ભાગ · અધ્યાય ૧૭–૧૮

શ્રીબાલકૃષ્ણ પ્રભુનો સત્તરમો જન્મજયંતિ મહોત્સવ

આ અધ્યાય 17–18 સંયુક્ત છે

નરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, અનાદિશ્રીકૃષ્ણનારાયણના સત્તરમાં જન્મજયંતી મહોત્સવમાં મહુવા બંદરનો બાહુલક બહુરૂપી તથા તેની પત્ની લીલાવતી તે સર્વે તિર્થો કરતાં અશ્વપટ સરોવર, કુંકુમવાપી આવ્યા. ત્યાં લોમશઋષિ પાસેથી મંત્ર લઇ લક્ષ્મીનારાયણ સંહિતા સાંભળતા હતા. રાત્રે તે દંપતીએ અનેક પ્રકારના વેશ ધારણ કરી નૃત્ય કરી બાલકૃષ્ણને રાજી કર્યા. પ્રભુએ તેને મણિ, રત્નો આપી પોતાનું દિવ્ય દર્શન કરાવ્યું. તે બંનેએ પ્રભુની પૂજા, આરતી, સ્તુતિ કરી. પછી સર્વે ઋષિ, મુનિઓ, સાધુ, ભક્તોએ પ્રગટ પ્રભુની આરતી ઉતારી, સ્તુતિ કરી. પછી પ્રભુએ બધાને પોતાનો મહાપ્રસાદ જમાડ્યો. આ રીતે પોતામાં જે કળા હોય તે પણ ભગવાનને બતાવી પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરીને ભક્ત નિર્ગુણ થઇ જાય છે.

અનાદિશ્રીકૃષ્ણનારાયણના સત્તરમાં જન્મજયંતિ મહોત્સવમાં ભદ્રનો માલીયાન માળી અને મલ્લિકા દંપતી સર્વે તિર્થો કરી અશ્વપટ સરોવર, કુંકુમવાપી આવ્યા. ત્યાં પુષ્પોના શણગાર કરી દિવ્ય મૂર્તિઓને ધરાવતા હતો. તે સેવાથી રાજી થયેલા પ્રગટ પ્રભુ તે દંપતીને દિવ્ય દર્શન આપ્ય અને પરમધામમાં લઇ જઇ અનંત મુક્ત-મુક્તાણીના દર્શન કરાવ્યા. બ્રહ્માનંદનો અનુભવ કરાવ્યો. પોતાની મૂર્તિનો મહાઆનંદ આપ્યો. આ રીતે પ્રગટ પ્રભુએ તે માળી દંપતીને સેવાનું અતિ સુખ આપી “ૐ અનાદિશ્રીકૃષ્ણનારાયણ: સ્વામિ પતિશ્ચમે” આપી ભજન કરવા કહ્યું. તે દંપતી ભક્તિ કરી અંતે પરમધામને પામ્યા.