લોકકલ્યાણ કેમ થાય ? - પતિવ્રતા સ્ત્રીઓના ધર્મ અને મહાત્મય
આ અધ્યાય 39–44 સંયુક્ત છે
એક સમયે સર્વે ઋષિઓ લોકના કલ્યાણ માટે તપ કરતા નરનારાયણ ભગવાનના દર્શન કરવા ગયા. ત્યાં નરનારાયણના દર્શન કરી, પૂજન કરી, આસને બેસી લોકોનું કલ્યાણ કેમ થાય તે પૂછ્યું. નરનારાયણ ભગવાન બોલ્યા. જ્યારે જીવાત્મા રાગદ્વેષનો ત્યાગ કરી સાત્ત્વિકપણે ઇશ્વર, આરાધના, દેવપૂજન, દાન, પુણ્ય, ધર્મ, કર્મ વગેરે સત્કર્મ કરે છે ત્યારે તેની ઉપર ભગવાનની પ્રસન્નતા થાય છે. તેથી તે જીવાત્માના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે ત્યારે પોતાનો આત્મા નિર્મળ બને છે. પછી અનાદિશ્રીકૃષ્ણનારાયણ પરબ્રહ્મ પરમાત્માનું ધ્યાન કરે છે ત્યારે તેને પ્રત્યક્ષ દર્શન થાય છે.
ગૃહસ્થાશ્રમમાં રહેલા સર્વે સ્ત્રીઓ તેમણે મર્યાદા ધર્મનું પાલન કરી પતિમાં પરમેશ્વર રહ્યા છે. કુટુંબમાં પ્રભુ રહ્યા છે. એમ માની આત્મપતિ, સર્વપતિ, મુક્તપતિ એવા અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજનભક્તિ કરવા. જેને પ્રગટ પ્રભુ મળ્યા હોય તેને તો પોતાનું જીવન ભક્તિમય બનાવવું. વાણીથી કોઇનું અપમાન ન કરવું. કઠોર વાણી ન બોલવી તથા પુણ્ય પ્રાપ્તિ માટે પવિત્ર દિવસે સાધુ-બ્રાહ્મણો જમાડવા. દાન આપવા. અતિથી, ગરીબોને જમાડવા, બાળકોને જમાડવા. અન્ન, વસ્ત્ર વગેરે દાન આપવા. એકાદશી વગેરે વ્રતો આદરપૂર્વક કરવા. પ્રગટ ભગવાનના ઉત્સવના દિવસે ભજન-ભક્તિ વિશેષ કરવા. ધર્મ સદાચારનું પાલન કરવું. નાહી ધોઇ પવિત્રપણે રહેવું. ગ્રહણ સમયે જમવું નહીં. દક્ષિણ તથા પશ્ચિમ દિશા સન્મુખ ન સૂવું.
નવા નવા અન્ન પ્રભુને અર્પણ કરી રાજી કરવા. નવા શાક-ચીભડાં, કાકડી વગેરે તથા ફળો ભગવાનને અર્પણ કરવા. યથાશક્તિ મેવા-મીઠાઇ પણ ભગવાનને ધરવા. દૂધ, દહીં, ઘી, માખણ, મિષ્ટાન્નો, ફરસાણ વગેરે ભગવાનને અન્નકોટ ધરીને ગ્રહણ કરનારો નિર્ગુણ થાય છે. સદાચારનું પાલન કરવું. રજસ્વલાપણું ગુપ્ત ન રાખવું. સંધ્યા સમયે મંદવાડ વિના સૂવું નહીં તથા સંધ્યા સમયે ફરવા જવું નહીં. હલકી સ્ત્રીઓનો પ્રસંગ તજવો. હિંસક પશુ, નદીઓ, રાજાના માણસો, શિંગવાળા પશુનો વિશ્વાસ ન કરવો. પતિવ્રતા સ્ત્રીને અપમાન, વિરહ, કરજ, દુષ્ટ સેવન, દારિદ્રય અને કજિયો આ છ વાના વિના અગ્નિએ બાળનારા છે. તેથી તેનાથી દૂર રહેવું.
જે ઘરમાં પતિવ્રતા સ્ત્રી હોય તે ઘર પણ તિર્થમય થાય છે. તેનું કુટુંબ પણ બ્રહ્મમય થાય છે. તે સતી પતિવ્રતા સ્ત્રી તેણે પોતાનો પતિ પરદેશ હોય ત્યારે આભૂષણો ન ધરવા. રસકસ ન ખાવા. પૃથ્વી પર સૂવું વગેરે તપ કરવું.
સતી પતિવ્રતા સ્ત્રીનું તેજ સૂર્ય-ચંદ્ર અગ્નિ પણ સહન કરી શકતા નથી. બ્રહ્મવ્રતવાળી પુરુષોત્તમને ભજનારી આવી સ્ત્રી અનેક જન્મના પાપોને બાળી નાખે છે અને મને પામે છે. તે પતિવ્રતા સ્ત્રીથી રોગ પણ દૂર ભાગે છે. એવી પતિવ્રતા સ્ત્રીના દર્શન દેવતાઓ પણ ઈચ્છે છે.