શર્કરાનગરમાં શ્રીલક્ષ્મીનારાયણ સંહિતા કથાની પૂર્ણાહુતિ
આ અધ્યાય 77–78 સંયુક્ત છે
નરનારાયણ કહે : બદ્રીશ્વરી, શર્કરાનગરમાં લક્ષ્મીનારાયણ સંહિતાની કથામાં દેશ- વિદેશના રાજાઓ પ્રજા સહિત આવતા હતા. સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણના દર્શન કરવા, કથા શ્રવણ કરવા, સંતો ભક્તોના દર્શન કરવા લાખો ભક્તો આવતા હતા. રાજા રાયહરિ, રાજા કોટીરાય, લોમશ ઋષિ, વ્યાસ વગેરે બધાનો સત્કાર કરતા હતા. અનાદિશ્રીકૃષ્ણનારાયણ અસંખ્ય રૂપ ધારણ કરી ભક્તોની સેવા કરતા હતા તથા લક્ષ્મી, રાધા, રમા, શ્રી, માણીકી, માધવી, મંગલા, મંજુલા, રેવા, સગુણા, સરસ્વતી, ગંગાભક્તિ સતી મુક્તિ એકાદશી રતિ, દયા, તુલસી, કામગા, શાંતા, કમલા, વિરજા, હેમા, હંસા, મૂર્તિ, ગોમતી, અન્નપૂર્ણા, જયા, દુર્ગા, લલિતા, સવિતા, સંતોષી, કલા, બદ્રી, ચંપા, મૌક્તિ, ષષ્ટિ, શ્વેતા, રક્તા વગેરે બ્રહ્માપ્રિયાઓ સિદ્ધિઓ, દેવીઓ ત્યાં સેવામાં હાજર હતી. અષાઢ સુદ એકાદશીએ ચૌદલોકના વાસી ઇશ્વરો-ઇશ્વરાણીઓ તેના પાર્ષદો, દેવો-દેવીઓ, તેના દાસ-દાસીઓ વગેરે અનાદિશ્રીકૃષ્ણનારાયણના પ્રત્યક્ષ દર્શન કરી પોતાને ધન્ય ભાગ્ય માનતા હતા. તથા ત્યાં આવેલા સંતો, ભક્તો, ઋષિમુનિઓ, યતિ, સંન્યાસીઓ, ત્યાગી, બ્રહ્મચારીઓ તેના દર્શન કરી આનંદ પામતા હતા.
શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, અષાઢ સુદ એકાદશીએ કથાની પૂર્ણાહૂતિ હોવાથી અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રગટ પ્રભુને બ્રહ્મપત્નીઓ, વસ્ત્ર-આભૂષણોથી શણગારતા હતા. કથાના વક્તા વ્યાસ સ્વયંપ્રકાશ હાથી ઉપર બેસી સભામંડપમાં આવતા હતા. ઇશ્વરો, દેવતાઓ, દેવીઓ, રાજાઓ, બ્રાહ્મણો, વૈષ્ણવો, સાધુ-સાધ્વી, અતિથિઓ, લાખો ભક્તો, સભામાં હાજર થઇ ગયા. એક મુહૂર્ત સુધી કથા વાંચ્યા પછી પૂર્ણાહુતિ કરી. લક્ષ્મીનારાયણ સંહિતાના વ્યાસાસને બિરાજેલા સ્વયંપ્રકાશનું પહેલું પૂજન અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુએ કર્યું. ત્યાર પછી કોટીરાય, હરિરાય, જેણે કથાનું આયોજન કર્યું, તે રાજાએ વ્યાસની પૂજા કરી, ભેટ ધરી. સોના-રૂપાના હાર, હીરા-મોતીના હાર પહેરાવી, આરતી ઉતારી, પછી સર્વે રાજાઓ અનેક પ્રકારની ભેટ મૂકી પૂજા કરી આરતી ઉતારતા હતા. દેવતાઓ, ઇશ્વરો પણ અનેક ભેટો મૂકી આરતી ઉતારતા હતા. તે સમયે રાજાઓ અનેક પ્રકારના દાન પ્રગટ પ્રભુને રાજી કરવા આપતા હતા.
તે લક્ષ્મીનારાયણ સંહિતાની કથામાં અનાદિશ્રીકૃષ્ણનારાયણ, લક્ષ્મીનારાયણ, રાધા- કૃષ્ણ, નરનારાયણ, વાસુદેવનારાયણ, શેષનારાયણ, ત્યાં આવી કથા સાંભળનારાઓને આશીર્વાદો આપતા હતા. અને કહેતા હતા આ લક્ષ્મીનારાયણ સંહિતાની કથા સર્વ તિર્થરૂપ, સર્વે ધર્મરૂપ, સર્વજ્ઞાનયુક્ત સર્વે અવતારને ધારણ કરનારી, સર્વ સ્તોત્રવાળી, સર્વની રક્ષા કરનારી, સર્વની ઈચ્છા પૂરી કરી મોક્ષ આપનારી છે. આ રીતે પ્રભુએ કથાની પૂર્ણાહુતિ કરી પદ્માવતી સાથે યજ્ઞમાં બેસી નાળિયેર હોમીને અનેક રૂપો ધારણ કરી રાજાના મહેલોમાં પધરામણી કરી.