ભાગ · અધ્યાય ૧૬૪

ચૌદ મન્વંતરોમાં પ્રભુના અવતારોનું વર્ણન

લક્ષ્મીજીએ પૂછ્યું : હે નારાયણ, ચૌદ મન્વંતરોમાં તમારા કયા અવતારો થયા ? પુરુષોત્તમ નારાયણે કહ્યું : પૂર્વે બાસ્કલી દૈત્યને મારવા વિષ્ણુ અવતાર ધારણ કરી તે દૈત્ય મારી ઋષિ-મુનિ દેવોને સુખી કર્યા. પછી પુરૂકૃસર દૈત્યને મારવા ગજનારાયણ અવતાર ધારણ કરી દૈત્યને મારી બધાને સુખી કર્યા. પ્રલંબ દાનવને મારવા મેં મત્સ્ય અવતાર ધારણ કરી દાનવને માર્યો. ભીમરથ દૈત્યને મારવા કચ્છપ અવતાર ધારણ કરી તે અસુરને માર્યો. શાંત શત્રુ અસુરને મારવા હંસ અવતાર ધારણ કરી અસુરને માર્યો. મહાકાલ દૈત્યને મારવા મેં હયગ્રીવ અવતાર ધારણ કર્યો. હીરણ્યાક્ષ દૈત્યને મેં મારવા વરાહ અવતાર ધારણ કર્યો. બલિ પાસેથી ત્રિલોકીનું રાજ્ય લઇ ઈન્દ્રને આપ્યું ત્યારે મેં વામન અવતાર ધારણ કર્યો. કાલકાક્ષક દૈત્યને મારવા મેં પદ્મનાભ અવતાર ધારણ કર્યો. બલિ શત્રુ મહાસુરને મારવા મેં હરિરૂપ અવતાર ધારણ કર્યો. દશગ્રીવ દૈત્યને મારવા મેં સ્ત્રી શ્રીરૂપ અવતારધારણ કર્યો. તારકાસુર દૈત્યને મારવા મેં નપુંસક હરિઅવતાર ધારણ કર્યો. ત્યારપછી જગતના નપુંસકો થયા. હવે ટીટીભદૈત્ય થશે તેને મારવા હું મયૂર અવતાર ધારણ કરીશ. ચૌદમાં મનુમાં શુચિ મહાસુર ઈન્દ્ર થઇને બધાને હેરાન કરશે ત્યારે હું સુદર્શનધારી અવતાર ધારણ કરીને તે શુચી અસુરનો ચક્રથી નાશ કરીશ. આવા મારા અનંત અવતારો થયા અને થશે, કાર્ય કરવા અવતારોની કોઇ સંખ્યા જ નથી.