ચક્રધર રાજા, હર્ષુલ ભક્ત, શાણધર ભક્ત અને નીંબ ભક્તની કથા
આ અધ્યાય 194–198 સંયુક્ત છે
વિરામનગરનો રાજા ચક્રધર તથા તેનો પ્રધાન દેવવિશ્રામ તે પ્રજાપાલન ધર્મવાળા હતા. તેના ગામમાં બહુચરાના ભક્તો આવ્યા. તેણે 10,000 રૂપિયા રાજા-પ્રધાન પાસે માગ્યા. રાજાએ એક હજાર આપ્યા. નપુંસકોએ મલીન મંત્રોથી રાજા-પ્રધાનને મૂર્છિત કર્યા. રાજા-પ્રધાન જાગ્યા ત્યારે નપુંસક આગેવાન સ્ત્રીની હત્યા પોતાના સૈનિક પાસે કરાવી. એટલે બધા ભાગી ગયા. ગામમાં હાહાકાર થયો. રાજા, પ્રધાન સ્ત્રી હત્યારા છે. બંનેએ પ્રાયશ્ચિત કર્યું તો પણ પ્રજા હત્યારા છે, એમ બોલતી. રાજાએ શાસ્ત્રો જાણનારા વિપ્રો, વૃદ્ધોની સભા બોલાવીને કહ્યું કે, ન્યાય કરો. વૃદ્ધ શાસ્ત્રીઓ બોલ્યા કે, અગ્નિ લગાડનારો, ઝેર આપનારો, શસ્ત્ર ઉગામેલો, મંત્ર અભિચારવાળો, શાપ આપનારો, શત્રુને સહાય કરનારો. આ છ જણા આર્તતાયી શત્રુ છે. તેને મારવામાં પાપ નથી. તેથી રાજા, પ્રધાન નિર્દોષ છે. છતાં તે બંને દાન-પૂજન જપ વગેરે કરી શુદ્ધ થયા છે. પછી રાજા-પ્રધાને સાધુ, બ્રાહ્મણના કહેવાથી યજ્ઞ કર્યો. તેમાં સાક્ષાત શ્રીહરિ આવી દર્શન આપી પાપની નિવૃત્તિ કરાવી. પછી તે ભક્તિ કરી ધામમાં ગયા.
મયૂરપુરીનો માળી હર્ષુલ ભક્તે પહેલી પત્નીથી પુત્ર નહિ થવાથી બીજી પત્ની કરી. બીજી પત્નીને પુત્ર થયો. પહેલી પત્નીએ ઈર્ષ્યાથી છોકરાને ઝેર આપી મારી નાખ્યો. માટે બધા રોવા માંડ્યા. પહેલી પત્નીને બહુ જ દુ:ખ થયું તેથી પ્રભુને પ્રાર્થના કરી, હે પ્રભુ મારી ભૂલ થઇ મને માફ કરો. તે સમયે અનાદિશ્રીકૃષ્ણનારાયણ સાધુ રૂપે આવી પૂછ્યું શું થયું, શું કામ રોવો છો ? સર્વેએ પુત્રના મરણની વાત કહી. પહેલી પત્નીએ સાધુની સેવા કરી નિષ્કપટપણે પોતાનું પાપ જાહેર કર્યું. પછી ભગવાને તે બધાને પોતાનો મંત્ર આપ્યો. તથા બાળકને મંત્ર આપી પ્રસાદી જલ પાઇને જીવિત કર્યો. સર્વે આનંદમાં આવી ગયા. પછી પ્રભુએ પહેલી પત્નીને પણ આશીર્વાદ આપ્યા કે, તને પણ પુત્ર થશે. એ રીતે પોતાના ભક્તના અપરાધ ભગવાન માફ કરે છે.
અનાદિશ્રીકૃષ્ણનારાયણ સાધુરૂપે હર્ષુલ ભક્તને તથા તેની બંને પત્નીને ઉપદેશ આપ્યો કે, સાધુની સેવાથી આશીર્વાદ મળે છે. આ લોક-પરલોકમાં સુખી થવાય છે. પછી સર્વે ભક્તો ભક્તિ કરીને અંતે ભગવાનના ધામમાં ગયા.
કોટીનાર ગામના શાણધર ખેડૂત ભક્તને વૃદ્ધાવસ્થામાં ગળતા કોઢનો રોગ થયો. તેના પુત્રો સેવા કરી કંટાળ્યા. સર્વેએ ભેગા થઇ નક્કી કર્યું, આ ભાભાને સમુદ્રમાં પધરાવી દેવો. પછી ગાડામાં બેસાડી દ્વારકા સમુદ્રે લઇ જઇને છોકરાઓએ પિતાને કહ્યું. સંપત્તિ ક્યાંય મૂકી, દાટી હોય તો કહો. ભાભાએ કહ્યું, ચૂલાની આગુણમાં લાખ રૂપિયા દાટ્યા છે. છોકરા બાપાને સમુદ્રમાં નાખી ઘરે આવ્યા. પ્રાયશ્ચિતમાં પિતાના પૈસે યજ્ઞ કર્યો, દાન કર્યા. સમુદ્રમાં શાણધર ભક્તે અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન કર્યું. તેથી પ્રગટ પ્રભુએ આવી દર્શન આપી સ્પર્શથી રોગ મટાડી ભક્તને તેને ઘરે પહોંચાડ્યો. સર્વે કુટુંબને દર્શન આપ્યા, મંત્રો આપ્યા, પોતાનું ભજન અને કાયમ સાધુની સેવા કરવાનું કહ્યું. પછી ભક્તે પૂછ્યુ, પ્રભુ મને આવો રોગ કેમ થયો ? પ્રભુએ કહ્યું, પૂર્વ જન્મમાં તે વાછડાના વૃષણનો ઉચ્છેદ કર્યો તે પાપે આ રોગ થયો.
નીંબ ભક્ત પૂર્વ જન્મમાં સાથીને વેતન ઓછું આપતા તે મરીને સાંઢ થયો. ભક્ત પાસે લેણું બાકી હતું. ભક્તને દેખીને મારવા દોડ્યો. સાંજે મંદિરે જતા લાકડી પાસે ન હતી. ત્યાં સાંઢ સામે મળ્યો. તેણે માથું મારવાની તૈયારી કરી ત્યાં ભગતે પથ્થર જોરથી ફેરવી માથામાં માર્યો. તેથી સાંઢ મરી ગયો. તેથી ભક્તે દાન, પુણ્ય, ધૂન, ભજન વગેરે પ્રાયશ્ચિત કર્યા. પછી તે સાંઢ ભક્તનો પુત્ર થયો લેણું લેવા આવ્યો. પણ ભગવાનનો જ્ઞાની ભક્ત થયો. પ્રગટ પ્રભુ અનાદિશ્રીકૃષ્ણનારાયણનો આશરો કરી, ભક્તિ કરી ધામમાં ગયો.
શાસ્ત્ર કહે છે : આર્તતાયી શત્રુને મારવામાં પાપ નથી. ડાઢવાળા શિંગાળા પશુનો, શસ્ત્રવાળાનો વિશ્વાસ ન કરવો. ચોર ભૂખ્યા, તરસ્યા ગાંડાનો વિશ્વાસ ન કરવો. અગ્નિનો, પાણીનો, સ્વાર્થીનો, વેશ્યાનો વિશ્વાસ ન કરવો. રોગી, ત્યાગી, ભિક્ષુક, મૂર્ખનો વિશ્વાસ ન કરવો, આળસુ, અધર્મી, નાસ્તિક, તામસીનો વિશ્વાસ ન કરવો. જુગારીનો, વાણંદનો, દારૂ પિનારાનો, અવગુણીયાનો, વિવાદીતનો, કાણાનો, લંગડાનો વિશ્વાસ ન કરવો. પર્વતનો, કાદવનો, અજ્ઞાન વૈદ્યનો, અજ્ઞાત ઔષધનો, શત્રુએ આપેલા ભોજનનો, અતિ ક્રોધીનો, સીમમાં ફરનારાનો વિશ્વાસ ન કરવો.