વિશિષ્ટ બ્રહ્માદ્વૈત સિદ્ધાંતનું જ્ઞાન ❖ નિકામદેવ વિપ્રદંપતીનો મોક્ષ
આ અધ્યાય 26–27 સંયુક્ત છે
નિકામદેવ કહે છે : હે પ્રભુ, તમે વિશિષ્ટ બ્રહ્માદ્વૈત સિદ્ધાંતનું જ્ઞાન મને સમજાવો. પ્રભુ કહે, સ્થૂળ માયા કાર્યરૂપે રહેલી છે. સૂક્ષ્મ માયા ત્રણ ગુણરૂપે રહેલી છે. તે બંનેમાં વિશિષ્ટ બ્રહ્મ છે. સ્થૂળ આત્મા, સર્વ કર્મફળ ભોગવનારો સુક્ષ્મ આત્મા કર્મ ભોગ રહિત છે. તે બંનેમાં વિશિષ્ટ બ્રહ્મ છે તથા વ્યાપક તેજરૂપે રહેલું તથા ધામ, સચ્ચિદાનંદ રૂપે રહેલું જે અક્ષર તેમાં જે વિશિષ્ટ બ્રહ્મ રહેલો છે તે એક છે અને તે હું પોતે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણ છું. હું એક જ છું. મારા જેવો બીજો કોઇ નથી. જીવ વિશિષ્ટ, ઇશ્વર વિશિષ્ટ, માયા વિશિષ્ટ, બ્રહ્મ વિશિષ્ટ પરબ્રહ્મ તે હું સર્વેમાં એક જ રહેલો છું. તે વિશિષ્ટ બ્રહ્માદ્વૈત તે હું કુંકુમવાપી ધામમાં પ્રગટ થયેલો અનાદિશ્રીકૃષ્ણનારાયણ છું. મારા યોગથી મારા દર્શન સેવાથી પરમધામની પ્રાપ્તિ થાય છે. આમ કહીને પ્રભુએ નિકામદેવને પરમધામનું દર્શન કરાવ્યું. ત્યાં અનંત મુકત મુક્તાનિકા બ્રહ્મપત્નીઓ બાલયોગિનીઓ વગેરે બતાવ્યા. પછી નિકામદેવ યોગ વિશે પ્રશ્ન પૂછતા હતા.
અનાદિશ્રીકૃષ્ણનારાયણે કહ્યું, મારી પૂજા ધ્યાન કરી તપતિર્થ વ્રતદાન સર્વે મારામાં અર્પણ કરવું. તે મારો યોગ ધામ અપાવનારો છે અને નિર્ભય છે. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં તથા દરેક શુભ-અશુભ કામમાં મારું સતત અનુસંધાન તે મારા સ્મરણયોગથી અશુભ પણ શુભ થઇ જાય છે. જેના હૃદયમાં મારું સતત સ્મરણ છે. તેને હંમેશા શાંતિ, સુખ, આનંદ, લાભ, યશ, ધન બધું પ્રાપ્ત થાય છે. શૂદ્ર કે ચાંડાલને પણ મારી ભક્તિ હોય તો તેને હું વિપ્રથી વિશેષ જાણું છું. અનાદિશ્રીકૃષ્ણનારાયણ પાસેથી આવો બ્રહ્મ ઉપદેશ સાંભળી નિકામદેવ રાજી થઇ નાચવા લાગ્યા. મને પરબ્રહ્મ ભગવાન મળ્યા. હવે મારે કાંઇ કરવું બાકી નથી. એમ કહીને પ્રત્યક્ષ પ્રભુની પૂજા, સ્તૂતિ કરી. અનાદિશ્રીકૃષ્ણનારાયણ એકરૂપે, બહુરૂપે રહેલા પરમધામમાં અનેક ધામોમાં રહેલા સર્વે અવતારને ધારણ કરનારા મુકત વિના તમને કોઇ જાણી શકતું નથી. એવા તમને નમસ્કાર.
નરનારાયણ કહે : હે બદ્રિશ્વરી, નિકામદેવ પત્ની સુરેશ્વરી ત્યાં આવી, પ્રભુના દિવ્ય તેજોમય દર્શન તેમજ મુક્ત-મુક્તાની, હરિપ્રિયા, રાધા-રમા, અનંતલક્ષ્મી, બાલયોગિની વગેરેનાં દર્શન કરી મહા આનંદ પામી. પછી અનેક ધામોના દર્શન થયા. અક્ષરક્ષેત્ર કુંકુમવાપી અશ્વપટ સરોવરના દર્શન થયા. સર્વેધામોમાં એક અનાદિશ્રીકૃષ્ણનારાયણના દર્શન થયા. તેથી સુરેશ્વરીએ સ્તુતિ કરી કે, અનેક ધામોમાં રહેલા અનેક અવતારોને ધારણ કરનારા પરમધામના પતિ તમને નમસ્કાર. પછી પ્રગટ પ્રભુ એ વિપ્ર દંપતીને શરીર ત્યજાવી ધામમાં લઇ ગયા.