ચક્રધર શૂદ્ર, વાટધર ભક્ત, શિવવિજય શિલ્પી અને ભરવાડ ભક્તની કથા
આ અધ્યાય 219–222 સંયુક્ત છે
પુરુષોત્તમ નારાયણ કહે છે : પીંજલ ગામનો ચક્રધર શૂદ્ર હિંસક હતો. તે વનમાં શિકારે ગયો. પૌતિમાસી ઋષિ તથા તેની પત્ની તે બંને મૃગલાના રૂપે તપ કરતાં હતાં. ચક્રધરે બાણનું નિશાન લીધું. ત્યાં ઋષિ બોલ્યા, શા માટે હિંસા કરે છે. ભગવાને મનુષ્યને જન્મ આપ્યો, તો મોક્ષની ઈચ્છા કેમ નથી કરતો ? શૂદ્ર કહે, મને તો વિષય-વાસના, ખાવાની તૃષ્ણા છે તે કેમ મટે ? ઋષિ કહે, તને મંત્ર આપું તેનું ભજન કરજે. એમ કહીને “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણાય સ્વામિને સ્વાહા” મંત્ર આપી ભજન કરાવ્યું. ઉપદેશ આપ્યો. ચોરી કરતો નહીં, હિંસા કરતો નહીં, તુલસીપત્ર, ફળફૂલ જે મળે તે પરમેશ્વરને અર્પણ કરી પ્રસાદ લેજે, ભજન કરજે. આ રીતે ઋષિના સમાગમથી હિંસા, પાપ ત્યજી ભક્તિ કરી ચક્રધર વૈકુંઠમાં ગયો.
સંભલ ગામમાં વાટધર નામે આત્મનિવેદી ભક્ત હતો. તે રાજાનો સેવક હતો. પણ તેને ચાડી કરવાનો સ્વભાવ હતો. રાજાની વાત રાણીને, રાણીની વાત રાજાને કરતો. એક વખત સંક્રાંતિને દિવસે રાણીએ વાટધર પાસે સાધુ-બ્રાહ્મણોને અતિથિઓ, ગરીબોને જમાડીને વધારે દાન દીધું. તે વાટધરે રાજાને કહ્યું, રાણીએ બહુ આપી દીધું. રાજા ક્રોધ કરીને રાણીને કહે, મને પૂછ્યા વિના કેમ દાન દીધું. એમ કહીને રાણી, વાટધર વગેરેને જેલમાં પૂર્યા. અઠવાડિયું થયું. રાણી અને વાટધરે પ્રભુની પ્રાર્થના કરી. હે પ્રભુ અમે તમારા ભક્ત છીએ. વગર વાંકે જેલ દુ:ખ શા માટે ? ભગવાને પ્રાર્થના સાંભળી જેલમાં દર્શન દીધા અને દૂધ પાયું પછી બીજે સ્વરૂપે બ્રાહ્મણ થઇ રાજા પાસે ગયો. કુશળ પૂછ્યા. રાજાએ વૃતાંત કહ્યો. મેં કહ્યું સ્ત્રી છે, પરતંત્ર પણ દાનમાં સ્વતંત્ર છે. ભક્તિ કરી અનેક દાનો આપી સ્ત્રી પોતાના પતિનો ઉદ્ધાર કરે છે. આ શાસ્ત્રનો સિદ્ધાંત છે. માટે રાણીને સર્વને જેલમુક્ત કરો. પછી બધાને દિવ્ય દર્શન આપી અદૃશ્ય થયો. આ રીતે મેં બધાનું રક્ષણ કરી ઉદ્ધાર કર્યો.
તક્ષશિલામાં શિવવિજય શિલ્પી હતો. તે ભક્ત મહેલ, મંદિર, હવેલી વગેરે બનાવતો હતો. તેને ઘરે વૃષપર્વ ઋષિ આવ્યા. શિવવિજયે તેમને આસન આપ્યું. પૂજન કર્યુ. જમાડ્યા, સેવા કરી. ઋષિએ કહ્યું : મનુષ્ય જન્મમાં સર્વ પતિ આત્મપતિ, મુક્તપતિ એવા પરમેશ્વરનું નામ ભજન ન કર્યું. તેણે આ લોકમાં કાંઇ નથી કર્યું. માટે સંત-ભક્તોની સેવા કથા-ગુણગાન પ્રસાદ જમી, ભગવાનની ભક્તિ કરવી. સંતનો દ્વેષ કરનારા, ઇર્ષ્યાવાળા માની કપટી નિંદકો નરકમાં જાય છે. દુર્ગુણોનો ત્યાગ કરી સદ્ગુણ ગ્રહણ કરી સ્વધર્મનું પાલન કરી ભગવાનના ભક્તો ભગવાનના ધામમાં જાય છે. માટે સંતરૂપે રહેલા અનાદિશ્રીકૃષ્ણનારાયણના મંત્રનું શરણું લઇ ભજન કર તો તારું કલ્યાણ થશે. તે શિલ્પી ભક્ત ઋષિ પાસે અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મંત્ર લઇ ભક્તિ કરી મોક્ષમાં ગયો.
ચંદ્રપ્રભા નદી કાંઠે ઉધમ ભરવાડ ભક્ત હતો. તે ઘેટાં, બકરાં ચારતો, સાધુ સાધ્વીને દૂધ પાતો, સેવા-સત્કાર કરતો. ભેખમાં ભગવાન છે એમ માની સેવાભક્તિ કરતો. એક દિવસ તેને ઘરે વીસ સાધુ સાધ્વી-યોગિનીઓ કૃષ્ણની ભક્તાણીઓ આવી નાહી પૂજા કરી. હરિકૃષ્ણનું ભજન કર્યું. નૈવેદ્ય ધરી પ્રભુને જમાડી, પ્રસાદ જમ્યા. સાંજે ધૂન-કિર્તન, કથા- વાર્તા કર્યા, ઉપદેશ કર્યો. ગોપીઓ જેમ કૃષ્ણને ભજી તરી ગઇ તેમ તમે પણ પ્રગટ ભગવાનની ભક્તિ કરી તમારું કલ્યાણ કરી લ્યો. યોગિની સતીશ્વરીએ લક્ષ્મીનારાયણ સંહિતાની વાતો કરી કે, ભગવાનના ભક્ત હોય તેણે ભગવાન સંબંધી કામકાજ કરવા, પ્રભુના પંચવિષયના રાગી થવું પણ માયિક પંચવિષયમાં સંસારમાં ક્યારેય પ્રીતિ કરવી નહીં. તે ભરવાડ કુટુંબે સાધુ-સાધ્વીની સેવાભક્તિ કરી મોક્ષ મેળવ્યો.