મહાલક્ષ્મીના વ્રતોની વિધિ અને મહાત્મ્ય
આ અધ્યાય 135–140 સંયુક્ત છે
મહાલક્ષ્મીની પ્રતિમા પધરાવીને ગૃહયજ્ઞમાં મહાલક્ષ્મીના બસો નામની શાંતિપૂજા, હવનમાં આહુતિ વગેરે કરી મહાલક્ષ્મીનું મંડળ પુરવું.
પૂર્વે અચ્છોદા નામની પિતૃકન્યા મહાલક્ષ્મીના બસો નામ જપીને પિતૃના તથા મહાલક્ષ્મીના આશીર્વાદ મેળવીને વસુરાજાના વીર્યથી માછલીમાં ઉત્પન્ન થઇ, સત્યવતી થઇ. પરાશર ઋષિનો સંગ પામીને વ્યાસ ભગવાનની માતા થઇ અને અચ્છોદા નામે નદી તિર્થરૂપે થઇ આ રીતે લક્ષ્મી શાંતિવ્રતથી તે પિતૃકન્યા તરી ગઇ.
સૌભાગ્ય વધારવા લક્ષ્મીનારાયણની સુવર્ણની મૂર્તિ બનાવીને શય્યામાં સુવારીને સાધુ- બ્રાહ્મણને દાન આપવુ તે સૌભાગ્યશયન વ્રત કહેવાય છે.
ઘટલક્ષ્મી વ્રત કરવાથી સર્વ મંગલ કાર્યો થાય છે.
માઘ સુદ-બારસના લલિતાવ્રતમાં અનાદિશ્રીકૃષ્ણનારાયણ સાથે લક્ષ્મીનું પૂજન કરવું. પંચામૃતથી લક્ષ્મીને સ્નાન કરાવી, પૂજા કરી, વસ્ત્ર આભૂષણો, ધૂપ-દીપ, નૈવેદ્ય અર્પણ કરી સાધુ-બ્રાહ્મણોને જમાડીને દાન આપવા. તેવી જ રીતે અષાઢ સુદ પડવે અર્ધનંદ લક્ષ્મીવ્રત કરવું. તેવી જ રીતે રમા નારાયણનું વ્રત શ્રાવણ સુદ પડવે કરવું. તેવી જ રીતે શારદાવ્રત ભાદરવે પડવે કરવું. તેવી જ રીતે કલ્યાણી કમલાવ્રત આસો સુદ પડવે કરવું. તેવી જ રીતે આસો સુદ-બારસે વિસોક લલિતા દ્વાદશીવ્રત કરવું. આ સર્વે વ્રતો કરવાથી શાંતિ અને સર્વ સંપત્તિ મળે છે તેમજ શોક નાશ પામે છે.
વ્રત કરનારે એકટાણું જમવું પછી વ્રત પૂરું થાય ત્યારે મંડળ પૂરાવી સાધુ-સાધ્વી, બ્રાહ્મણ સતી, અનાથ, ગરીબ, અતિથિ બાળકોને ભોજન કરાવી શક્તિ પ્રમાણે દાન આપવા. વ્રત કરનાર સકામ હોય તો આ લોકમાં સંપત્તિ મળે અને નિષ્કામ હોય તો પરમધામમાં જાય.
પૂર્વે ભીલ જંગલમાં રહેતો હતો. તે એક દિવસ કમળના ફૂલ વેચવા ગયો પણ ફૂલ ન વેચાયા તેથી મંદિરમાં અર્પણ કર્યા. તે દિવસ માઘ સુદ-બારસનો હતો. ખાવા ન મળ્યું. ઉપવાસ થયો. જાગરણ થયું. તે પુણ્યે બીજા જન્મમાં પુષ્કરવાહન રાજા થયો. તે અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન કરી મોક્ષમાં ગયો.