બાલયોગિની દ્વારા નારીઓને મહાભાગવત ધર્મનું જ્ઞાન
આ અધ્યાય 10–12 સંયુક્ત છે
નરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, તે બાલયોગિનીની વાત સાંભળી માતા સુરેશ્વરી ફરી પુછવા લાગી. અનાદિશ્રીકૃષ્ણનારાયણની પ્રાપ્તિ કેમ થાય ? બાલયોગિની કહે : તે પ્રભુ અતિ સ્નેહથી, સેવાથી દાસપણાથી મળે છે અને ભક્તને વશ થાય છે. તે ભગવાનને સર્વ અર્પણ કરવું. ઇન્દ્રિયો અંત:કરણથી સંભારવા, હૃદયમાં ધારવા. કામ, મોહ, મદ, ઉત્સવ, રમણ, હાસ્ય, શારીરિક ક્રિયા બધી પ્રભુમય બનાવવાથી તે બાલકૃષ્ણ પ્રગટ પ્રભુ રાજી થાય છે. તથા પ્રભુના સંતોની સેવાથી ભક્તને આશીર્વાદ મળે છે. જે રૂપમાં હરિ ન હોય તે રૂપ ન જોવું. જે ગંધમાં ભગવાન ન હોય તે ગંધ ન લેવી. જે સ્પર્શમાં કૃષ્ણ ન હોય તે સ્પર્શ ન કરવો. જે સ્વાદમાં પ્રભુ ન હોય તે સ્વાદ ન લેવો. જે આનંદમાં ભગવાન ન હોય તે આનંદ ન લેવો. આવી રીતે આત્મનિષ્ટાવાળી થઇને લક્ષ્મીનારાયણ સંહિતાની કથા સાંભળે તો અનાદિશ્રીકૃષ્ણનારાયણની દૃઢ ભક્તિવાળી થાય. તેને મુક્તાની કહી છે.
નરનારાયણ કહે : સુરેશ્વરીએ પૂછયું, કન્યાએ દાસપણું કેવી રીતે કરવું ? બાલયોગિની કહે, અનાદિશ્રીકૃષ્ણનારાયણને આત્મદાન કરવું. ચિતદાન, સર્વે ઇન્દ્રિયોનું દાન, પ્રાણદાન, દેહદાન, સર્વદાન પ્રભુને કરવું. એવી પ્રગટ પ્રભુની દાસી ભગવાન વિના બીજા માર્ગે ચાલવા પણ સમર્થ થતી નથી. માટે એ પ્રભુ અનાદિશ્રીકૃષ્ણનારાયણને મેં પતિ માન્યા છે. મારા આત્મામાં હું નિરંતર તેમને દેખું છું. તેથી તે ભગવાનને પ્રસન્ન કરવા ગુરુસેવા, સંતસેવા, સાધુ-સાધ્વીની સેવા, ભક્તો-ભક્તાણીની સેવા કરવી. સર્વપતિ અનાદિશ્રીકૃષ્ણનારાયણ જેમાં મુક્તો બ્રહ્મ અવતારો વાસ કરે છે તે પ્રગટ પ્રભુને ભજવા.
નરનારાયણ કહે : હે બદ્રીશ્વરી સાંભળો. લક્ષ્મીસ્વરૂપ તે બાલયોગિની તેની માતા સુરેશ્વરીને કહેવા લાગી. જે બ્રહ્મપત્ની છે તે પોતાના ઇન્દ્રિયોની અંત:કરણની વૃતિ આત્મપતિ ભગવાન સન્મુખ રાખે છે. જેમ ચુંબક લોઢાને ચોંટી રહે છે તેમ. જે કેવળ માયિક પંચવિષયમાં રહે છે તે માયા સ્ત્રી જાણવી. માયિક વિકાર જેને થતા નથી, તે યોગિની સાધ્વી કહી છે અને જેના દર્શનથી માયિક વિકાર સંકલ્પ પણ નષ્ટ થઇ જાય તેને મુક્તાનીકા, લક્ષ્મી સ્વરૂપ, બ્રહ્મપ્રિયા, હરિપ્રિયા કહી છે. તે સ્થિતિ પ્રગટ ભગવાન પૃથ્વી પર હોય ત્યારે તેની દૃષ્ટિ કૃપાથી થાય છે. તે અનાદિશ્રીકૃષ્ણનારાયણ બાલકૃષ્ણ પ્રભુની દાસભાવે- પતિવ્રતા ભાવે ભક્તિ કરવી.
પક્ષી બે પાંખ વિના જેમ આકાશમાં ઊડી શકતું નથી. તેમ મૂર્તિમાં ચોંટવા માટે દાસપણું અને પતિવ્રતા બે પાંખો છે. તેમાં દાસપણામાં સર્વ આજ્ઞાપાલન પણ પોતાના સ્વાર્થ માટે હોય છે. જ્યારે પતિવ્રતાપણાની ભક્તિમાં સર્વસ્વ પ્રભુને અર્પણ કરવાનું હોય છે. દેહ, ઇન્દ્રિયો, અંત:કરણ, આત્મા અવસ્થા મારું કાંઇ છે જ નહિ. તો દેહ સંબંધી પદાર્થમાં પોતાપણું રહે જ ક્યાંથી ! તે સ્થિતિ સંતના યોગથી, ગુરુના યોગથી, શ્રીહરિના યોગથી થાય છે. અનેક જન્મના પુણ્યભક્તિ ભેગા થાય ત્યારે રાધા-રમા, શ્રી, માણિકી, પદ્મા, લક્ષ્મી સમાન મુક્તાની થવાય છે અને વૈકુંઠ, ગોલોક, અક્ષરધામ, પરમધામની મુક્તિસ્થિતિ પ્રાપ્ત થાય છે. આ રીતે નારીઓએ મહાભાગવત ધર્મ પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે પાળવા.