ત્યાગી અને ગૃહી બંનેમાં કયાં ગુણ અને દોષો છે ?
આ અધ્યાય 87–89 સંયુક્ત છે
પ્રજ્ઞા, પદ્માવતીએ પૂછ્યું : હે ભગવાન, વેદમાં, લોકમાં, ગૃહસ્થાશ્રમ કરતા ત્યાગાશ્રમ શ્રેષ્ટ કહેલો છે તો ગૃહીમાં કયા દોષ છે, ત્યાગીમાં કયા ગુણ છે અથવા ત્યાગીમાં શું દોષ છે અને ગૃહીમાં શું ગુણ છે, જે રીતે પુરુષને સ્ત્રી બંધન કરે છે તેજ રીતે સ્ત્રીને પુરુષ બંધન કરે છે કે નહિ. ગૃહી ત્યાગીમાં શ્રેષ્ટ મોક્ષ કેનો કહેલો છે ? અનાદિશ્રીકૃષ્ણનારાયણે કહ્યું : તમે સારું પૂછ્યું. જે જાણીને મુમુક્ષુઓ મોક્ષ ભાગી બનશે.
ગૃહસ્થાશ્રમ બોરડીના કાંટા જેવો વક્ર અને કઠિન છે, ત્યાગાશ્રમ સરળ છે. ગૃહસ્થાશ્રમ બંધન કરનારો છે, ત્યાગાશ્રમ બંધનરહિત છે. ત્યાગાશ્રમ સરલ છતાં સમુદ્ર જેવો ઊડાણવાળો છે, ગૃહસ્થાશ્રમ તેવો નથી. ગૃહસ્થાશ્રમમાં પુર્નજન્મ છે, ત્યાં પુર્ન:જન્મથી ગૃહી ડૂબી જાય છે. જ્યારે ત્યાગી ડૂબતો નથી, સ્ત્રી વિનાનો તરે છે. સ્ત્રીમાં ડૂબેલો માયામાં ડૂબે છે. માટે ધરા છે તે કાંટાવાળી વેલ છે, ઝેરવાળા મિષ્ટાન્ન જેવી છે. પહેલા સ્નેહ બતાવી મોક્ષ માર્ગથી પાડી નાખે છે એટલે વૈરાગીઓ સ્ત્રીને ત્યજી વનમાં જાય છે.
હવે જે ગૃહીને બંધન ન થાય તે કહું છું. જે ગૃહી ભગવાનની પૂજા નથી કરતા, સાધુ-સાધ્વીની સેવા, અતિથિ ગરીબોની સેવા, માતા-પિતાની સેવા, વૃદ્ધ-વડીલોની સેવા નથી કરતા, અભ્યાગતોને દાન, પુણ્ય નથી કરતા. મારા ભક્ત, મારા ધર્મ, સતી, બ્રાહ્મણ, ગાયને પૂજતા નથી તે સ્વાર્થપરાયણ, પરોપકાર રહિત, ગૃહી હીનમાર્ગવાળા છે. જેના ઘરમાં સત્પુરુષના પગલા નથી, દેવમંદિર નથી, નૈવેદ્ય થતું નથી તે ઘર સ્મશાન તુલ્ય છે. જે ઘરમાં ભગવાનની ભક્તિ નથી, દેવ પિતૃનું ઋણ ચુકવાતું નથી તે ઘર નરક સમાન છે. કંઠની પેષણી, ચૂલ્લી, ઉદકુંભી, માર્જની, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, રાગદ્વેષ આવા અનેક દોષો રોગ, ભૂખ, તરસ, દરીદ્રતા વગેરે દુ:ખો ગૃહસ્થાશ્રમમાં રહેલા છે. માટે ત્યાગાશ્રમ આ બધાં બંધનથી રહિત છે માટે શ્રેષ્ટ છે. ગૃહીને માયારસ, ત્યાગીને ભગવાનનો રસ તેથી ત્યાગીને જીવનમરણમાં સમાન બુદ્ધિ છે. દોષ શૂન્ય હોવાથી ત્યાગીઓ મોક્ષ આપનારા છે.
નરનારી બાળક માટે ગર્ભદાન કરે તે સાધુ-સાધ્વી કહેલા છે. ભગવાનની ભક્તિ પરાયણ ધર્મવાળા શાસ્ત્રની આજ્ઞા, સંત સમાગમ વિશેષ રાખનારા ગૃહસ્થોને મુક્ત સમાન કહેલા છે. બ્રહ્મચર્યનું પાલન કરી આત્મચિંતન, હિંસાચોરીથી રહિત, પ્રાપ્તિમાં સંતોષ, આંતર બાહ્ય શુદ્ધિ, સર્વકર્મ બ્રહ્મને અર્પણ કરનારા આવા અનેક સદ્ગુણવાળા ગૃહસ્થોને નરનારીને મુક્તો કહેલા છે. જે ઘરમાં બાળકો, અનાથ, સાધુ-સાધ્વી, અતિથિ, ગરીબો, પશુ-પક્ષીઓ આશાથી આવે છે, અને શાંતિ પામીને જાય તે ઘર શ્રેષ્ટ છે. ગૃહી એટલા માટે શ્રેષ્ટ છે કે, ત્યાં નારી વંશ આપનારી છે, વંશ વધારનારી છે. આ રીતે સૃષ્ટિની સ્થિતિ જાળવનારી છે. માટે નારી ને નારાયણી કહેલી છે. જે ઘરમાં ભગવાન અને નારીનું સન્માન, પૂજન થાય છે ત્યાં સર્વ દેવો સર્વ સમૃદ્ધિ વાસ કરે છે ને ત્યાં સંતપુરુષો અને ભગવાન કાયમ ત્યાં આવીને દર્શન આપે છે.
અનાદિશ્રીકૃષ્ણનારાયણ કહે : ગૃહસ્થોને જીવનમાં અર્ધુ, અર્ધાનું અર્ધુ. પચીસ વર્ષ અથવા બાર વર્ષ, છ વર્ષ બ્રહ્મચર્યનું પાલન કરવું. અથવા એક માસ બ્રહ્મચર્ય પાલન કરવું. તે મોક્ષ આપનારું છે. ધર્મ-અધર્મ ન જાણતો હોય તેણે આજ્ઞા પરાયણ રહેવું. જે ઘરમાં દેવ પૂજા, સાધુ પૂજન, ભોજન થાય જેને ત્યાં બ્રહ્મકથા થાય તે ઘર મોક્ષમંદિર છે. જ્યારે ત્યાગાશ્રમ શુષ્ક છે. વૃક્ષ નીચે વાસ કરનારા, જટાવલ્કલ ધારણ કરનારા, ભૂખ તરસ સહન કરનારા, આત્મા અમૃતમાં ડૂબેલા, ફળફૂલ ખાનારા, જ્યાં સ્ત્રીનું દેવીનું સન્માન નથી એવા રૂક્ષ ત્યાગાશ્રમમાં બંધન શેનું થાય. ત્યાગાશ્રમમાં શ્રેષ્ટતા એ છે કે, જે કાર્ય કરે તે બધું શ્રીહરિને અર્પણ. એને પોતાનું પારકું નથી. ચોરીનો ભય નથી. દેહમાં રોગની ચિંતા પણ નથી. બ્રહ્મધ્યાનમાં રહેનારા, ભક્તિ વિના વ્યર્થ સમય નહિ ગાળનારા, સાધુના જ કુટુંબ મંડળવાળા આવા ગુરુઓ, સાધુઓ, સાધ્વીઓ, બ્રહ્મચારીઓ, ત્યાગીઓ, સર્વેનું કલ્યાણ કરનારા છે. ભગવાનના ભજન વિના એકલો ત્યાગ શ્રેષ્ટ નથી. ભક્તિ ઉપાસના વિનાનો ત્યાગ પથ્થર જેવો છે. સેવા-ધ્યાન, જ્ઞાન વિના ત્યાગ અગ્નિ જેવો છે. ગુરુની આજ્ઞા વિના ત્યાગ વૈરાગ્ય અગ્નિ જેવા છે. તે નિષ્ફળ છે. ત્યાગીને ધ્યાન ભૂષણ છે તેમ ગૃહીને દાન ભૂષણ છે.
ગૃહસ્થોમાં લોકેષ્ણા, પુત્રેષ્ણા, વિતેષ્ણા છે તેથી તે સંસારમાં ડૂબેલો છે. સાધુને ભગવાન વિના બીજું પ્રિય ન રાખવું. ઘર, કુટુંબ, ગામ, ધનસંપત્તિનો ત્યાગ કરીને શિષ્યોમાં મકાનમાં, આશ્રમમાં, ધનમાં, મઠમાં બંધાયો તો તે ત્યાગી સંસારમાં ડૂબ્યો. ભક્તજનોને ઉપદેશ આપી દ્રવ્યની અતિ ઈચ્છા રાખે તે સંસારમાં ડૂબ્યો. ત્યાગી થઇ ગૃહસ્થોની સ્વાર્થવૃત્તિથી સેવા કરે, તે સંસારમાં ડૂબ્યો. આશ્રમમાં, મઠમાં, મંદિરમાં, બધું ધન, સમૃદ્ધિ, વાહનો, વાડી, ખેતર હોવા છતાં ભગવાન વિના મારું કાંઇ નથી. તેમ માનનારો ત્યાગી સંસારમાં ક્યારેય ડૂબતો નથી. આવા બ્રહ્મનિષ્ટ ત્યાગીને મારી આજ્ઞામાં રહેનારને સંસાર બાધ કરતો નથી. દેવતાઓ, ઇશ્વરો, અવતારો, મુક્તો, બ્રહ્મસ્થિતિવાળા સાધુઓ, સાધ્વીઓ, સતીઓ અનાદિશ્રીકૃષ્ણનારાયણ એવો હું મારી આજ્ઞામાં રહેવાથી તેઓની ભોગ સંપત્તિ નિર્ગુણ થાય છે. જે રીતે શ્રીહરિ નિર્ગુણ છે. તે જ રીતે શ્રીહરિની આજ્ઞામાં રહેનારા સંતો પણ નિર્ગુણ જ છે. નારી, પુરુષને મોક્ષમાં વિઘ્ન કરનારી હોય તો તે બંધન કરે. પુરુષ, નારીને મોક્ષમાં વિઘ્ન કરે તો તે બંધન કરનારો છે. પતિવ્રતા સ્ત્રી અને પત્નીવ્રત પુરુષને સંસારનું બંધન થતું નથી. શાસ્ત્ર, સંત, ગુરુ અને શ્રીહરિની અતિ સેવા થાય તો ગૃહસ્થાશ્રમીને મોક્ષમાં કાંઇ કરવું બાકી રહે નહીં.