દિર્ઘરવ, સંગરજાદવ, રત્નપાલ ભક્ત અને ગદાર્દન વૈદ્યની કથા
આ અધ્યાય 223–226 સંયુક્ત છે
પુરુષોત્તમ નારાયણ કહે છે : મારવાડમાં દિર્ઘરવ નામનો ઊટિયાવાળો હતો. તે આબુ યાત્રા કરવા ગયો. ત્યાં રામાયણ સાધુ મળ્યા. તેણે મંત્ર, ઉપદેશ આપી અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન કરાવી મોક્ષ કર્યો.
સંગરજાદવ તે પશુ-પક્ષીને મારી વેંચતો તેને સુકલાયન સાધુએ હિંસા તજાવી ભગવત્ પ્રાપ્તિ કરાવી.
લૂણી નદીકાંઠે રત્નપાલ નામે ભક્ત હતો. તે હજાર ગધેડા રાખી દેશ-દેશાંતરમાં ફરતો. તેને રસ્તામાં નૃસિંહસ્વામિ ભેગા થયા. રત્નપાલ ભક્તે સાધુનો સત્કાર કરી પગે લાગ્યો, જમાડ્યા પછી સાધુએ કહ્યું : માણસ જો શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ, સેવા ન કરે તો તેનું સર્વે કામ નિષ્ફળ થાય છે. જેમ ગધેડો ચંદનના લાકડાંના ભારને વહન કરે છે પણ તેની સુગંધ તથા કિંમત તે જાણતો નથી, તેમ આત્મામાં રહેલા પરમાત્માને જાણતો નથી, ભક્તિરસ લેતો નથી તે પણ ગધેડા સમાન છે. ગધેડા ગામમાં, સીમમાં રખડે ને ખાય. આ શરીરધારી ઘરમાં પંચવિષય ભોગવે, ખાય બેય સરખું. ‘ખ’ એટલે ઇન્દ્રિયો ‘ર’ એમાં રમણ કરે એટલે ખર. કેવળ માયિક પંચવિષય ભોગવે તે ખર - ગધેડો. ‘ન’- નારાયણમાં ‘ર’-રમે તે નર. માટે સર્વ પ્રકારે સાધુની સેવા કરી ભગવાનની ભક્તિ કરી લેવી. જેથી મનુષ્યજન્મ સફળ થાય. બાળ, યૌવન, વૃદ્ધ સ્ત્રી-પુરુષ સર્વેએ ભગવાનને બધું અર્પણ કરવું. પ્રાર્થના કરવી હે ભગવાન આ બ્રહ્માંડ તમારું, તત્ત્વો તમારા ખાવા-પીવાના, રહેવાના, જોવાના, ભોગવવાના, સર્વે તમારા કરેલા થયા છે. સર્વે સર્જન તમે કર્યું છે. આમાં મારું કાંઇ નથી. આમ અહંતા, મમતાથી રહિત થઇ, આત્મરૂપ થઇ પરમાત્માને અખંડ સંભાર્યા રાખે તો તેને આ ઝેરરૂપ સંસાર હોવા છતાં અમૃત સમાન લાગે છે. આનું નામ મુક્તિ સ્થિતિ. આવો અમૃત સમાન પ્રગટ ભગવાનના સાધુનો ઉપદેશ સાંભળી તે શૂદ્ર ભક્ત કુટુંબ અતિ રાજી થયું. પછી સાધુએ અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મંત્ર આપી વૈષ્ણવો બનાવ્યા. ભગવાનની ભક્તિ કરાવી.
એક વખત અનાદિશ્રીકૃષ્ણનારાયણ મેં પોતે ગરૂડને ગધેડો બનાવી તે પર બેસીને તેને દર્શન દીધા. તે ભક્તોએ મારું પૂજન કરી, દંડવત્, સ્તુતિ કરી, હે રાસભવાહન, હે ગરૂડવાહન અમને મોક્ષપદ આપો. હું દર્શન આપી અદૃશ્ય થયો. અંતે તે ભક્તો મને સંભારીને પરમધામમાં ગયા.
આજી નદી કાંઠે જીરદુર્ગમાં વિપ્ર વૈદ્ય ગદાર્દન કુટુંબ સહિત રહેતો. માંદાની ચિકિત્સા કરી, દવા આપી રોગ મટાડતો. તે પ્રસિદ્ધ પૈસાવાળો થયો. નારાયણ કૃષ્ણને પ્રભુને સંભારીને દવા આપતો પરંતુ ભયંકર એવા રોગો માટે તેને જીવહિંસા કરીને, દવા બનાવવી પડતી. આ રીતે કરોડો જીવ હિંસા થઇ. તે જીવ-જંતુને તેલમાં ઉકાળી દવા બનાવે. તે જંતુ મારવા ટાણે શાપ આપે. તે પાપે તેને અતિ તાવ આવ્યો. કેટલા ઔષધ કર્યા મટે નહીં. બીજા વૈદ્યો આવ્યા. યમપુરી જેવું દુ:ખ આ શરીરે દેખાયું. મારી પ્રાર્થના કરે. હું પણ તેના હૃદયમાં જ બેઠો હતો પરંતુ શાપની પીડા ભોગવવી જ પડે. એ રીતે દસ વર્ષ સુધી માંદો રહ્યો જે જીવહિંસા કરી દવા બનાવી હતી તે જીવકીડા તેના શરીરને ખાવા લાગ્યા. તેના છ પુત્રો પણ મરણ પામ્યા. સાત પુત્રીઓ તે વિધવા થઇ. આ રીતે નિર્વંશ રહ્યો. પછી પોતાના ભાઇને બોલાવી બધું ધન આપી દીધું. પછી મરણ પામ્યો. તેની પત્ની મુકુંદિની પતિવ્રતા હતી. કૃષ્ણભક્તા હતી. તે રૂદન કરી પ્રાર્થના કરવા લાગી. હે પ્રભુ, કાં મારા પતિને જીવતો કરો કાં મને તેની સાથે મોકલી દો. પ્રગટ પ્રભુએ પ્રાર્થના સાંભળી. તે વૈદ્યને ઠાઠડીમાંથી બેઠો કર્યો, સ્પર્શ કરી નિરોગી કર્યો. ત્યાં યમદૂતો કહે, પ્રભુ કાં અમને લઇ જવા દો કાં તમે લઇ જાવ. પ્રભુએ બંનેને દંપતીને સત્યલોકમાં મોકલ્યા, કાળાંતરે તે પરમપદને પામ્યા.