ભિક્ષાયનઋષિ, વિધવા નિત્યાશ્રયી, વાઘજી ભગત અને વિરાલ વૈશ્યની કથા
આ અધ્યાય 178–181 સંયુક્ત છે
ભિક્ષાયનઋષિ તેની પત્ની અયાચિત અંજલિ તે દંપતી અશ્વપટ સરોવર કાંઠે વાસ કરતા, નિત્ય મારું અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન, પૂજન, વંદન, ભક્તિ સેવા, ધૂપ-દીપ આરતી વગેરે અનેક પ્રકારની સેવાભક્તિ કરતા. ઋષિ પત્નીએ પૂછયું : ગૃહસ્થોનો મોક્ષ કઇ રીતે થાય ? ઋષિએ કહ્યું : મનુષ્ય અન્ન-પાન, ભોજન, વસ્ત્ર, આભૂષણ, પશુ, વાહન વગેરે સર્વે મંદિરમાં અર્પણ કરવું. જે જે વસ્તુ પદાર્થ પોતે ઉપયોગમાં લ્યે તે સર્વે પરમાત્માને અર્પણ કરીને વાપરવાથી તે સર્વે નિર્ગુણ થાય છે. બંધનથી રહિત થાય છે અને મોક્ષ અપાવનારી છે.
પૂર્વે ભાવુકપુરના વૈશ્ય વિધવા નિત્યાશ્રયી તથા તેનો પુત્ર સુકેશી તે ભક્તિ કરતા, કથા સાંભળવા જતા. કથાશ્રવણથી સર્વે સદ્ગુણો આવે છે. કથા દ્વારા મા-દીકરો શ્રીહરિમાં અતિપ્રિતીવાળા થયા. અનાદિશ્રીકૃષ્ણનારાયણની તામ્રપત્રમાં મૂર્તિ કરાવી. પ્રભુને પતિ માની પૂજનસેવા, ભજન કરતા માળા ફેરવતા. તુલસીપત્ર, ફળફુલ તથા નૈવેદ્ય ધરી અને પ્રસાદી જમતા તેને પ્રત્યક્ષ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણે દર્શન આપી મોક્ષ કર્યો.
માયાપુરમાં વાઘજી ભગત નાનપણથી સાધુ યતિ વૈષ્ણવોમાં પ્રીતિવાળો. દર્શન સેવા કરે, વસ્ત્ર ધોવે, વાસણ માંજે, પગ દાબે વગેરે સેવા કરી આશીર્વાદ મેળવે. એક વાર બાળસ્વભાવથી પ્રભુના ઘરેણાંની લોભથી ચોરી કરી. તે સોનાની ચોરીના પાપે આંગળીમાં કોઢ થયો. તેથી વિચાર કરવા લાગ્યો, મેં સાધુની સેવા કરી છતાં મને આવો રોગ કેમ થયો ? ત્યાં લક્ષ્મીનારાયણ સંહિતાની કથામાં આવ્યું, સોનાની ચોરી કરે તેને કોઢ થાય. તેનું પ્રાયશ્ચિત તે બ્રહ્મચર્ય વ્રત, બ્રહ્મકૃચ્છ વ્રત કરવાથી પાપથી રહિત થાય. પહેલે દિવસે ખેરના પાંદડા પાણીમાં ઉકાળીને પીવું, બીજે દિવસે ખાખરાના, ત્રીજે દિવસે બીલીપત્રના, ચોથે દિવસે કમળપત્રના, પાંચમે દિવસે ઉમરાના, છઠ્ઠે દિવસે દાભડો, સાતમે દિવસે ઉપવાસ કરવો. તે વ્રત કરી અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન કરવું. વાઘજીએ આ રીતે વ્રત કરી પ્રભુની સ્તુતિ પ્રાર્થના કરી. ત્યારે મેં દર્શન દીધા અને કહ્યું, સોનાનું ઘરેણું લાવ. તેણે મને પહેરાવ્યું તરત તે સાધુની પાસે પ્રભુની મૂર્તિ હતી તેના કંઠમાં ઘરેણું પહોંચી ગયું. આ રીતે તે બાળક વાઘજી કોઢના રોગથી રહિત થયો.
માજુષ્ટ ગામનો વિરાલ વૈશ્ય અન્ન, વસ્ત્રનો વેપાર કરે. સુખી હતો પણ ક્ષયનો રોગી થયો. રોગ મટ્યો નહિ માટે અશ્વપટ સરોવર કાંઠે અક્ષયઘાટ છે ત્યાં આવ્યો, સ્નાન કર્યું, બ્રાહ્મણોને જમાડી દાન આપ્યા. અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન કર્યુ. તેથી તેની પાસે હું વિપ્રરૂપે ગયો, તેણે પૂછ્યું હું દાન પુણ્ય કરું છું, આ જન્મમાં મેં પાપ કર્યા નથી તો મને રોગ કેમ થયો ? મેં કહ્યું, પૂર્વ જન્મમાં તું સાબરમતી નદી કાંઠે મંદિરમાં પૂજારી ગંગેશ્વર હતો. ત્યાં કણબી વિધવા સ્ત્રી પોતાની વાડી, ખેતર, ઢોરાં મંદિરમાં અર્પણ કરી મંદિરમાં રહેતી, સેવા કરતી હતી. તું પૂજારી જમવા, જમાડવામાં પક્ષપાત કરતો. એક વખત બહુ વૃષ્ટિ થઇ, નદીમાં પાણી વધ્યું, મંદિરમાં પાણી આવ્યું બધાં મંદિર ઉપર ચડી ગયા. પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા તે સમયે હું રક્ષા કરવા આવ્યો. ત્યાં તે કણબી સ્ત્રીને વિકાર ભાવે બથ ભરી એટલે હું રક્ષણ કર્યા વિના ચાલ્યો ગયો. તે તું વિરાલ વૈશ્ય થયો. કણબી વિધવા તારી પત્ની થઇ. ઢોર હતાં તે તારા છોકરા થયા. હવે તું મારું ભજન કરે છે, મારો મંત્ર લીધો છે, તે મારો આશરો શરણાગતિ લીધી છે. તેથી તારો-તારી પત્ની અને પરિવારનો મોક્ષ થશે.