ભાગ · અધ્યાય ૨૩૬

શ્રીબાલકૃષ્ણ પ્રભુનો સત્તર, અઢાર અને ઓગણીસમો જન્મજયંતિ મહોત્સવ

પુરુષોત્તમ નારાયણ કહે છે : મારો સત્તરમો જન્મજયંતિ મહોત્સવ અનિરુદ્ધ પ્રદ્યુમ્ન સંકર્ષણ વાસુદેવ આ ચતુર્વ્યુહ ધામોમાં ઉજવશે. તથા લક્ષ્મી કુંકુમવાપી ક્ષેત્રમાં કાલે મારો જન્મજયંતિ ઉત્સવ ઉજવવા ઇશ્વરો આવશે. માટે તમે સેવિકાઓ તૈયાર રહેજો. પ્રભુ આજ્ઞાથી લક્ષ્મીઓ, બ્રહ્મપત્નીઓ સેવામાં લાગી ગઇ. સભાની દેવીએ સભા તૈયાર કરી. શૃંગારદેવીએ શૃંગાર તૈયાર કર્યા. ધામદેવીએ પ્રકાશ કર્યા. વનદેવીએ બગીચા તૈયાર કર્યા. રસદેવીએ રસો તૈયાર કર્યા. ગંધદેવીએ સુગંધો તૈયાર કર્યા. સરસ્વતીએ ગાયનો તૈયાર કર્યા. અન્નપૂર્ણા દેવીએ સર્વ મિષ્ટાન્નો તૈયાર કર્યા. કલ્પલતા દેવીએ વૃક્ષવેલી પત્ર પુષ્પ વનસ્પતિ તૈયાર કરી. ભૂદેવીએ શય્યાઓ તૈયાર કરી. વાયુએ વાહનો તૈયાર કર્યા. લલિતાશ્રી મહાલક્ષ્મી દાસીઓ સહિત આવી સેવા યથા યોગ્ય કરતી. યજ્ઞનારાયણે યજ્ઞમંડપને તૈયાર કર્યો. ઔષધી દેવી લાકડાં લાવી. મુક્તો સર્વે સેવામાં તૈયાર હતા. તે સમયે અનિરુદ્ધ પ્રદ્યુમ્ન સંકર્ષણ વાસુદેવ આ ચતુર્વ્યુહ આવ્યા. અવતારો આવ્યા. શંકર આદિ મહાસેનાપતિઓ આવ્યા. નારાયણો, રુદ્રો, બ્રહ્મા, વિષ્ણુ, સિદ્ધલોકો, ઇશ્વરાણી, પાર્ષદો, રાધા-સખીઓ, રમાસખીઓ, બ્રહ્માસખીઓ, વૈરાજ, હિરણ્ય પુરુષ, માયાતત્ત્વો સર્વે આવ્યા. દેવ-દેવી, પિતૃ લોકપાલો, ઋષિઓ, સાધુ, સાધ્વીઓ વિપ્રો, ભક્તો, માનવો સર્વે આવ્યા. પૃથ્વીના સર્વે જડ-ચેતન તત્ત્વો સર્વે અનાદિશ્રીકૃષ્ણનારાયણના સત્તરમાં જન્મજયંતિ મહોત્સવમાં આવ્યા. પુરુષોત્તમ માસે મહાભેરી વગાડીને સર્વેનું સન્માન કર્યું.

તે સર્વેએ અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ચંદન, પુષ્પ, અબિલ, ગુલાલ, કંકુ, અંતર સુગંધીમાન દ્રવ્યોથી પૂજા કરી, આરતી ઉતારી સ્તુતિ કરી ભેટ ધરતા હતા. લોમશ આદિ ઋષિઓ અનાદિશ્રીકૃષ્ણનારાયણને આશીર્વાદ આપતા હતા. ચીરંજીવો અનેકનું કલ્યાણ કરો. પછી સર્વેને જમાડી આદર સત્કાર કરી વિદાય આપી. આ રીતે સત્તરમો જન્મજયંતી મહોત્સવ કુંકુમવાપી ક્ષેત્રમાં અવતારો, મુક્તો, ઇશ્વરો, દેવ-દેવી, ઋષિ, મુનિ, સાધુ, સાધ્વીઓ યોગિનીઓ, ભક્તો, ભક્તાણીઓએ સર્વએ મહાઉત્સવ ઉજવ્યો.

શ્રીબાલકૃષ્ણ પ્રભુનો અઢારમો તેમજ ઓગણીસમો જન્મજયંતિ મહોત્સવ ઉત્તમ ધામધૂમો વડે ઉજવાયો હતો. તેમાં સર્વ સૃષ્ટિઓના રાજાઓ, દેવો, ઇશ્વરો, પ્રજાઓ પણ આવ્યા હતા. અનેક પેટાઉત્સવો, મહાદાનો, મંત્રજપો, હોમહવનો, દક્ષિણાઓ વગેરે થયા- અપાયા હતા, ઉત્સવવિસર્જન કરાયો હતો.