ભાગ · અધ્યાય ૨૦૫–૨૦૭

વેપારી વાત્સલ્યધીર, શૂદ્ર તિલકરંગ અને શુરવીર નાથભક્તની કથા

આ અધ્યાય 205–207 સંયુક્ત છે

નાગશાલાનો વૈશ્ય વેપારી વાત્સલ્યધીર સાધુ બ્રાહ્મણને માનતો, પૂજતો, દાન, પુણ્ય કરતો. ગાયને ઘાસ વગેરે ઘણી સેવા કરતો. મંદિર, ધર્મશાળા, વૃક્ષો, તળાવ પરબ વગેરે ધર્મના સત્કાર્યો કરતો. તે સમજતો કે, પૂર્વે આપ્યું છે તો આ જન્મે મળ્યું છે. અત્યારે આપશું તો ફરી મળશે. સાથે અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન કરતો તેની ભક્તિથી પ્રસન્ન થઇ ભગવાન ત્યાં સાધુરૂપે આવ્યા. વણિક ભક્તે તેમને સ્નાન કરાવ્યું. ભોજન કરાવ્યું, પૂજન કર્યું. પછી સાધુરૂપે રહેલા શ્રીહરિએ ઉપદેશ આપ્યો કે, ભગવાનના ભક્તોએ આ સંસારમાં વિવેકથી રહેવું. જેમ પૂર્વજન્મમાં કુટુંબને અજ્ઞાનથી જાણતા નથી તેથી તેમાં પ્રીતિ થતી નથી. તેવી જ રીતે જ્ઞાનથી આ આત્માનો કોઇ સગો નથી. સાચા સગા આત્માના શ્રીહરિ તથા શ્રીહરિને ઓળખાવનારા સાધુ સત્પુરુષો છે. આત્માને મા-બાપ નથી, ભાઇ- બહેન નથી. પતિ-પત્ની નથી. સર્વે દેહના સંબંધી છે. તે દેહની સાથે વ્યવહાર રાખી આત્માને જુદો માની અખંડ અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન, ચિંતવન, મનન ધ્યાન કરવું તો આ લોકમાં ભગવાનના ભક્તો સદાય સુખી રહે. આ રીતે પ્રભુએ વણિક અને તેની પત્ની મંજુલિકાને ઉપદેશ આપી દિવ્ય દર્શન આપ્યા.

વનમાં રહેતો શૂદ્ર તિલકરંગ તેના પત્ની બંને શંકરની ભક્તિ કરે. શંકરને અભિષેક કરી બિલીપત્રો ચડાવે, પૂજન કરે તેને ત્યાં શંકર સાધુરૂપે આવ્યા. તેમની ભક્તે પૂજા કરી જમાડીને પૂછ્યું, ક્યાં જવું છે ? શંકરે કહ્યું, જ્યાં મારા ભક્તો મને સંભારે ત્યાં જાવું છે. હું તિર્થમાં, સત્સંગમાં, સાધુમાં, યજ્ઞમાં, જ્ઞાનમાં, મંદિરમાં, નદીમાં ફરું છું, રહું છું. એમ કહીને દંપતીને “ૐ અનાદિશ્રીકૃષ્ણનારાયણ: સ્વામિ પતિશ્ચમે” મંત્ર આપ્યો. પછી નારાયણની ઉપાસના ભક્તિ કરાવીને પરમ મુક્તિ અપાવી.

લોમશ ક્ષેત્રમાં કુંકુમવાપીમાં નાજોભક્ત શુરવીર સીમનું રક્ષણ કરે. સીમમાં રહે, વાડી, ખેતર, મોલખાણું સાચવે. રાત્રી-દિવસ રામ રામ, કૃષ્ણ કૃષ્ણ ભજન કરે. મોસમ સમયે ખળામાં અનાજના ઢગલા પડ્યા હતા. તે શેત્રુંજય પર્વતમાં લુંટારા અમરાપુર બાજુથી આવ્યા. ર0 લુંટારા અનાજ ભરવા માંડ્યા. નાજોભક્ત કહે, તમે સાચા માતા-પિતાના હો તો મને જીતીને અનાજ લઇ જાઓ. એમ કહી એકલો ભક્ત ર0 લુંટારાની સાથે લડવા લાગ્યો. બધાને મારી નાખ્યા. એકવીસમો છેલ્લો મારતા રામ રામ બોલવા લાગ્યો. તેની પાસે ભક્તે જઇને ભગવાનને પ્રાર્થના કરી. હે ભગવાન આ તમારો છે. તેનું તમે રક્ષણ કરજો. તે સમયે હું ત્યાં ગયો અને હાથનો સ્પર્શ કરી તે ચોર ભક્તને જીવતો કર્યો. બીજા બધાને ભક્તની પ્રાર્થનાથી પ્રભુએ વિમાનમાં બેસાડી સ્વર્ગમાં મોકલ્યા. પછી ભગવાને ભક્તને કહ્યું, મનુષ્ય નીતિથી ન રહેતો તેને યમપુરીના દુ:ખો તથા 84 લાખ જાતના જન્મના દુ:ખો ભોગવવા પડે છે. અનાજની ચોરી કરે તે ઊદર થાય. ઘી-દૂધની ચોરી કરે તે બિલાડો થાય. શાકભાજીની ચોરી કરે તે મોરલો થાય. વસ્ત્રોની ચોરીથી પાડો થાય. ફળફૂલની ચોરીથી વાંદરો થાય. સોનું-ઝવેરાતની ચોરીથી રીંછ થાય. પાણીની ચોરીથી જંતુ થાય. સ્ત્રી-પુત્રનું અપહરણ કરે તે નપુંસક થાય. વાજિંત્રની ચોરીથી ભાંડનટ થાય. વિશ્વાસઘાત કરનારા નારડા, કરચલા થાય. અપહરણ કરનારા ઘોડા થાય, કરજ કરનારો બળદ થાય. નિંદા કરનારા મૂંગા થાય, અતિ કામી પુરુષો તથા કામી સ્ત્રીઓ પિશાચ થાય. છેતરનારા ભિક્ષુક થાય. દેવધન ખાનારા કાગડા થાય કુલને નાશ કરનારો નોળિયો, સ્ત્રી હત્યારો રાક્ષસ. ભક્તિમાં વિઘ્ન કરનારો નારકી થાય નિર્વંશ થાય, દારૂ પીનારો મુત્રકીટક થાય, ઝેર ખાનારો વીંછી થાય. ક્રોધી સર્પ થાય. આ રીતે અનેક જન્મોમાં દુ:ખી થાય છે. ભગવાને તેના ભક્તને તથા ચોરભક્તને મંત્ર આપી ભક્તિ કરાવી અંતે મોક્ષગતીમાં મોકલ્યા.