ભાગ · અધ્યાય ૧૬૬

સંસારરૂપી ઝેર અમૃત કેમ થાય ?

લક્ષ્મીજી પૂછ્યું : સંસારમાં ઝેર અને અમૃત બંને રસ છે, તે ઝેર અમૃત કેમ થાય ? પુરુષોત્તમ નારાયણે કહ્યું : પૂર્વે સમુદ્રમંથનમાં ઝેર નીકળ્યું તે શંકરે પીને કહ્યું, આ ઝેર પચાવી શકે પણ સંસારરૂપી ઝેરને પચાવવું તે કઠણ છે. બે સ્વરૂપે રહેલો સંસાર ઝેરરૂપ છે. મૂર્તિમાન અને અમૃત. તેમાં મૂર્તિમાન સંસાર તે ગૃહસ્થ અને અમૃત તે વાસના. તૃષ્ણારૂપે સંસાર તે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ પાંચ વિષયરૂપે પ્રવર્ત્યા તેમાં રાગ, દ્વેષ અને કામ મુખ્ય ઝેર છે. તેથી મોહ થાય છે તે પણ ઝેર વિષ છે. જીભ, ઉદર, શિશ્નને વિશે અતિ ઈચ્છા તે કાલકૂટ નામનું ઝેર છે. તે ઝેરને અમૃત સમાન કરવું હોય સંસારરૂપી ઝેરને મટાડવું હોય તો અનાદિશ્રીકૃષ્ણનારાયણનો આશરો, શરણાગતિ મંત્ર તેનું ભજન ભક્તિ, ભગવાનનો પ્રસાદ, ભગવાન સંબંધી પંચવિષયનું ગ્રહણ કરવું. સંતનો સમાગમ, નવધા ભક્તિ, સેવા, શાસ્ત્રો શ્રવણ, આત્મચિંતન, ધ્યાન પૂજા વગેરે કરવાથી સંસારરૂપી ઝેર અમૃત સમાન બને છે. ગોપીઓ જેમ ગાયત્રીપણાને પામી છે, યોગીઓ જેમ ઐશ્વર્ય વડે બ્રહ્મને પામે છે. તેમ ભક્તો ભગવાન સંગે ધામમાં જાય છે. લક્ષ્મી જેમ હૃદયમાં વાસ કરે છે તેમ ભક્ત ધામમાં વાસ કરે છે. માયા જેમ શ્રીહરિમાં લીન થાય છે તેમ ભક્તો ભગવાનમાં લીન થાય છે.