણને દરવાજે શ્રેષ્ટવર્ણ નોકરી કરતા હશે. લોકો નિંદાપરાયણ થશે.

કળીયુગના દશ હજાર વર્ષ થશે ત્યારે મંદિરોનો લય થવા લાગશે. પંદર હજાર વર્ષ થશે ત્યારે સોળ વર્ષનું આયુષ્ય થઇ જશે. છ માસે પ્રસૂતિ, ચાર વર્ષે યુવાન, બાર વર્ષે વૃદ્ધ થશે, ચોર ચોરનું લઇ જશે. તે સમયે દાનનો લોપ થશે. અંતે પ્રજા દૈત્ય, દાનવ, રાક્ષસના સ્વભાવવાળી થશે. કળીયુગમાં નિષ્કામીપણું નહિ રહે. કળીયુગમાં કોઇ નિયમ, ધર્મ રહેશે જ નહીં. કેવળ ભગવાનનું નામ લેનારા હશે. સત્યુગમાં સોળ વર્ષે, ત્રેતામાં એક વર્ષે, દ્વાપરમાં છ મહિને, કળીયુગમાં એક દિવસે પ્રભુની સેવાભક્તિની સિદ્ધી પ્રાપ્ત થશે, આટલો કળીયુગમાં ગુણ છે.

નરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, કળીયુગમાં કાળ, બળ બધે પ્રવર્તી જશે. દેવતાઓનું દૈવત મંદ, ઋષિઓનું તપ ઐશ્વર્ય મંદ, સતીનું સતીત્વ મંદ, યોગિની શક્તિ મંદ, ઇશ્વરોનું તેજ મંદ, બ્રાહ્મણોનું તેજ વિલિન થશે. મંત્રોનું બળ શિથિલ, જપ, તપ, યજ્ઞ, વ્રત તેના ફળ ઓછા થઇ જાશે. તિર્થો નષ્ટ થશે. સાધુના સદ્ગુણ ઓછા થશે. જ્ઞાનનું ફળ શાંતિ નહિ મળે. કળીયુગમાં પૃથ્વી, જળ, તેજ, વાયુ પણ ઓછા કામ આપશે. બધે આશા તૃષ્ણા રહેશે. દીક્ષા-ભિક્ષા, શીક્ષા, નષ્ટ થશે. સ્વાર્થપરાયણતા, વ્યવહારમાં કયાંય પરોપકાર, સત્યવાણી બોલનારા ભાગ્યે જ હશે. સંપમાં સત્કાર્યમાં પાછળ રહેશે. કથા સાંભળનારા ઓછા થશે. માનતા વધશે, ભક્તિ ઓછી થશે, ગ્રહણ બધું કરશે પણ ત્યાગ ઓછું કરશે, અસત્પુરુષોનું સન્માન થશે, સત્પુરુષોનો અનાદર થશે, ઇન્દ્રિયોનું રંજન, કુટુંબમાં ઉદ્વેગ, નિંદ્રા ઓછી, સ્વપ્ન વધારે, વૈદ્યો વધશે. ધુમ્રપાન, ગાલીવાદ વધશે, કેશ કબરી વાળની જ શોભા રહેશે. શિક્ષામાં નાટ્ય શાળા વધશે. આગગાડીમાં મુસાફરી કરી સત્વહીન ભોજન કરનારા, લોહી વેચનારા, પશુ જેવા થશે. મનમાં બીજું, કહેવામાં બીજુ, નરનારીઓ ચિત્ર- વિચિત્ર કપડાં પહેરવાથી ભાન રહિત ઓળખાશે નહીં. રાત્રી-દિવસ કામકાજ કરવા છતાં પુરી ધન પ્રાપ્તિ નહીં થાય.

કળીયુગમાં હજારો દોષ હોવા છતાં એક ગુણ મહાન છે, તે ભગવાનના નામ-કિર્તનથી મોક્ષ મળશે, ભગવાનનું પ્રસાદીનું જલ અને ભગવાનનું સ્મરણ મોક્ષ આપનારું થશે. જેવા તેવા પણ ભગવા વસ્ત્રવાળા સાધુ, જીવાત્માનું કલ્યાણ કરશે, કારણ કે તે કૃષ્ણને ખોળે બેઠેલા હશે, ઘર-કુટુંબ, ગામ, ખેતર, સ્ત્રી બધું ભગવાનને અર્પણ કર્યું હશે, પોતાનો દેહ પણ ભગવાનને અર્પણ કર્યો હશે માટે કળીયુગમાં શરીરનો આચાર-અશુદ્ધ હોવા છતાં શ્રીહરિના સંતને શરણે જવાથી પાપીનો પણ ઉદ્ધાર થશે.

શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, કળીયુગને અંતે નદી-તળાવ, સરોવર, તિર્થો નહીં રહે. મંદિરો નહીં રહે ત્યારે ભગવા વસ્ત્ર ધારણ કરનારા સાધુના દર્શનથી, સ્પર્શથી, જમાડવાથી, સેવાથી, ચરણરજથી પગ ધોઇ પાણી પીવાથી, મન વાણી, શરીરથી સેવા કરનારા, મનુષ્યો શુદ્ધ થશે. અનાદિશ્રીકૃષ્ણનારાયણના સંતોનો આશ્રય કરવાથી, સેવા કરવાથી તથા અનાદિશ્રીકૃષ્ણનારાયણનું નામ-કિર્તન કરવાથી મોક્ષ થશે. આ સરળ ઉપાય હશે.