ભાગ · અધ્યાય ૬૯–૭૧

સથવારા - લૂંટારા, કુશલા દાસી, સંઘવાટ શુદ્ર, સાગરદાન બારોટ અને કીરતાર ભાટની કથા

આ અધ્યાય 69–71 સંયુક્ત છે

નરનારાયણ ભગવાન કહે : હે બદ્રીશ્વરી, દશ સથવારા કપાસનો વેપાર કરતાં. તેમણે પોતાના શેઠને ગળે ટૂંપો દઇ મારી નાખી તેની સંપત્તિ લઇ લીધી. તે પાપે યમપુરીમાં દુ:ખ ભોગવી દશ સથવારા હોલાના દેહને પામ્યા તથા કોળી જ્ઞાતિના લૂંટારા હતા. તે ચોરી કરી. મદ્યમાંસ ખાનારા, પરસ્ત્રીગમન કરનારા તે મરીને કાગડા થયા. તે સો કાગડા તથા હોલાઓ વ્યાસ સંતોની એઠી પ્રસાદી જમી દિવ્ય દેહને પામ્યા. પછી વ્યાસ સ્વયંપ્રકાશે અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મંત્ર આપ્યો. તે ધૂન-કિર્તન કરી કથા સાંભળી વ્યાસના આશીર્વાદથી વૈશાખ સુદ-ત્રીજના દિવસે ચતુર્ભુજ દેહ ધારણ કરી વૈકુંઠધામમાં ગયા.

શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, રાયહરિની દાસી કુશલા તે ચોરી કરવાના સ્વભાવથી મરીને ગરોળી થઇ તથા સંઘવાટ શૂદ્ર તે બત્રીસ શૂદ્રો, ચોર લૂંટારાનો ઉપરી હતો. તે મરીને ઊદરો થયા. તે સર્વ કથા મંડપમાં સંતો, ઋષિ મુનિઓની પ્રસાદી એઠી ખાઇને દિવ્ય દેહ પામ્યા. પછી કથા શ્રવણ કરીને લક્ષ્મીનારાયણ સંહિતા વ્યાસ લોમશ ઋષિની પૂજા આરતી કરી, મંત્ર લઇ ધૂન કરતા હતાં. જયા કૃષ્ણ, પ્રભા કૃષ્ણ, લલિતા કૃષ્ણ, પદ્મા કૃષ્ણ, રાધા લક્ષ્મીપતિ “અનાદિશ્રીકૃષ્ણનારાયણ: સ્વામિ પતિશ્ચમે” એમ ભજન કરતા હતા તેથી તેને પ્રગટ પ્રભુ ધામમાં તેડી ગયા. અહો શું કથાનો ચમત્કાર, પ્રસાદીનો શું મહિમા કે જેના પ્રતાપથી જીવ-જંતુ, કીટ, પતંગ, પશુ-પક્ષી બધા દિવ્ય બની જાય છે.

શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, અચ્છોદર ગામનો સાગરદાન બારોટ તે ઇતિહાસ કથા કહીને, ધર્મ-કર્મનો ઉપદેશ આપતો. પણ પોતે ધર્મપાલન કરતો નહિ, તે પાપે મરીને નોળિયો થયો. તે સંતોની એઠી પ્રસાદી જમી દેવ થયો. તેણે લોમશ ઋષિને પૂછ્યું, અમૃતધામની પ્રાપ્તિ કેમ થાય ? લોમશ ઋષિએ કહ્યું, અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મંત્ર ગ્રહણ કરવાથી અને તેની કથા શ્રવણ, સંતોની સેવા, પ્રસાદી જમવાથી, ભક્તિ કરવાથી ધામ મળે છે. તે દેવ રોજ એ પ્રમાણે સત્સંગ સેવા કરી ધામમાં ગયો.

કીરતાર ભાટ તે આખા જગતના ગુણગાન ગાતો ગાતો કથામાં આવ્યો. ત્યાં કથાના વ્યાસના સંત ભક્તોના ગુણ ગાયા તેથી ભગવાનના ગુરુ લોમશ ઋષિએ તેને અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મંત્ર આપ્યો. પછી તે કથામાં સેવા કરી, વૈશાખ સુદ એકાદશીએ ધામમાં ગયો.