ભાગ · અધ્યાય ૧૧૨–૧૧૮

બ્રહ્મસતી બ્રાહ્મણી - વૈવર્ત રાજા - શેમપાદ પશુપાલ અને ભંડાસુરની કથા

આ અધ્યાય 112–118 સંયુક્ત છે

સોમનાથ તિર્થમાં બ્રહ્મસતી નામે બ્રાહ્મણી હતી. તે ત્યાગ વૈરાગ્ય તપ ભક્તિવાળી યોગિની હતી. તેને એક દિવસ સ્થંડીલ ઘોષ નામે દૈત્યે ઉપાડીને સમુદ્રના બેટમાં લઇ જઇ ભોગવી. પછી દૈત્યે પૂછ્યું, તું કેમ બોલતી નથી કે નથી શોક કરતી ? તે યોગિની કહે, તેં તારા દેહના સુખ માટે મારા દેહને ભોગવ્યો પણ દેહ દુ:ખરૂપ છે, આત્મા કોઇથી ભોગવી શકાતો નથી. હું પરાધીન હતી એટલે શોક થયો. પણ જ્ઞાનનો વિચાર કર્યો તો શોક મટી ગયો. આ સાંભળી દૈત્યે પોતાના કર્મ માટે માફી માંગી અને પ્રાયશ્ચિત કરી તપ કરી અંતે કૈલાસમાં ગયો. યોગિનીએ વિચાર કર્યો કે, હવે મારે કેમ રહેવું ? તેણે કિરીટી યોગીને પૂછ્યું. યોગીએ કહ્યું, લગ્ન કરી લે. તે યોગિનીએ યોગિ સાથે લગ્ન કરી શિવ-પાર્વતીની સેવા કરી અંતે કૈલાસમાં ગયા.

અનેક પ્રકારના તપનું ફળ તે ભક્તિ. ભક્તિનું ફળ તે મોક્ષ. વૈવર્ત રાજાની નાસ્તિકતાને લઇને અસદ્ગતિ થઇ. પોતાની પત્નીમાં પોતે જ પુત્ર થયો. પછી આસ્તિક ભાવે ભક્તિકર્મ કરી મોક્ષમાં ગયો.

ઓઝત કાંઠે શેમપાદ પશુપાલ રહેતો હતો. તે હિંસા કરતો, ચોરી કરતો. તેનો દીકરો વૃષંગમ તે પણ પિતા સાથે હિંસા કરતો. એક દિવસ મૃગ માર્યા પછી તેને વિચાર આવ્યો. પેટને માટે આટલું બધું પાપ કરવું પડે છે, હવે કોઇ દિવસ ન કરવું. તે વૃષંગમ સોમનાથ ગયો. ત્યાં તિર્થમાં ન્હાયો અને શંકરની પ્રાર્થના કરી, પાપ બદલ માફી માંગી. ત્યાં તેની પાસે સાધુ આવ્યા. તેને “ૐ અનાદિશ્રીકૃષ્ણનારાયણ” મંત્ર આપી કહ્યું, આ મંત્રનો જપ કરજે. તે કાયમ ભજન કરીને ધામમાં ગયો.

કામદેવની ભસ્મમાંથી ભંડાસુર થયો. તેનો નાશ કરવા દેવોએ વિષ્ણુને પ્રાર્થના કરી. વિષ્ણુએ કહ્યું, તમે ઈન્દ્રપ્રસ્થમાં યજ્ઞ કરો. તે યજ્ઞમાં લક્ષ્મીજી પ્રગટ થશે. તે અસુરને મારશે. દેવોએ ઈન્દ્રપ્રસ્થમાં યજ્ઞ કર્યો. તેમાં લલિતાલક્ષ્મી પ્રગટ થયાં. તેમાં અસુર મોહ પામ્યો અને વરવા ગયો. લલિતાએ કહ્યું, તું મને જીતી લે એટલે તને વરુ. અસુરે લડાઇ કરી. વિષ્ણુએ આપેલા આયુધોથી લક્ષ્મીએ અસુરનો નાશ કરવા લડાઇ કરી. તે સમયે લલિતા મહાવિષ્ણુના પક્ષમાં કેટલીય દેવીઓ શંકરની દાસીઓ ગણિકાઓ વગેરેએ આવી પરસ્પર ભયંકર લડાઇ કરી. દેવીઓએ ભંડાસુરના સૈન્યનો નાશ કર્યો.