ભાગ · અધ્યાય ૫૯–૬૧

ભંડશીલ ભાંડ, હરિવીર મલ્લ, નાગાદ વાદીની કથા

આ અધ્યાય 59–61 સંયુક્ત છે

શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, દ્વારમૃતપુરમાં ભંડશીલ દોઢસો ભાંડનો મોટેરો હતો. તે આવો કથાનો ચમત્કાર જોઇને બધા ભાંડને લઇ કથામાં આવ્યો. સભામાં નૃત્ય કર્યું. કિર્તન કર્યા, કથા સાંભળી બધા સંતો, ભક્તોના દર્શન કર્યા. લોમશ ઋષિએ બધાને “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણાય પતયે સ્વાહા” મંત્ર આપ્યો. સૌએ ચૈત્રવદી એકાદશીએ જાગરણ કરી કિર્તન ઉત્સવ કર્યો. રાત્રે બધાને સ્વપ્ન આવ્યું. અનાદિશ્રીકૃષ્ણનારાયણ વિમાન લઇ આવ્યા. બધાને દિવ્ય દર્શન થયા. સવારે લોમશ ઋષિએ કહ્યું, તમે બધા નિષ્પાપ થયા. તમારી ભક્તિથી ભગવાન પ્રસન્ન થયા. પછી તે ભાંડ ભક્તોને બારસને દિવસે પ્રગટ પ્રભુએ દિવ્ય ગતિ આપી.

શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, શ્રીકારનગરમાં હરિવીર આદી પાંચસો મલ્લો હતા. તે કથાનો દિવ્ય અલૌકિક મહિમા સાંભળીને સર્વે કથામાં દર્શને આવ્યા. લક્ષ્મીનારાયણ સંહિતા વ્યાસની લોમશઋષિની પૂજા કરી કથા સાંભળી. પ્રસાદ-ભોજન લીધા. સંતો-ભક્તોની સેવા કરી. ચૈત્ર અમાસે પ્રગટ પ્રભુ વિમાનમાં બેસાડી ધામમાં લઇ ગયા. તે કથામાં શિકારી તથા કિરવણ વાઘરી તે સંતો ઋષિમુનિ, ભક્તોને દાતણ પાણી આપતો તથા માટી લાવી આપતો. તેને લોમશ ઋષિ અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મંત્ર આપી ભજન ભક્તિ કરાવતા હતા. તે બધા ભક્તોને કથા-શ્રવણના પુણ્યથી, સેવાથી, ભક્તિથી પ્રગટ પ્રભુ પ્રસન્ન થઇને વિમાનમાં બેસાડીને ધામમાં લઇ ગયા.

શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, લીનક્ષાર ગામનો નાગાદ નામે વાદી તથા તેનું કુટુંબ તે કથા મંડપ પાસે ખેલ કરીને કમાણી કરતો. એક દિવસ સભામાં બધાને સર્પ, નોળીયાની લડાઇ બતાવી. તેથી સાધુએ વાદીને પ્રસાદી આપી જમાડ્યો તેથી બુદ્ધિ નિર્મળ થઇ માટે રોજ કથા સાંભળી લક્ષ્મીનારાયણ સંહિતા વ્યાસની લોમશ ઋષિની સંતોની પૂજા કરતો. પછી લોમશ ઋષિએ અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મંત્ર આપ્યો. ભજન કરાવી મોક્ષમાં મોકલ્યો.

એક વ્યાયામ તથા પશુ-પક્ષીના ખેલ બતાવનારો કથા શ્રવણથી, સાધુની સેવા કરી લોમશ ઋષિ પાસેથી મંત્ર લઇ અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન કરી મોક્ષમાં ગયો.