ભાગ · અધ્યાય ૪૫–૪૬

નિર્ગુણ ભક્તિયોગ કોને કહેવાય અને તે કેમ પ્રાપ્ત થાય ?

આ અધ્યાય 45–46 સંયુક્ત છે

નારાયણી લક્ષ્મી પૂછે છે : હે પુરુષોત્તમ, નિર્ગુણ ભક્તિયોગ કોને કહેવાય અને તે કેમ પ્રાપ્ત થાય ? પુરુષોત્તમ કહે : સર્વે મનુષ્યો સાત્ત્વિક કર્મ દાન પુણ્ય સત્કર્મ કરીને સ્વર્ગની પ્રાપ્તિ કરે છે. રાજસી યજ્ઞો વગેરે કરીને આલોકની મોટાઇ શ્રીમંતપણું વગેરે પામે છે તથા તામસીક કર્મ કરીને અધોગતિને પામી જમપુરીમાં જઇ ચોરાશીમાં ભમે છે. જીતેન્દ્રીય સન્યાસીઓ સત્યલોકમાં જાય છે. અષ્ટાંગ યોગવાળા મહર-જનલોકમાં જાય છે. યજ્ઞ કરનારા ઈન્દ્રપદ પામે છે. દાનો આપનારા ચંદ્રલોકમાં, વ્રત કરનારા સૂર્યલોકમાં, વિષ્ણુ ભક્તિ કરનારા વૈકુંઠમાં જાય છે. શંકરની ભક્તિ કરનારા કૈલાસમાં, પૃથ્વી આદિની ઉપાસના કરનારા આવરણમાં, કુબેરની ઉપાસના કરનારા કુબેરલોકમાં, ઇશ્વરોને પૂજનારા ઇશ્વરોના લોકમાં, સાધુ વૈકુંઠમાં, પંચાગ્નિ તપસ્વી સૂર્યલોકમાં, પાપીઓ યમપુરીમાં, ક્રૂર કર્મ કરનારા રાક્ષસો થાય છે. વાસનાવાળા પિશાચીઓ થાય. પૃથ્વી, વાડી, ખેતર દાન કરનારા સમ્રાટ રાજા થાય. ધર્મનો નાશ કરનારા દાનવો થાય, અધર્મીઓ દૈત્યો થાય, અતિક્રોધી સર્પો થાય, પાણીનો નાશ કરનારા પાણીના જંતુ થાય છે. આ રીતે સર્વે જીવો પોતાના કર્મફળ ભોગવે છે. પ્રભુના ભક્તો ભક્તિ કરતા સર્વકર્મ નિષ્કામ કરવાથી ફળની ઈચ્છાથી રહિત થઇ સર્વકર્મ ભગવાનને અર્પણ કરવાથી નિર્ગુણ કહેવાય છે. તે નિર્ગુણ ભક્તિ પ્રત્યક્ષ ભગવાન અથવા પ્રત્યક્ષના સંતોથી પ્રાપ્ત થાય છે.

પુરુષોત્તમ યોગ થવાથી પ્રભુની પ્રેમથી પૂજા, અર્ચન આદી નવધા ભક્તિ કરવી. અનાદિશ્રીકૃષ્ણનારાયણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એવો હું મારી સવારથી સાંજ સુધીની જે ભક્તિસેવા તે આત્મનિવેદી ભક્તોએ કરવી. તેનો વિધિ - પ્રભુને સવારમાં જગાડવા, દંતધાવન, અત્તર, તેલ, ફૂલો, સુગંધી ચંદન તેલથી માલિશ કરી નવરાવવા, પિળું પિતાંબર પહેરાવવું, પિળું પિતાંબર ઓઢાડવું, સોનાનો મુગટ, કુંડળો, ટુપિયો, કંઠી, ચેન હાર, મોતીના હાર, હિરાનો હાર, કંદોરો, સોનાના બાજુબંધ, કડા-પોચી, વેઢ, વીંટીઓ, સોનાના તોડા, મોજડી વગેરે ધારણ કરાવવા. સોનાના સિંહાસનમાં પધરાવી ધૂપ-દીપ અગરબત્તી, અત્તર, ચંદન વગેરે કરવા તથા ભગવાનને દૂધ, કેસરિયા પેંડા, મિષ્ટાન્ન સર્વે ધરાવવા, પછી આરતી ઉતારી પ્રદક્ષિણા-દંડવત્ત કરી પ્રગટ પ્રભુ પાસે માફી માંગવી હે પ્રભુ, મારી પૂજામાં કાંઇ ભૂલ થઇ હોય તો ક્ષમા કરજો. પછી આત્મનિવેદી તે ભક્તે અનાદિશ્રીકૃષ્ણનારાયણના ધૂન-કિર્તન, કથા-વાર્તા કરી દિવસ નિર્ગમન કરવો. પાંચ વાર માનસી પૂજા કહ્યા પ્રમાણે કરવી. સાંજે ભગવાનને સોનાના છપ્પર પલંગમાં રેશમના ગાદલામાં પોઢાડવા, મચ્છરદાની બાંધવી, પ્રભુની પગચંપી કરવી. આ રીતે ભગવાનના આત્મનિવેદી ભક્તે ભગવાનની સેવા-પૂજા ભક્તિ કરવી. ભગવાનને અર્પણ કર્યા વિના પોતાના ઉપયોગમાં કોઇ પણ વસ્તુ લેવી નહીં. આવા ભક્ત દરેક ક્રિયામાં ભગવાનને સાથે રાખી નિષ્કામ ભાવથી ભક્તિ કરે છે, તેવા ભક્તની સર્વે ક્રિયા અનાદિશ્રીકૃષ્ણનારાયણ એવો હું તે મારી ભક્તિથી નિર્ગુણ થાય છે.