અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુની ચૌદ લોકમાં પધરામણી
આ અધ્યાય 93–96 સંયુક્ત છે
પદ્માવતીએ પૂછ્યું : હે ભગવાન, તમારા ઉત્સવના અંતે બ્રહ્મા કેમ રોકાયાં ? અનાદિશ્રીકૃષ્ણનારાયણ કહે : શર્કરાનગરમાં કથામાં આવેલા બધાએ પ્રભુને પોતાના રાજ્યમાં પધારવા આમંત્રણ આપ્યું હતું. માટે બ્રહ્મા પણ આમંત્રણ આપવા રોકાયા હતા. બ્રહ્માએ પ્રભુને કહ્યું, હે પ્રભુ તમે સત્યલોકમાં પધારી અન્નકોટનો ઉત્સવ કરો. તો સાવિત્રી, ગાયત્રીને તેમજ ત્યાંના વાસીઓને તમારી સેવાનો લાભ મળે. તેથી પ્રભુએ કહ્યું, સારૂ. પછી આસો વદ એકાદશીએ અનાદિશ્રીકૃષ્ણનારાયણ સર્વ પ્રિયાઓ સાથે સંતુષ્ટાબેન, દાસ-દાસીઓને લઇને સો યોજનના વિસ્તારવાળા વૈકુંઠ તુલ્ય વિમાનમાં બેઠા, બીજે સ્વરૂપે બ્રહ્મા- લોમશઋષિ સાથે બેઠા. એક મુહૂર્તમાં સત્યલોકમાં પહોંચી ગયા. બધા દેવોને ખબર પડી તેથી તેઓએ પણ ત્યાં પહોંચી સત્યલોકને શણગારી દીધો. બ્રહ્મા, સાવિત્રી, ગાયત્રી, દેવો, પિતૃઓ, ઋષિ, મુનિઓ અનાદિ શ્રીકૃષ્ણનારાયણની આરતી ઉતારી પૂજા કરી ભેટ મુકતા હતા. અનાદિશ્રીકૃષ્ણનારાયણે ત્યાં દિવાળી અને અન્નકુટનો ઉત્સવ ધામધૂમથી કર્યો. સત્યલોકમાં પ્રગટ પ્રભુ પોતાની મૂર્તિનું અલૌકીક સુખ આપીને તપલોકમાં આવ્યા.
નરનારાયણ કહે : બદ્રીશ્વરી, અનાદિશ્રીકૃષ્ણનારાયણ માગસરમાં વિમાનમાં બેસીને સત્યલોકમાંથી પૂજા ગ્રહણ કરીને તપલોકમાં આવ્યા. અર્યમા વગેરે પિતૃદેવોએ અનાદિશ્રીકૃષ્ણનારાયણની કેસર-ચંદનથી પૂજા કરી. મણિરત્નો, હીરામોતીના, સોના-ચાંદીના હાર પહેરાવી, આરતી ઉતારી, સ્તૂતિ કરી ભેટ મુકતા હતા. તપ, યજ્ઞ અને બ્રહ્મચર્યનું પાલન કરીને તપલોકમાં રહેલા સિદ્ધ પુરુષોએ અનાદિશ્રીકૃષ્ણનારાયણની પૂજા કરી સ્તુતિ કરતા હતા. અનાદિશ્રીકૃષ્ણનારાયણે બધાને “ૐ નમ: અનાદિશ્રીકૃષ્ણનારાયણ સ્વામિને સ્વાહા” આ મંત્ર આપીને મોક્ષમાં મોકલીને ત્યાંથી જનલોકમાં આવ્યા.
તપલોકમાંથી પ્રભુ પોષ માસમાં જનલોકમાં આવ્યા. ત્યાં યજ્ઞ, દાન કરીને જનલોકમાં રહેલા સાધ્યદેવોએ અનાદિશ્રીકૃષ્ણનારાયણની વસ્ત્ર, આભૂષણો, અલંકારો ધારણ કરાવી પૂજા કરી, આરતી ઉતારી, સ્તુતિ કરી. પછી બ્રહ્મપ્રિયાઓની વસ્ત્ર, અલંકારોથી પૂજા કરી. અનાદિશ્રીકૃષ્ણનારાયણ તે સાધ્યદેવોને અનાદિશ્રીકૃષ્ણનારાયણના મંત્રો આપી ચિહ્ન યુક્ત સ્વહસ્ત તેઓના મસ્તક પર મૂકીને કલ્યાણ કર્યાં.
ત્યાંથી વિમાનમાં બેસીને માઘમાસમાં મહરલોકમાં ગયા. ત્યાં બ્રહ્માના માનસપુત્રો અને રૂદ્રાણીઓએ અનાદિશ્રીકૃષ્ણનારાયણની પૂજા, આરતી, સ્તુતિ કરીને પછી રૂદ્રએ તાંડવ નૃત્ય કરીને પ્રગટ પ્રભુને રાજી કર્યા. પ્રગટ પ્રભુએ તે બધાને અનાદિશ્રીકૃષ્ણનારાયણના મંત્રથી કલ્યાણ કરીને ધ્રુવના સ્વર્ગમાં આવ્યા.
અનાદિશ્રીકૃષ્ણનારાયણ ફાગણ માસમાં ધ્રુવના સ્વર્ગમાં આવ્યા. ભક્ત રાજા ધ્રુવે પોતાની પત્ની શાશ્વતી સાથે અનાદિશ્રીકૃષ્ણનારાયણની વસ્ત્ર, આભૂષણોથી લક્ષ્મીઓ સહિત પૂજા, આરતી કરી, સ્તૂતિ કરી. પ્રગટ પ્રભુ બધાને આશીર્વાદ આપી સાત ઋષિના લોકમાં આવ્યા. ત્યાં વસિષ્ટ, પુલહ, પુલસ્ત્ય, કૃતુ, ભૃગુ, અંગીરા, મરીચી, અત્રી વગેરે ઋષિઓએ પોતાના વંશ સહિત અનાદિશ્રીકૃષ્ણનારાયણની વેદમંત્રોથી પૂજા કરી હાર પહેરાવી, આરતી ઉતારી, સ્તૂતિ કરી, ભોજન કરાવ્યા. પ્રભુ આશીર્વાદ આપી ત્યાંથી કૃતુનાલોકમાં ત્યાંથી શનિલોકમાં, પૂજા ગ્રહણ કરી, ગુરુલોકમાં પૂજા ગ્રહણ કરી. બૃહસ્પતિને આશીર્વાદ મંત્ર આપી ત્યાંથી શુક્ર લોકમાં, ત્યાંથી મંગળ, ત્યાંથી બુધલોકથી, સૂર્ય લોકમાં આવ્યા. સૂર્યે પત્ની સહિત અનાદિશ્રીકૃષ્ણનારાયણની પૂજા વસ્ત્ર આભૂષણોથી કરી. ત્યાંથી ચંદ્રલોકમાં પૂજા ગ્રહણ કરી. ત્યાંથી સ્વર્ગમાં ઈન્દ્ર આદી દેવોની પૂજા સેવા ગ્રહણ કરી તેમજ યમ વરૂણ, ઇશાન વગેરે દેવોની સેવા અંગીકાર કરી મેરુ પર્વત પર આવ્યા. ત્યાં પ્રિયવ્રત ઉતાનપાદ ધર્મદેવ, સિદ્ધો, ચારણો, ગાંધર્વો, વિદ્યાધરો સર્વે દેવોએ અનાદિશ્રીકૃષ્ણનારાયણની વસ્ત્ર અલંકારોથી પૂજા સેવા કરી આરતી ઉતારી.