સુરદેવાયન સાધુનો ઉપદેશ - સર્વશ્રેષ્ટ અવતાર કયો ?
શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, ઓજત કાંઠે મા-દીકરી રહે. મા ગંગા વિધવા ટોપલા વેચી નિર્વાહ કરે. એકવાર પુત્રી રમા અને મા ગંગા જુનાગઢ દર્શને ગયા. દામોદર કુંડમાં ન્હાયા. સાધુ-સાધ્વીના દર્શન કર્યા. પછી સુરદેવાયન સાધુને પૂછ્યું, અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાન જુનાગઢ તિર્થમાં બિરાજે છે તેનો મને મહીમા કહો. સાધુએ કહ્યું, વામન અવતારથી શ્રેષ્ટ નરનારાયણ ભગવાન, તેનાથી શ્રેષ્ટ શ્વેતદ્વીપ વાસી કમલાનારાયણ, તેનાથી શ્રેષ્ટ ક્ષીરસમુદ્રવાસી શેષનારાયણ, તેનાથી શ્રેષ્ટ જળના આવરણમાં રહેલા વૈકુંઠના વાસી વિષ્ણુ ભગવાન, તેનાથી શ્રેષ્ટ શ્રીપુરના મહાવિષ્ણુ, મહાલક્ષ્મી જે કુંકુમવાપીમાં કંભરામાતા ગોપાલપિતા થયા. જેને ઘરે અનાદિ શ્રીકૃષ્ણનારાયણ પ્રગટ્યા. તે મહાવિષ્ણુથી શ્રેષ્ટ ભુમાપુરુષ જે અવ્યાકૃતધામમાં રહે છે, જે ઇશ્વરોના ન્યાય આપનારા છે. તેનાથી પર વાસુદેવ ભગવાન જે અમૃતધામમાં રમા સાથે રહે છે, તેનાથી પર વૈકુંઠમાં લક્ષ્મીનારાયણ જેના નામથી આ સંહિતા થઇ છે. તેનાથી પર રાધા-કૃષ્ણ ભગવાન છે, જે અસંખ્ય ગોપગોપીઓ ગાયો સેવા પરાયણ છે અને ગોલોકમાં બંસી ધારણ કરી અનેક ભક્તોના કલ્યાણ કરનારા છે. એવી રીતે બાવીસ ધામો બીજા છે અને કરોડો સાકેત આદિધામો છે. તે સર્વેથી પર અનંત અપાર પરમધામમાં સ્વયં શ્રીહરિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણ સર્વે અવતારોના પતિ મુક્તપતિ, મુક્તાનિકાપતિ, માણિકીપતિ જેની સમાન કોઇ નથી. તે શ્રીહરિની આજ્ઞામાં સર્વે અવતારો રહે છે. જે ભગવાને જીવસૃષ્ટિ, ઇશ્વરસૃષ્ટિ, બ્રહ્મસૃષ્ટિ બનાવી છે. સર્વ અવતારો તે પરબ્રહ્મની સંકલ્પમૂર્તિ છે. એવા અનાદિશ્રીકૃષ્ણનારાયણ સૌરાષ્ટ્રમાં ગોપાલકૃષ્ણ કંભરાલક્ષ્મીને ત્યાં બાળક થઇને બાલકૃષ્ણ સ્વરૂપે રહે છે. તેથી આપણે ગિરનારની પ્રદક્ષિણા કરીને તે પ્રભુના દર્શન કરવા કુંકુમવાપી તિર્થે જશું. આ રીતે સાધુના મુખેથી મહિમા સાંભળી મા-દીકરી કાર્તિક પૂર્ણિમા પછી સાધુ-સાધ્વીના મંડળ સાથે અશ્વપટ સરોવર ગયા. ત્યાં લોમશ ઋષિ પાસે મંત્રોપદેશ લઇ અનાદિશ્રીકૃષ્ણનારાયણના મંદિરે ગયાં. દર્શન કર્યા. ધ્યાનમગ્ન થયા. અનાદિશ્રીકૃષ્ણનારાયણે બધાને દિવ્ય અલૌકિક દર્શન આપ્યા. તે સમયે ગંગાએ પોતાની દીકરી રમાને શ્રીહરિની પાસે લક્ષ્મીતુલ્ય દર્શન કરી આનંદ પામી.