શ્રીબાલકૃષ્ણ પ્રભુનો છવ્વીસમો જન્મજયંતિ મહોત્સવ
આ અધ્યાય 100–101 સંયુક્ત છે
શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, અનાદિશ્રીકૃષ્ણનારાયણના છવ્વીસમાં જન્મજયંતિ મહોત્સવમાં લોમશ ઋષિ, સાધુ-સાધ્વી, મુક્તો, ભક્તોએ પૂજા કરી આરતી કરી. પછી પ્રગટ પ્રભુએ બ્રહ્મપ્રિયાઓને સૌરાષ્ટ્રના નદી, પર્વત, અરણ્ય પર્વતો વગેરે તિર્થો કરાવ્યા. ગોમતી, શેત્રુંજી, ઓજત, હીરણ, ભદ્રાવતી, નારાયણધરો, સ્વર્ણરેખા, વ્યાધ્રારણ્ય, રૈવતાચળ વગેરે તિર્થો કરી કુંકુમવાપી આવ્યા. પ્રગટ પ્રભુના દર્શન કરવા આવતી નારીઓ, નાના બાળકોને પ્રભુને પગે લગાડીને આશીર્વાદ મેળવતી હતી. તે જોઇને પ્રગટ પ્રભુની પત્નીઓને વિચાર થયો. પુત્ર-પુત્રી વિનાનું જીવન મીઠા વિનાના ભોજન જેવું છે. શ્રીહરિને બધી બ્રહ્મપ્રિયાઓએ પ્રાર્થના કરી, હે પ્રભુ અમને પુત્રની ઈચ્છા થાય છે, તો પુત્ર આપો.
બ્રહ્મપ્રિયાઓ પ્રભુને કહે, હે ભગવાન તમોએ અમને બધા ધામો, સ્થાનો, લોક બતાવ્યા. ત્યાં બધા પુત્રવાળા છે. તો અમને પુત્ર-પુત્રીની ઈચ્છા રહે છે. આ લોકમાં જે ઘરમાં ગર્ભવતી નારી નથી, પ્રસૂતિ નથી, સ્તનપાન કરનારું નથી, કાલી ભાષા નથી, માતા- પિતા શબ્દ નથી, પુત્ર-પુત્રી શબ્દ નથી. બાળકના પગલાં-પારણું નથી, તે ઘર ડાકીની પ્રેતગૃહ જેવું અથવા સંન્યાસીના આશ્રમ જેવું લાગે છે.
બધી બ્રહ્મપત્નીઓની, પુત્ર-પુત્રીની ઈચ્છા જાણીને શ્રીહરિએ કહ્યું, એક પુત્ર - વધુ પુત્રીઓ તે સારું નહીં. એક પુત્રી - વધુ પુત્રો તે પણ સારું નહીં. એક પુત્ર, એક પુત્રી આપીશ જેથી તમારો સંકલ્પ પૂર્ણ થાય. અનાદિશ્રીકૃષ્ણનારાયણ પુરૂષોત્તમ નારાયણ એવો હું મારા માનસ પુત્ર ગોલોકમાં કૃષ્ણ તથા રાધા છે. વાસુદેવ આદી ચતુર્વ્યુહ છે. વૈકુંઠમાં લક્ષ્મીનારાયણ છે, શ્વેતદ્વીપમાં રમાનારાયણ છે, ક્ષીર સમુદ્રમાં લલિતાનારાયણ છે. તે બધી માનસ સૃષ્ટિઓ છે. તે જ રીતે ધામ, અવતારો, ઇશ્વરોની તે સંકલ્પસૃષ્ટિ શ્રેષ્ટ છે. સ્પર્શસૃષ્ટિ, યોગી-તપસ્વીઓની છે. દર્શનસૃષ્ટિ, દેવો-પિતૃઓની છે. મૈથુનીસૃષ્ટિ મનુષ્યો, પશુ, પક્ષીની છે. સત્યુગમાં સંકલ્પસૃષ્ટિ, ત્રેતાયુગમાં દર્શનસૃષ્ટિ, દ્વાપરમાં સ્પર્શસૃષ્ટિ, કલીમાં મૈથુનીસૃષ્ટિ છે.
પ્રભુએ પોતાની બ્રહ્મપત્નીઓને કહ્યું, સત્યુગની અને અવતારોની સંકલ્પ સૃષ્ટિ પ્રમાણે તમને પુત્ર-પુત્રી આપું જેથી ગર્ભસૂતક લાગે જ નહીં. માટે એક વર્ષ પયોવ્રત કરો. આ રીતે અનાદિશ્રીકૃષ્ણનારાયણે તે બ્રહ્મપત્નીનો સંકલ્પ પૂર્ણ કરવા માનસપુત્ર-પુત્રી આપ્યાં, જે સૂર્ય જેવા તેજસ્વી માતા-પિતા સમાન ગુણરૂપ ઐશ્વર્યવાળા હતા, પ્રગટ પ્રભુની આ દિવ્ય સૃષ્ટિ જોઇને ઋષિઓ આશીર્વાદ આપતા હતા. શ્રીહરિ સાધુ- બ્રાહ્મણોને, ઋષિ-મુનિઓને, અતિથિઓને, અનાથ બાળકોને, ગરીબોને જમાડીને અનેક પ્રકારના દાન આપતા હતા. લોમશ ઋષિ નામકરણ સંસ્કાર કરતા હતા.