હેમસુધા સોની, વિદ્રુમણી ભક્તાણી અને માલવાણી ચાંડાલીની કથા
આ અધ્યાય 33–35 સંયુક્ત છે
શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, નર્મદા કાંઠે માણેકપુરની સોની હેમસુધા અનાદિશ્રીકૃષ્ણનારાયણનો આશ્રય કરીને બાલકૃષ્ણ, હરેકૃષ્ણ ભજન કરતી. એક વર્ષે દુકાળ પડ્યો ત્યારે તેણે પ્રગટ પ્રભુને પ્રાર્થના કરી. પ્રભુએ દર્શન આપી કોઠીને સ્પર્શ કરી અદ્રશ્ય થયા પછી તે ભક્તબાઇએ સદાવ્રત ચાલુ કર્યું. અસંખ્ય માનવો પ્રસાદી અન્ન જમી, બીજબળ પામ્યા. પછી પ્રગટ પ્રભુનો આશ્રય કરીને ભજન કરી અંતે મોક્ષને પામ્યા.
શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, ધનધ્રુ ગામે વિદ્રુમણી ભક્તાણી શિબિકા ચલાવી રાજા, શ્રીમંતોને બેસાડી માળા ફેરવતી. એક વખત એક સાધુ રાધાયનને બેસાડ્યા. સાધુ રાજી થયા. આશીર્વાદ આપી અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મંત્ર આપ્યો અને કહ્યું, આ મંત્રનું ભજન કરજે. તે સતત ભજન કરવા લાગી. તેથી તેની સ્થિતિ, દૃષ્ટિ નિરાવરણ થઇ ગઇ. તે વિદ્રુમણી ભક્તાણીએ હજારો મુમુક્ષુઓને અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન કરાવી દિવ્યતા આપી મોક્ષ માર્ગે મોકલ્યા.
શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, માલવ ગામે માલવાણી ચાંડાલી શબને દાહ આપતી વિચાર કરવા લાગી. આમને આમ કેટલાય વર્ષો ચાલ્યા ગયા. હું પણ ચાલી જઇશ. સાથે કોઇ નથી આવતું. પાપ અને પુણ્ય સાથે રહે છે. માટે પુણ્ય કરી લઉં. એમ વિચારી સાધુ-સેવા પૂજન કરતી. એક વખત ધર્મદેવતા સાધ્વી બનીને ત્યાં આવ્યા. માલવાણીએ કહ્યું, હું અપવિત્ર છું. શબ દાહ કર્યો છે. રજસ્વાલા છું. સાધ્વીએ કહ્યું, આસન, પાણી, તુલસી, તલ દે, તે અભડાતા નથી. માલવાણીએ તે દીધું તેથી સાધ્વીએ પ્રસન્ન થઇ દિવ્ય દર્શન આપી “અનાદિશ્રીકૃષ્ણનારાયણ: સ્વામિ પતિશ્ચમે” આ મંત્ર આપ્યો. તે માલવાણી જપવા લાગી. તેથી અનાદિશ્રીકૃષ્ણનારાયણે દર્શન દીધાને કહ્યું, તામસી કર્મ તજી દે, સાત્ત્વિક કર્મ કર, ચાલ અશ્વપટ સરોવર. પછી તેણે કુંકુમવાપી ક્ષેત્રમાં વિમાનમાં બેસી અશ્વપટ સરોવરમાં સ્નાન કરી ત્યાં વાસ કર્યો પછી કુટુંબ સહિત ધામમાં ગઇ.