ભાગ · અધ્યાય ૧૦૦

ભગવાનનું પૃથ્વી પર અવતાર ધારણ કરવાનું કારણ શું ?

લક્ષ્મીજીએ પૂછ્યું : હે પ્રભુ, હે કૃપાસિંધુ સંતોના ધન તમે મુક્તોના જીવનરૂપ છો. તમે આ પૃથ્વી પર અવતાર ધારણ કરો છો તેનું કારણ શું ? પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણે કહ્યું : હે લક્ષ્મી સાંભળો. મારે પૃથ્વી પર અવતાર ધારણ કરવાનું કારણ એક મારી કૃપા, બીજી મારી ઈચ્છા, ત્રીજું કારણ અવતાર ધારણ કરવાનું નિમિત્ત પૂર્વે બાર મહાયુદ્ધો થયા. તેમાં દેવોના રક્ષણને માટે દૈત્યોના નાશ માટે મારે જુદા જુદા અવતારો ધારણ કરવા પડ્યા. પૂર્વે હિરણ્યકશીપુ, દશ કરોડ, બોતેર લાખ, એંશી હજાર વર્ષ ત્રિલોકીનો રાજા સમ્રાટ રહ્યો. ત્યાર પછી તેનો પુત્ર પ્રહલાદ પણ દશ યુગ સુધી ત્રિલોકીનો રાજા રહ્યો. બલિરાજા દસ કરોડ ત્રીસ લાખ આઠ હજાર વર્ષ ત્રિલોકીનો રાજા રહ્યો. આ ત્રણે ઈન્દ્ર પ્રસિદ્ધ છે. 1. સંગ્રામ નૃસિંહ-હિરણ્યકશીપુનો તથા ર. વરાહ- હિરણ્યાક્ષનો, 3. અમૃતમંથન, 4. વિરોચન, પ. તારકાસુરનો સંગ્રામ, 6. આડીબજંભને વિષ્ણુએ માર્યા, 7. ત્રિપુરાસુરનો, 8. અંધકાસુરનો, 9. વિપ્રચીતનો, 10. વૃત્રાસુરનો, 11. રજીના દૈત્યો માર્યા, 1ર. ષંડ અમર્કને માર્યા. આ બધામાં વિષ્ણુ સહાય કરનારા હતા. દેવોનું જોર વધ્યું ત્યારે દૈત્યગુરુ શુકાચાર્ય દૈત્યોને પોતાની માતા ખ્યાતિદેવીના રક્ષણ માટે આશ્રમમાં રાખ્યા અને પોતે તપ કરવા ગયા. તે સમયે ઈન્દ્ર વગેરે દેવો, દૈત્યોને મારવા આવ્યા. દૈત્યો ભય પામીને આશ્રમમાં ગયા. ત્યારે ભૃગુ પત્ની પતિવ્રતા ખ્યાતિદેવીએ પતિવ્રતાના પ્રભાવથી ઈન્દ્ર વગેરે દેવોને જડ જેવા બનાવી દીધા. ત્યારે દેવોએ વિષ્ણુની સ્તુતિ કરી. વિષ્ણુએ સુદર્શન ચક્રથી ખ્યાતિદેવીનું મસ્તક કાપી નાખ્યું. ભૃગુ ઋષિએ કહ્યું, કે તું જેમ પતિવ્રતા હતી તેમ જો હું પત્નીવ્રત વાળો હોઉં તો તું સજીવન થા. એમ કહીને પાણીની અંજલિ છાંટી તરત હતા તેવા ખ્યાતિદેવી સજીવન થયા. ભૃગુએ વિષ્ણુને શાપ આપ્યો કે, તમે વારંવાર મનુષ્યજન્મ ધારણ કરી સ્ત્રી વિયોગવાળા થાવ. પછી શાંત થઇ. ભૃગુ ઋષિ કહે, મારે ત્યાં જમતા જાવ. વિષ્ણુ કહે, તમારે ત્યાં લક્ષ્મી પુત્રીરૂપે જન્મ લેશે ત્યારે હું તેને પરણવા આવીશ. ત્યારે હું અને લક્ષ્મી સાથે જમીશું. આ રીતે મારા અવતારોની કોઇ ગણત્રી જ નથી. ક્યારેક દેવોના કામ માટે, ક્યારેક સ્ત્રીઓના કામ માટે, ક્યારેક લોકકલ્યાણ માટે, ક્યારેક યુગ પરિવર્તન થાય ત્યારે આવા કાંઇક નિમિત્તે અવતાર ધારણ કરું છું. દેવના યોગે દેવ થાય છે. સાધુના યોગે સાધુ થાય છે. મારા યોગે મારો ભક્ત મારા જેવો થાય છે. નરનારાયણના યોગે નરનારાયણ બને છે. નારી નારાયણી બને છે. મુક્તાનિકા રમા અને પદ્માવતી જેવી બને છે.