આ લોક-પરલોકમાં સુખી થવા શું કરવું ?
લક્ષ્મીજીએ પૂછ્યું : મનુષ્યે જીવતા શું કરવું, જેથી આ લોક-પરલોકમાં સુખી થવાય ? પુરુષોત્તમ નારાયણે કહ્યું : મારી પૂજા, પિતૃપૂજા, દેવપૂજા, દાન જે પોતાના હાથે કર્યું હોય તે આ લોક-પરલોકમાં સુખદાયક થાય છે. મંદિરમાં, સાધુઆશ્રમમાં, વિદ્યાલયમાં, યજ્ઞભૂમિમાં, નદી, પર્વત, તિર્થોમાં જડ-ચેતન તિર્થોમાં, સ્વગૃહમાં, બાળ- યુવાન-વૃદ્ધપણામાં મરણ સમયે ભણેલ, અભણ, ચાર વર્ણના આશ્રમીઓએ ત્યાગીઓએ પરબ્રહ્મ શ્રીહરિને નિત્ય નૈવેદ્ય ધરવું તે શ્રાદ્ધ કહેવાય છે. પ્રભુને શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવથી જમાડવા તે શ્રાદ્ધ કહેવાય છે. યથાશક્તિ છપ્પન ભોગ ધરાવવા. પ્રભુને અન્નકૂટ કરાવવા. નિત્ય રાજભોગ કરવા- કરાવવા. તેનું ફળ અક્ષરધામ, ગોલોક, વૈકુંઠ, શ્રીપુર, શ્વેતદ્વિપ, અમૃતધામ, અવ્યાકૃતધામ, પરમધામ વગેરે ભગવાનના ધામમાં અક્ષયસુખ પામે છે. ભગવાનના મંદિરમાં ઉપયોગી વાસણો, વસ્ત્ર, આભૂષણો, અલંકારો સમયઋતુના ફળફૂલ, મેવા, મિઠાઇ, મુખવાસ, તેલ, અત્તર, સુગંધી પાન, ચંદન વગેરે અનાદિ શ્રીકૃષ્ણનારાયણને સ્વહસ્તે અર્પણ કરી પ્રગટ પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરવી.