ભગવાનનું નામ-સંકિર્તન કઇ રીતે કરવું ?
લક્ષ્મીજીએ પૂછ્યું :
હે નારાયણ, તમારું નામ-કિર્તન કઇ રીતે કરવું ? પુરુષોત્તમનારાયણે કહ્યું : વાજિંત્ર સાથે અથવા સંગીતના તાલ વગાડીને અથવા નૃત્ય કરતા અથવા પગે ઘૂઘરા બાંધીને અનેક પ્રકારે ભગવાનના ધૂન-કિર્તન થઇ શકે છે. તેમાં મુખ્ય કારણ સ્નેહ, હેત, પ્રેમ સાથે ભગવાનની પ્રસન્નતા માટે ધૂન-કિર્તન કરવા અથવા સંત ભક્ત મંડળને રાજી કરવા ગાવા, પરંતુ જગતરંજન માટે એકલા અથવા કેવળ જીવિકા માટે ન ગાવા.
પૂર્વે ધામમાં નારદે મારી પાસે સભામાં ગાવણું કર્યું. ત્યારે મેં કહ્યું : તમે નારાયણી લક્ષ્મીજી પાસે સંગીત શીખો ત્યારે નારદ લક્ષ્મીજી પાસે સંગીત શીખી ભગવાનની પાસે ગાવણું કરતા હતા. પ્રભુએ પ્રસન્ન થઇને વસ્ત્ર અલંકારો, સુદર્શન ચક્ર, ઐશ્વર્ય આપ્યું તથા કહ્યું, આજથી તમે મારા અંશ અવતાર છો. ત્યારથી નારદજીની અવતારમાં ગણતરી થાય છે. તે લક્ષ્મીજી પાસે સરસ્વતીએ પ્રસંશા કરી કે, આવું નારદ જેવું સરસ ગાનારું કોઇ નથી. તે નારદજીના સંગીત ગુરુ-લક્ષ્મીજી થયા અને ભગવાને ધામમાં નારદને લક્ષ્મીના સંગીત શાળાના દિવ્ય દર્શન કરાવ્યાં.