હીરા-મોતી - માણેક-રત્નો શેમાંથી થયા ?
આ અધ્યાય 161–163 સંયુક્ત છે
બ્રહ્મપત્નીઓએ પૂછ્યું : હે પ્રભુ, હીરામોતી માણેક રત્નો શેમાંથી થયા. પુરુષોત્તમ નારાયણે કહ્યું : પૂર્વે લલિતા લક્ષ્મીના શ્રીપુર ધામમાં લક્ષ્મીના દર્શને સખીઓ આવતી. એકવાર ઉત્સવના એક દિવસે હજારો સખીઓ લક્ષ્મીના દર્શને પૂજાની સામગ્રી લઇને આવતી હતી. દરવાજે પ્રભુના પાર્ષદો બલ-પ્રબલ ઊભા હતા. દર્શનમાં ભીડ થઇ. જેથી એકબીજાના ધક્કા લાગવા માંડ્યા. પ્રબલ પાર્ષદ તે હાથ જોડીને કહે, ધીમે ચાલો, શાંતિથી જાવ. અને બલ પાર્ષદ મોટો તે સખીઓના ધક્કા લાગવાથી ક્રોધી થઇ સામા ધક્કા મારી કહેવા લાગ્યો. સરખા ચાલો પણ ધક્કા એવા લાગ્યા બંને પાર્ષદો પડી ગયા. બલ સામા ધક્કા મારવા માંડ્યો. જયા સખીએ શાપ આપ્યો કે, જા પૃથ્વી પર દૈત્ય થા, ક્રોધનું ફળ ભોગવ. બલ પાર્ષદે પણ શાપ આપ્યો. તું પણ પૃથ્વી પર જા. લક્ષ્મીજી આવ્યાં. બંનેને શાંત કર્યા અને કહ્યું, અનાદિશ્રીકૃષ્ણનારાયણ પૃથ્વી પર પ્રગટ થવાના છે. હું પણ ત્યાં જન્મ ધારણ કરીશ. તું અને આ પાર્ષદ તે પૃથ્વી પર જન્મ લેશે. તે બલ કશ્યપનો પુત્ર થઇ સો વર્ષ મેરુ પર્વત પર તપ કરી વિષ્ણુને પ્રસન્ન કર્યા. વિષ્ણુએ સુદર્શન ચક્ર આપ્યું. તે ચક્રના પ્રતાપે સ્વર્ગ, મૃત્યુ, પાતાલ ત્રિલોકીનો રાજા થયો. સર્વે દેવતાઓને વશ કર્યા. પછી દેવો સર્વે વિષ્ણુ પાસે ગયા અને પ્રાર્થના કરી.
વિષ્ણુએ કહ્યું, તમે યજ્ઞ કરો તેમાં બલ દૈત્યને હોમ કરવા માટે સમીધરૂપે માગી લેજો. ત્યારે દેવો બલ પાસે ગયા કહ્યું આપણે દેવો દૈત્યો સાથે મળી યજ્ઞ કરીએ પણ તેમાં તમે એક વચનથી બંધાવ તો અમે માગીએ. બલપાર્ષદે કહ્યું જે માગો તે આપું. દેવોએ કહ્યું યજ્ઞમાં તમારો દેહ હોમવા માટે આપો. બલપાર્ષદે કહ્યું, બહુ સારું. હું ભગવાનનો ભક્ત છું. ભગવાન-ગુરુ માટે આ શરીર કામ આવે એથી વધારે શું. દેવોએ યજ્ઞ કર્યો. બલ પર્વત જેવું શરીર ધારણ કરી યજ્ઞ પાસે બેઠો. દેવો બલની પૂજાવિધિ કરી કાપી, હોમવા લાગ્યા. તે વખતે યજ્ઞકુંડમાં બલના હોમાયેલા શરીરમાં હીરા, મોતી, રત્નો અનેક પ્રકારના મણિઓ નીકળવા લાગ્યા. તે દેવો સર્વે પોતાના વિમાનમાં ભરી સ્વર્ગમાં લઇ જતા હતા. તે સર્વે દેવોના વિમાનોમાંથી તે રત્નો મણિઓ વનમાં, પર્વત પર, જંગલમાં, ખાણોમાં, નદીઓમાં, સમુદ્રમાં, પૃથ્વી પર ચારેકોર પડતાં હતા. તે આ ભગવાનના પાર્ષદ બલ તેના હોમ કરાયેલા શરીરમાંથી અવયવમાંથી-યજ્ઞકુંડમાંથી સર્વે રત્નો, વજ્રમણી, મુક્તામણી, પદ્મરાગમણી, મરકતમણિ, નિલમણી, વૈદુર્યમણિ, પુષ્પરાગમણિ, કર્કેતનમણિ, ભીષ્મપુલકમણિ, રુધિરમણિ, સ્કૂટીમણિ, વિક્રમમણિ વગેરે થયા.