ભાગ · અધ્યાય ૪૯–૫૧

યાસ્કવાદ - ગંડવાતા, શુદ્રી દ્વિવદંતી અને સુરપ્રસાદ વિપ્રની કથા

આ અધ્યાય 49–51 સંયુક્ત છે

શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, કાલાંત ગામના યાસ્કવાદ અને તેની પત્ની ગંડવાતા. તે લોઢાના યંત્રો બનાવતા હતા. તેણે કથાની વાત સાંભળીને ત્યાં દર્શને જવા વિચાર કર્યો. કુટુંબને, ગામના સંઘને બોલાવી કથામાં જવા તૈયાર કર્યા. રસ્તામાં ભજન કરતા, કથા મંડપમાં પહોંચ્યા. ત્યાં લક્ષ્મીનારાયણ સંહિતાની પૂજા કરી. વ્યાસ સ્વયંપ્રકાશની પૂજા કરી, આરતી ઉતારી, કથા સાંભળી. પ્રસાદ, ચરણામૃત જમ્યા. લોમશઋષિ પાસે “બાલકૃષ્ણ પરબ્રહ્મ મમવૈ શાશ્વતપતિ, પિતા બંધુ સૃહદમિત્ર રક્ષક: પાલકોસ્તુસ:” મંત્ર ગ્રહણ કરી ભજન કરતા તેમજ કથામાં સંહિતામાં, જપમાં રહેલા સાધુ-સાધ્વી, બ્રાહ્મણ, બ્રહ્મચારી, યતિ, સન્યાસી, અતિથિ ગરીબોને બધાને જમાડી દાન કરતા હતા. તેની ભક્તિથી પ્રસન્ન થયેલા અનાદિશ્રીકૃષ્ણનારાયણ વિમાન લાવી તે દંપતીને તથા હજારો સંઘના ભક્તો અને નર-નારીઓને દિવ્ય સ્વરૂપ ધારણ કરાવી પરમધામમાં લઇ ગયા.

શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, શર્કરાનગરમાં શૂદ્રી દ્વિવદંતી વિપ્ર, સાધુ, ગુરુ, યતિ, બ્રહ્મચારી, અતિથિ, મંદિર બધાની નિંદા કરતી તેથી તેના પતિએ કહ્યું, તું લક્ષ્મીનારાયણ સંહિતાની કથા વંચાય છે, ત્યાં જા. જેથી તારી બુદ્ધિ સારી થાય અને કોઇની નિંદા કરી તો જમના દૂતો તેને ખૂબ દંડ દેશે. સ્ત્રી કહે, કથા ખોટી, ખોટા જમ દેખાતા નથી. માટે એ તો બિવરાવવાની વાતો છે. ત્યાં તો તરત જ જમદૂતો દેખાયા. કાળા પર્વત જેવાં, મોટાં માથાવાળા હાથમાં લોઢાના હથિયારો મારવા માટે આવ્યા. તે સ્ત્રી જોઇને જ ભયભિત થઇ, ઝાડો, પેશાબ થઇ ગયો. રાડો પાડવા લાગી. યમદૂતોએ માર માર્યો. શૂદ્રી બધાની નિંદા શું કામ કરે છે ? ત્યાં ભક્તો હતા તેને જોયું અને દ્વિવદંતીને કહ્યું, અનાદિશ્રીકૃષ્ણનારાયણ સ્વામિનારાયણ ભજન કર તો જમથી મુકાઇશ. તેણે ભજન કર્યું. તેથી યમદૂતો ચાલ્યા ગયા. ત્યારે તેણે જાણ્યું કે, જેના નામમાં બળ ચમત્કાર આટલો છે તો તેની કથામાં કેટલું ઐશ્વર્ય હશે. પછી તે કથામાં ગઇ. એક માસ કથા સાંભળી, મંત્રોપદેશ લીધો પછી ધૂન, ભજન, સેવા, ભક્તિ, નિયમ, ધર્મપાલન કરીને ભગવાનને રાજી કર્યા. તેથી પ્રભુ કૃપા કરી ધામમાં લઇ ગયા.

શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, ખનીપુરમાં એક વિપ્ર વૃદ્ધ માતા-પિતાના પુત્ર સુરપ્રસાદે માતા-પિતાની સેવા ન કરી. તેથી તેને ગુરુ પાસે ભણવા મૂક્યો. ત્યાં વિદ્યા તો ભણ્યો પણ અભિમાન આવ્યું. મારા જેવો પંડિત કોઇ નથી, ગુરુ પણ મારા જેટલું નથી ભણ્યા. અભિમાન સાત્વિક બુદ્ધિનો નાશ કરી ભક્તિ માર્ગથી પાડી નાખે છે. તેણે તામસી બુદ્ધિથી ગુરુની હત્યા કરી નાખી. એકસો સ્ત્રીની હત્યા કરે તે ગુરુહત્યા સમાન પાપ થાય. સો માછલાં મારે તો એક બાળહત્યા સમાન પાપ થાય. સો વૃક્ષ કાપે તો એક માછલાની હત્યા સમાન પાપ થાય. સો ખડના થુંબડા કાપે તો એક વૃક્ષ કાપ્યા સમાન પાપ થાય. ગુરુહત્યા સમાન કોઇ પાપ છે જ નહિ. ગુરુ આલોક-પરલોક બંને સુધારનારા છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, રિદ્ધિ-સિદ્ધિ સર્વ આપનારા છે. ગુરુથી પરબ્રહ્મ અલગ રહી શકતા નથી. તે સુરપ્રસાદ વિપ્ર વનમાં રખડતો કથામાં આવ્યો. બધા સંતો, ભક્તો, ઋષિમુનિઓના દર્શન થયા. બુદ્ધિ નિર્મળ થઇ. લક્ષ્મીનારાયણ સંહિતાની કથા સાંભળી. લોમશ ઋષિ પાસે પોતાનું વૃત્તાંત નિષ્કપટપણે કહ્યું. લોમશ ઋષિએ “ૐ અનાદિશ્રીકૃષ્ણનારાયણ: સ્વામિ પતિશ્ચમે” મંત્ર આપ્યો અને બ્રહ્મકુર્ચવ્રત પ્રાયશ્ચિતમાં કરવાનું કહ્યું. તેણે સાત દિવસ વ્રત કર્યું. રાત્રી-દિવસ ભજન-ભક્તિ કર્યા. માઘ સુદી એકાદશીએ સાંજે વ્યાસની પૂજા કરી ધૂન- કિર્તન કરતો હતો ત્યાં તેને સમાધી થઇ ગઇ. દેહ પડી ગયો ત્યાં વિમાન આવ્યું તેમાં બેસીને ધામમાં ગયો. જોનારા ભક્તો બોલવા લાગ્યા, અહો પ્રભુ તમારી કૃપાનો કોઇ પાર નથી.