શ્રીબાલકૃષ્ણ પ્રભુનો સત્યાવીશ અને અઠ્યાવીશમો જન્મજયંતિ મહોત્સવ
આ અધ્યાય 118–120 સંયુક્ત છે
શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, અનાદિશ્રીકૃષ્ણનારાયણની જન્મજયંતિ, આસો વદ-આઠમે આવી ત્યારે બ્રહ્મપ્રિયાઓએ સભામંડપમાં ગજાસને વિરાજેલા અનાદિશ્રીકૃષ્ણનારાયણની ષોડ્શોપચારથી પૂજા કરી, મુક્તો-મુક્તાનિકાઓએ પૂજા કરી, આરતી કરી, સૌ જયકાર કરતા હતાં. તે પરમધામમાં રંગમહોલ, સભામહોલ, વાસમહોલ, પૂજા મહોલ, શૈય્યા મહોલ, શ્રેષ્ટ મંદિર મહોલ, સ્નાન મહોલ, ખેલ મહોલ, શાંતિ મહોલ, શ્રૃંગાર મહોલ, ભોજન મહોલ, પૂજા મહોલ, સર્વાગમ મહોલ, ભક્ત સેવા મહોલ, રહસ્યમુક્તાનિ મહોલ, પટાંગના મહા મુક્તાનિ મહોલ, અંત:પુર મહોલ આ સોળ મહોલમાં ઉત્તમ રંગમહોલમાં અનાદિશ્રીકૃષ્ણનારાયણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સર્વે સુખનાધામ એવા સોળ વર્ષના બ્રહ્માસને વિરાજમાન હતા. બ્રહ્મપ્રિયાઓએ આ સોળ મહોલમાં અનુક્રમથી અનાદિશ્રીકૃષ્ણનારાયણ પોતાના પતિ પ્રગટ પ્રભુને સ્નાન કરાવી, વસ્ત્ર, અલંકારો ધારણ કરાવીને, પૂજા, આરતી કરી ભોજન કરાવી. વસ્ત્રો, અલંકારો ધારણ કરાવીને પૂજા, આરતી કરી, ખેલ કરાવી, સેવા કરીને અતિ તૃપ્તિ દિવ્ય આનંદ પ્રાપ્ત કરતા હતાં. આ રીતે બ્રહ્મપત્નીઓના મનોરથો પૂર્ણ કરીને અનાદિશ્રીકૃષ્ણનારાયણ માણિકી, પ્રજ્ઞા, પદ્માવતી, લક્ષ્મી, લોમશ ઋષિ, સ્વયંપ્રકાશ વગેરેને વિમાનમાં બેસાડી એક મુહૂર્તમાં કુંકુમવાપી આવી અશ્વપટ સરોવરમાં પાણી પીધું. ભક્તોએ આ સાતને નિત્ય સંભારવા. પરબ્રહ્મ અનાદિશ્રીકૃષ્ણનારાયણની ત્રણ શક્તિઓ તે જ્ઞાનશક્તિ-પ્રજ્ઞા, ઈચ્છાશક્તિ-લક્ષ્મી, પ્રિયાશક્તિ-પદ્માવતી, શાશ્વતીશક્તિ-માણિકી, સ્વયંપ્રકાશ, લોમશ ઋષિ, બ્રહ્મશીલતા. જે આ સાત મૂર્તિઓને સ્થાપશે, પૂજશે તે સર્વે સિદ્ધિને પ્રાપ્ત કરશે.
શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, પરમધામમાં અનાદિશ્રીકૃષ્ણનારાયણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એક મુક્ત, એક ભગવાન એ રીતે રહે છે. એ રીતે અસંખ્ય મુક્તો સાથે મૂર્તિ પણ અસંખ્ય છે. તેમાં શ્રીહરિની મૂર્તિમાં સૃષ્ટિ તે શ્રેષ્ઠ તાદાત્મ્ય સૃષ્ટિ, બીજી પરમધામમાં રહસ્ય મુક્તોની સૃષ્ટિ, ત્રીજી પરમધામમાં મહામુક્તોની સૃષ્ટિ, ચોથી પરમધામમાં આઠગઢમાં રહેલી મુક્તોની સૃષ્ટિ, પાંચમી અક્ષરમાં અક્ષરમુક્તોની સૃષ્ટિ, છઠ્ઠી અવતારોની ધામમયી સૃષ્ટિ, સાતમી ઇશ્વરોની સત્વમયી સૃષ્ટિ, આઠમી ત્રીગુણી માયામયી સૃષ્ટિ, નવમી બ્રહ્મા, વિષ્ણુ, શંકરની સૃષ્ટિ, દસમી સિદ્ધકોટીની સાધુમયી સૃષ્ટિ, અગિયારમી પિતૃઓની સૃષ્ટિ, બારમી સ્વર્ગના દેવોની સૃષ્ટિ, તેરમી ઋષિ-માનવોની સૃષ્ટિ, ચૌદમી પશુ- પક્ષીની સૃષ્ટિ, પંદરમી વૃક્ષ-વેલીની સૃષ્ટિ, સોળમી ગુણધર્મની સૃષ્ટિ આ સર્વે સૃષ્ટિના પ્રેરક અનાદિ પુરુષોત્તમ પરબ્રહ્મ તે સર્વના નિયંતા અંતર્યામી અન્વય વ્યતિરેકપણે રહેલાં સર્વસાક્ષી મોક્ષ આપનારા ભક્તને સુખ આપનારા, ધર્મ સ્થાપન માટે અવતાર ધારણ કરનારા એવા અનાદિશ્રીકૃષ્ણનારાયણને જાણે ત્યારે જગતથી વૈરાગ્ય પામી પરમપદને પામે.
તે અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રગટ પ્રભુ ચાતુર્માસ, કુંકુમવાપીમાં નિવાસ કર્યો અઠ્યાવીશમો જન્મજયંતિ મહોત્સવ આવ્યો. ત્યારે અનાદિશ્રીકૃષ્ણનારાયણ પોતે અનેક ધામોમાંથી ભેટ આવેલી વસ્તુઓ સાધુ-બ્રાહ્મણોને દાનમાં આપી દેતા હતા. શ્રીમંત કુટુંબ પોતાના જીવનમાં ન વાપરી શકે તેટલું દાન શ્રીહરિ આપતા હતા. દાન લેનાર પણ પ્રસાદીની વસ્તુ જાણી દાન લેતા હતા. સર્વે દાન લેનાર અંતે વૈકુંઠ, ગોલોક અને અક્ષરધામમાં ગયા. પ્રગટ પ્રભુના જન્મજયંતિ મહોત્સવમાં સર્વેલોકના વાસી આવી અનાદિશ્રીકૃષ્ણનારાયણની પૂજા કરી આરતી કરતા હતા. ઋષિ-મુનિઓ, સંતો, ભક્તો પણ પૂજા આરતી કરી મૂર્તિનું અલૌકિક સુખ લેતા હતા. એવા સર્વે દુ:ખને હરનારા સુખને આપનારા કૃષ્ણવલ્લભ સ્વામી નિજ ભવનમાં વિરાજતા હતા.
શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, મહાશાંત બ્રહ્મવ્રત ધારણ કરનારા એવા શ્રીહરિકૃષ્ણ વાનપ્રસ્થ ગ્રહણ કરી ઋષિ-સંત મંડળમાં રહેતા હતા. સ્વસ્વરૂપમાં રહેતા હતા ત્યારે અનેક સિદ્ધો દર્શને આવતા. આદ્યાત્મિક કથા-વાર્તા કરતા ત્યારે અનેક મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરી પરમપદને પામ્યા. ત્યાર પછી અનાદિશ્રીકૃષ્ણનારાયણે લોમશ ઋષિથી મહાદીક્ષા કાર્તિક સુદ-એકાદશીએ ગ્રહણ કરી. જેના દર્શનથી, સ્પર્શથી, પ્રસાદીથી, આશ્લેષનથી, ચરણામૃતથી અનેકનો ઉદ્ધાર થાય તે પ્રભુ પણ આ લોકની શાસ્ત્રપ્રણાલી મર્યાદા રાખવા માટે મનુષ્ય નાટ્ય કરે છે. પરબ્રહ્મ પોતે સાધુરૂપે હતા. તે મહાદીક્ષાથી સ્વામિનારાયણ કૃષ્ણવલ્લભતાને પામ્યા. સર્વના સ્વામિ હતા તે સ્વામિ થયા. તે સમયે લક્ષ્મીજી પણ પ્રભુના શરીરથી જુદા થઇ ભગવા વસ્ત્રો ધારણ કરી અનાદિશ્રીકૃષ્ણનારાયણની સ્તુતિ કરતા હતા. મુક્તોને પૂજેલા નિર્લેપ રહેનારા એવા તમોને નમસ્કાર.