દૈવીકોપ, દુષ્ટ સ્વપ્ન અને ઉપદ્રવોનું નિવારણ
આ અધ્યાય 146–150 સંયુક્ત છે
દૈવીકોપ આકાશના ઉત્પાતો, પૃથ્વીના ઉત્પાતો, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, તીડ, ઉંદર વગેરે પ્રજાને અનેક પ્રકારના દુ:ખથી રક્ષણ માટે શાંતિકર્મ કરવું તથા અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન ધૂન, કિર્તન, જપ વગેરે કરવા જેથી દૈવીકોપ શાંત થાય.
અનેક પ્રકારના રોગ, મોલમાં રોગ, ગ્રહ-નક્ષત્રો ખરવા, હીમ પડવા, વિદેશથી ભય વગેરે દેશ-દુ:ખ આવે ત્યારે દેવતાઓની માતા યોગીની સતી, સાધ્વીના પૂજન કરવા તથા રાધા-લક્ષ્મી, પ્રભા, પાર્વતી તથા કાશીનિવાસી દુ:ખહાલક્ષ્મી મહાલક્ષ્મીનું પૂજન કરવું તથા બાળકોને ભોજન આપવાં તેમજ અનેક પ્રકારના દાનો આપવા.
દુષ્ટ સ્વપ્ન આવે અને અપશુકનો થાય તો ગ્રહયજ્ઞ તલ હોમી, હવન કરવો તથા વાસુદેવ, હરિકૃષ્ણ, અનાદિશ્રીકૃષ્ણનારાયણ એવું ભજન કરવું તથા સાધુ-બ્રાહ્મણોને જમાડીને દાન આપવા તથા ગાયત્રી મંત્રોનો જપ કરવો તેથી દુષ્ટ સ્વપ્નનું નિવારણ થાય.
અનેક પ્રકારના તમોગુણના સ્વપ્નો દેખાય અને મન અશાંતિવાળું, ઉદ્વેગવાળું થાય તે સ્વપ્નો અપશુકનવાળા દુષ્ટ ગણાય. જે સ્વપ્નો સાત્ત્વિક, રાજસી દેખાય, મન શાંતિ પામે, આનંદવાળું થાય તે સ્વપ્નો શુકનવાળા સારાં લાભદાયી ગણાય છે. અથવા શુભ કામે જવા સમયે અપશુકન થાય. અથવા દુષ્ટ સ્વપ્ન આવ્યું હોય તો અનાદિશ્રીકૃષ્ણનારાયણનું પૂજન કરી સાધુ-બ્રાહ્મણોને જમાડીને દાન દેવા.
વન-પર્વત, જંગલ નિર્જન સ્થાનમાં રહેનારાને ઉપદ્રવ થાય ત્યારે હનુમાનજીના સ્મરણપૂજનથી દુ:ખ નાશ પામે છે. સર્વે મહાન ભક્તોમાં તરત જ સહાય કરે એવા રામભક્ત હનુમાનજી છે, જે સર્વે કષ્ટમાં તરત જ સહાય કરનારા છે. તે ભક્તિ વિના ધૂપમાત્રથી રાજી થઇને ભૂત-પ્રેત, પિશાચને, ડાકિની, શાકીની સર્વેને ભગાડીને શાંતિ આપે છે. એવા પરોપકારી હનુમાનજી છે. તેઓ નિષ્કામ, નૈષ્ટિક બ્રહ્મચારી હોવાથી તેનાથી સર્વે ભૂત-પ્રેત ભાગી જાય. તે હનુમાનજીનો “ૐ નમો હનુમતે દુ:ખભંજનાય સુખં કુરૂ ફટ્ સ્વાહા” મંત્રજાપ તથા પૂજન કરી થાળ ધરીને પ્રાર્થના કરવી તેથી સર્વે આસુરી વિઘ્નો નાશ પામે છે.