પરચા ૯૯

અનાદિ મુક્તરાજ પ્રેમજીભગત હરજીભગત રાઠોડ

ભીમકટા

મહારાજ જામનગરમાં હતા ત્યારે તેમની ખૂબ નામના સાંભળી હતી પણ મળવાનું ક્યારેય નહોતું થયું. એક વખત હું સત્તાધાર ગયો હતો, ત્યાં દર્શન કરી જૂનાગઢ આવ્યો, સાંજ થઈ ગઈ હતી. એક સ્વામી મળ્યા તેમને મેં પૂછ્યું શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજને મળવું છે. તો સ્વામી કહે, આ સભામાં સામે બેઠા એ જ મોટા શાસ્ત્રીજી છે. ત્યાં રામજીભગત અને પ્રાગજીભગત હતા. તેણે મારો હાથ ઝાલીને નજીક બેસાડ્યો અને ભગતે ગામ-ઠામ પૂછ્યું જમવાનું પૂછ્યું. શું કામે આવ્યા છો, આમ બધી પૂછપરછ કરી. એટલે મેં કહ્યું, મહારાજના આશીર્વાદ લેવા આવ્યા છીએ. ત્યાં મેં ઉતારો કર્યો, જમ્યા અને રાત્રો મહારાજ પાસે ગયા. એટલે મહારાજે ગામ પૂછ્યું, કામ પૂછ્યું. મેં કહ્યું, મહારાજ આમ ભીમકટાના છીએ સત્તાધાર ગયા હતા અને તમારા દર્શન અને આશીર્વાદ લેવા આવ્યા છીએ. મારે દીકરો નથી આપ દયા કરો અને આશીર્વાદ આપો. મહારાજે ર૪ અવતારની મૂર્તિ બતાવીને કહ્યું, આ તમને શું દેખાય છે. મેં કહ્યું, મને રામ ભગવાન દેખાય છે. આમ મને ર૪ અવતારની મૂર્તિમાં રામના દર્શન કરાવ્યા. પછી મહારાજે કહ્યું કે, હવે નોમ આવે છે તે દિવસે ઉપવાસ કરી નોમ રહેવાની. પછી મેં સંકલ્પ કર્યો કે, ભગવાન મારી ઈચ્છા પૂરે તો હું આ જૂનાગઢ મંદિરમાં સંતોને રસોઈ આપીશ એવો મનમાં સંકલ્પ કર્યો.

બીજા દિવસે સવારે મહારાજના દર્શન કરવા ગયા ત્યારે મહારાજે આશીર્વાદ આપ્યા અને કંઠી બાંધી અને અમે અમારા ગામ ગયા. જાતે દહાડે આ બાબાનો જન્મ થયો એટલે મેં મહારાજને કાગળ લખ્યો. મહારાજનો જવાબ પ્રસાદીપત્ર આવ્યો એમાં લખયું હતું હાલ અહીં કરફયુનું વાતાવરણ છે. એટલે હમણાં રસોઈ દેવા આવશો નહીં અને બાબાના નામ પાંચ લખી મોકલ્યા છે આમાંથી તમને ગમે એ નામ પાડજો. પછી સમયજતાં અમે જૂનાગઢ રસોઈ દેવા ગયા અને બાબાને લઈ ગયા ત્યારે મહારાજે બાબાને કંઠી પહેરાવી અને આશીર્વાદ આપ્યા કે ૧૦૦ વર્ષની આયુષ્યવાળા થાઓ. પછી મહારાજે બે ડબ્બા મીઠાઈના ભરી આપ્યા હતા. અમે તે મીઠાઈથી ગામના છોકરા જમાડ્યા હતા.

અમારું જૂનું મકાન પુષ્પગુંજ સોસાયટીમાં હતું. અમે રાત્રો સૂતા હતા ત્યારે મહારાજ સામે ઊભા હતા. આમ જૂના મકાનમાં બાલકૃષ્ણ રૂપે દર્શન થયા હતા અને નવા મકાનમાં

અમને રર વર્ષ થયા. આ મકાનમાં ઘણીવાર ગુલાબની સુગંધ આવતી.

મારો છોકરો વર્ષે એકવાર ફુલવાડી જાય છે અને ફુલવાડી જાય ત્યાં એમને બહુ આનંદ અને શાંતિ મળે છે તે એક બે દિવસ તો સૂતા-જાગતા ફુલવાડી જ દેખાયા કરે છે. આ મારા ઘરનાને મહારાજના એક વખત જૂના ઘરમાં દર્શન થયા હતા. ત્યારે મહારાજ આવ્યા અને એકદમ પ્રકાશ થયો અને આશીર્વાદ આપતા મહારાજ ઊભા હતા. આવા દર્શન થયા હતા.

મહારાજ ધામમાં ગયા ત્યારે મારા છોકરાની ઉંમર પાંચ વર્ષની હતી. મહારાજે જામવંથલીના વસંતબેન છે તેને દર્શન આપ્યા કે, આ પ્રેમજીભગતને ઘરે હજુ એક દીકરો મારે આપવો છે, આમ દર્શન દઈ કહ્યું હતું.

અમે અભણ હતા તેમ અમને કોઈ ભક્તોનો યોગ મળ્યો નહીં એટલે મહારાજને ભગવાન તરીકે ન ઓળખ્યા અને છોકરાઓને અમારી ભલામણ છે, આ મહારાજે તને જન્મ આપ્યો છે, એટલે જીવનમાં ક્યારેય પણ આ ભગવાનને ભૂલવા નહીં. તેમજ મંદિરે દર્શને જાવું સેવા કરવી. એવી ભલામણ કરીએ છીએ.

આજે મહારાજના આશીર્વાદથી ઘણાં સુખીયા છીએ અને કુટુંબનું કલ્યાણ થાય તેવા આશયથી બસ બાંધીને બેનો, દીકરીઓ કુટુંબને કુંકાવાવ-જૂનાગઢ-ફુલવાડીના દર્શન કરાવ્યા છે અને મહારાજ પ્રગટ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન કરીએ છીએ. આમ અમે તો આ બીજા ભક્તો જેવા દર્શન કે સેવા કરી નથી પણ ભગવાન દયાળું કૃપાળું છે. તે મહારાજે અમારા ઉપર ઘણી દયા કરીને અમારું ધ્યાન રાખ્યું છે. આમ મહારાજના પ્રત્યક્ષ દર્શનનો લાભ મળ્યો છે.