કળીયુગના અંતે સત્યુગની સ્થાપના માટે શ્રીહરિનું પ્રાગટ્ય
આ અધ્યાય 107–108 સંયુક્ત છે
શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, કળીયુગમાં કોઇ ઠંડા પાણીએ સ્નાન નહીં કરે. ગરમ પાણીથી કોક સ્નાન કરશે. ત્યાગીમાં ભસ્મ સ્નાન રહેશે. મુખ ધોયું એટલે શુદ્ધિ, દેવપૂજામાં પાણી, આચમનમાં ચા, પ્રભુને નૈવેદ્ય માનસી, ચૂલામાં અગ્નિ તે યજ્ઞ, મહિને કે વર્ષે શ્રીફળ ધરે એટલે નૈવેદ્ય થશે. પ્રભુને દંડવત, નમસ્કાર, જયનાદ, સ્તૂતિ બંધ થશે. સાયંપૂજા બગીચામાં - નાટકમાં થશે, મળત્યાગ પછી સ્નાન બંધ થશે, પાણીથી હાથ પગની શુદ્ધિ થશે, પ્રાયશ્ચિત બંધ થશે, સૂર્યપવનથી શુદ્ધિ થશે. સૂતક નહીં રહે. જન્મ-મરણમાં વ્રતનો ત્યાગ થશે, વ્યસનોનું સન્માન થશે, એકટાણું જમવાનું નહિ થશે, એક પત્નીવ્રત નહીં થશે. ગમે તે વસ્તુને અડવામાં સ્પર્શદોષ ગણશે જ નહીં. મદ્યમાંસને અશુદ્ધિ નહીં ગણે. લસણ-ડુંગળી પવિત્ર ગણાશે. રાત્રે યંત્રો ચાલુ રહેશે. સૂર્યોદય પછી જાગશે. દેવકર્મ, પિતૃકર્મ, ધર્મકર્મ બધું બંધ થશે. તે સમયે સેવા, અર્પણ, ભક્તિ, ધ્યાન, દાન, કિર્તન અને અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન આ છ સાધનોથી મોક્ષ થશે.
બદ્રીશ્વરીએ પૂછ્યું : હે પ્રભુ, કળીયુગ પુરો થયા પછી કેવી સ્થિતિ રહેશે ? નરનારાયણ ભગવાને કહ્યું : કળીયુગને અંતે સત્યુગના ધર્મસ્થાપન માટે મારે અવતાર ધારણ કરવો પડશે. ત્યારે તું લક્ષ્મી તલવાર રૂપે થઇશ. નર અશ્વરૂપે થશે. ત્યારે ધર્મપુત્ર વિષ્ણુ વિપ્રને ત્યાં પ્રગટ થઇને હું શ્વેત અશ્વ પર બેસી પૃથ્વી પર ફરીને પાપીઓનો નાશ કરીશ. મારું વાયુસ્પર્શ જેને થશે તે પણ પવિત્ર થશે. ત્યારે સાધુના, સાધ્વીના, દેવ મંદિરોના, આશ્રમોના સતી, તપસ્વીઓના ધર્મો હું પ્રકાશમાં લાવીશ. એક જ વર્ષમાં હું સત્યુગનું સ્થાપન કરીશ. મારા ભક્તો જે સત્યુગી હશે તે જ રહેશે. પૃથ્વી, વૃક્ષો, ઔષધીઓ, ગાયો, બધા રસકસવાળા થશે. મારા લાખો માનસપુત્રો, અધર્મીઓનો નાશ કરશે. જ્યારે ચંદ્ર, સૂર્ય, બ્રહસ્પતિ એક રાશિમાં ભેગા થશે ત્યારે સત્યુગ માનેલો છે. સત્ય, તપ, યજ્ઞ, દાન આ ધર્મના ચાર પગ છે તે સત્યુગમાં શરૂ થશે ત્યારે અનાદિશ્રીકૃષ્ણનારાયણ એવો હું સત્યુગના ધર્મ અને ઉપાસના પ્રવર્તાવી સવા લાખ વર્ષ સુધી આ પૃથ્વી પર રહીશ.