ભાગ · અધ્યાય ૧૨૧

શ્રીબાલકૃષ્ણ પ્રભુનો ઓગણત્રીસ અને ત્રીસમો જન્મજયંતિ મહોત્સવ

શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુએ પ્રજ્ઞા અને પાશવતીને હૃદયમાં વાસ આપી એક સ્વરૂપે કુંકુમવાપીમાં વાસ કર્યો. બીજે સાધુ સ્વરૂપે ભારતના બધા તિર્થોમાં ફરી પવિત્ર કરી પોતાના ઓગણત્રીસમાં જન્મજયંતિ મહોત્સવમાં કુંકુમવાપી આવી ગયા. તે ઉત્સવમાં દેશ-દેશાંતરોથી લાખો ભક્તો આવ્યા. અનાદિશ્રીકૃષ્ણનારાયણના દિવ્ય દર્શન કરી. પૂજા, આરતી કરી સ્તુતિ કરતા હતા. તેવી જ રીતે અનાદિશ્રીકૃષ્ણનારાયણના ત્રીસમાં જન્મજયંતિ મહોત્સવમાં દેશાંતરોમાંથી લાખો સાધુ- સાધ્વીઓ, ભક્તો આવી ઉત્સવ ઉજવતા હતા. પ્રગટ પ્રભુ પૃથ્વી પર હોય ત્યારે સત્યયુગની જ પ્રવૃતિ હોય. ત્રેતા, દ્વાપર કે કળીયુગ હોય પણ શ્રીહરિના યુગથી સત્યુગ વર્તે છે. પ્રગટ પ્રભુ જ્યારે પૃથ્વી પર હોય ત્યારે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થની સિદ્ધિ થાય છે. અનાદિશ્રીકૃષ્ણનારાયણ એક લાખ, પચ્ચીસ હજાર, પાંચસો વર્ષ પૃથ્વી પર રહી એના એ જ શરીરે પરમધામમાં પધાર્યા. દિવ્ય સ્વરૂપે કુંકુમવાપીમાં મૂર્તિ રૂપે બિરાજે છે. સાધુઓને, સાધ્વીઓને સાધુરૂપે દર્શન આપે છે. યોગીઓને ધ્યાનમાં દેખાય છે. મુક્તોને ધામમાં દેખાય છે. ભક્તોને સ્નેહવશ થઇ હૃદયમાં-આત્મામાં દેખાય છે. તે પ્રગટ પ્રભુનું ભજન કરવાથી પરમપદની પ્રાપ્તિ થાય છે.