ભાગ · અધ્યાય ૧૦૫–૧૦૬

સનત્મુનીએ અધર્મી માયાપાલ રાજાને ધર્મરાજાના દંડથી મુક્ત કર્યો

આ અધ્યાય 105–106 સંયુક્ત છે

શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, પૂર્વ કામરૂપ દેશમાં માયાપાલ રાજા મહાઅધર્મી થયો. યજ્ઞ, જપ, તપ, વ્રત, નિયમ, ધર્મ, કર્મ, મંદિર, પૂજા, દાન, સત્કર્મ બંધ કરાવી અતિ અનાચારી થયો. તે દારૂ, માંસ, ચોરી, લૂંટ-ફાટ, વ્યભિચાર, જુગાર, વ્યસનો વગેરેમાં રચ્યો રહેતો તેથી દેશમાં દુષ્કાળો પડવા માંડ્યા. તેથી પાપીની સાથે પુણ્યશાળી પણ દુ:ખ પામ્યા. ત્યારે બ્રહ્માની માનસપુત્રી બ્રહ્મનદીએ બ્રહ્મા પાસે આવીને દુ:ખ કહ્યું. ત્યારે બ્રહ્માએ સનત્મુનીને કહ્યું, શું કરશું ? સનત્મુની કહ્યું, તે રાજા દંડ પાત્ર છે. તેને દંડ દેવો જોઇએ. એમ કહી બ્રહ્માની માનસપુત્રી કામાક્ષીદેવીને કહ્યું, તમે દંડ આપી પછી અનુગ્રહ કરજો. કામાક્ષીદેવીએ યમદૂતને મોકલ્યો. યમદૂત માયાપાલને પકડીને યમપુરીમાં લઇ ગયા. જેટલા પાપ કર્યા હતા તેટલા નરકના કુંડમાં નાખ્યો. હિંસક પશુએ ફાડી ખાધો, લોઢાના યંત્રોમાં પીસાવ્યો, વૈતરણીમાં વહાવ્યો, મળમૂત્ર પાયા. આવા અનેક દુ:ખોથી માયાપાલ રાજા દુ:ખી થયો. પછી કામાક્ષીદેવીએ સનત્મુનીને સંભાર્યા. ત્યાં તરત જ દેવ-ઋષિ આવ્યા પછી યમદૂત ચાલ્યા ગયા. રાજાએ કહ્યું, હવેથી હું ક્યારે પણ પાપ નહિ કરું. તેજસ્વી સનત્મુનીને જોઇ ધર્મદેવ પગે લાગ્યા અને પૂછ્યું, આવા પાપીને તમે છોડવા શા માટે આવ્યા ?

સનત્ મુનીએ કહ્યું : સંત પુરુષનું હૃદય નવનીત સમાન કોમળ હોય છે. રાજાનું દુ:ખ હું દેખી શક્યો નહિ તેથી અહીં આવી રાજાને દુ:ખ મુક્ત કર્યો.

ધર્મરાજા કહે : હે સનત્મુની, બધા પાપથી જીવ છૂટી શકે પણ વિશ્વાસઘાત કરનારો, દેવ, ગુરુ, સાધુ, બ્રાહ્મણનો દ્રોહ કરનારો પ્રાયશ્ચિતથી પણ છૂટી શકતો નથી. તેથી આ રાજાને એક વર્ષ સુધી આવો દંડ દેવો પડશે. સનત્મુનીએ કહ્યું : ધર્મરાજા, જે રીતે તમે પાપીઓને દંડ આપવા નિમાયેલા છો. તે જ રીતે અમને બ્રહ્માએ પાપીઓને છોડાવવા માટે નિર્માણ કર્યા છે. ધર્મરાજા કહે, પાપ ભોગવ્યા વિના શુદ્ધિ થતી નથી. રાજાના પાપ આપવા કોને ? સનત્મુનીએ રાજાની રાણીને બોલાવીને કહ્યું, રાજાના પાપ લ્યો તો રાજા યમપુરીના દુ:ખ મુક્ત થાય. રાણી કહે, રાજાના પાપે મારા પુત્ર-પુત્રીઓ એકસો મરી ગયા. હું રોગવાળી થઇ માટે રાજાના પાપ હું ન લઉં. પુણ્ય હોય તો લઉં. પછી ધર્મરાજાએ સનત્મુનીને કહ્યું, તમે રાજાના પાપ લઇ લ્યો. મુનીએ પાણીની અંજલી ભરી રાજાના પાપ લઇ ભયમુક્ત કર્યો. તેથી ધર્મરાજા સનત્મુનીની પૂજા કરી. ત્યાં બીજા નારકી જીવો પણ સનતમુનીને કહે, અમને પણ યમપુરીમાંથી છોડાવો. સનત્મુનીએ બધાને “કાલમાયાપાપકર્મશત્રુયામ્યકૃહદ્ભયાત્, શુલમીનધ્વજ ધનુષ્યચક્રસ્વસ્તિકવાન્ અવ, અનાદિશ્રીકૃષ્ણનારાયણ: સ્વામિ પતિશ્ચમે, શ્રીકૃષ્ણવલ્લ્ભ સ્વામી શ્રીહરિ: શરણં મમ” આ મંત્ર આપી ધૂન કરાવી. બાલકૃષ્ણ પરંબ્રહ્મ હરે કૃષ્ણ નારાયણ આ નામ સાંભળી યમદૂતો ભાગ્યા. સનત્મુનીએ બધા નારકી જીવોને પાણી છાંટી સ્વર્ગમાં મોકલ્યા. પછી સનત્મુનીએ રાજા પાસે યજ્ઞ કરાવ્યો. તેમાં સાધુ-સાધ્વી, યતિ, યોગી, બ્રહ્મચારી, સંન્યાસી, બ્રાહ્મણોને જમાડીને દાન આપીને ખજાનામાં પાપી ધન હતું તે ખાલી કર્યું. સાધુના પુણ્ય પ્રતાપે રાજા-રાણીના રોગ મટ્યા. પ્રજા સુખી થઇ. સનત્મુની પ્રજાને અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મંત્ર આપી સત્યલોકમાં ગયા.