અનાદિ મુક્તરાજ લક્ષ્મણભગત પોપટભગત માથુકિયા
મોટી કુંકાવાવ, હાલ- મુંબઈ
ભગવાનની કૃપાથી કુંકાવાવ જેવા મહાન તિર્થમાં મારો જન્મ થયો સૌ પ્રથમ તો તેનો મને વિશેષ આનંદ છે. અમે નાનપણથી મહારાજનો મહિમા તો જાણતા પણ મોટા મુક્ત પુરુષોના યોગમાં આવ્યા પછી તેમની કથાવાર્તા દ્વારા જે મહારાજની સર્વોપરિ ભગવાનપણાની હવે ઓળખાણ થઈ છે તેથી હું અને મારો પરિવાર વિશેષ ધન્યતાનો અનુભવ કરીએ છીએ.
કુંકાવાવથી જૂનાગઢ મહારાજની હયાતીમાં ઘણીવાર દર્શન કરવા જવાનું થતું. એકવાર મહારાજના દર્શન કરવા ગયા ત્યારે મેં મહારાજને કહેલું કે, ધંધામાં ખૂબ નુકસાની જાય છે. કંઈક કૃપા કરી આશિર્વાદ આપો તો વિશેષ સુખી થવાય અને સેવાનો પણ લાભ મળે. ત્યારે મહારાજે આશિર્વાદ આપતાની સાથે એક વાત એવી કહેલી કે, આપણાં ગામમાં ચણનો ઓટો હોય તો બહારગામ ચણ નાખવા ન જવાય. (મહારાજ એવું કહેવા માગતા હતા કે, ભવિષ્યમાં અમારા આશિર્વાદથી ખૂબ સુખી થાવ તો સેવામાં કુંકાવાવ તિર્થમાં પહેલા ધ્યાન આપવું.)
સમય જતાં મહારાજના આશિર્વાદથી મુંબઈ જવાનું થયું. ખૂબ સારી રીતે હીરાનું કામકાજ ચાલ્યું. જીવનમાં સંઘર્ષ તો ખૂબ જ થયો પણ ભગવાન ભેગા હતા. માટે જ દરેક કાર્યમાં ખૂબ સારી સફળતા ધીરે ધીરે મળવા લાગી. મહારાજની કૃપાથી ઘેર સુપુત્ર સંતાનોની પ્રાપ્તિ થઈ તે પણ શિક્ષણની સાથે જ સંસ્કારી અને સત્સંગી થયા. ત્યાં મુંબઈમાં અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના સંતો-ભક્તો સાથે હું જોડાયો. પ્રમુખસ્વામી મહારાજને મારા પર ખૂબ હેત હતું. જેથી ઘણીવાર ઘેર પધરામણી કરતા અને તેમના કોઈ કાર્યોમાં આર્થિક સહયોગની જરૂરિયાત હોય તો મને આજ્ઞા કરતા કે, જે સેવાનો લાભ હું અવશ્ય લેતો. થોડા સમય પછી મુંબઈ મહારાજના કાંદિવલી મંદિરમાં દર્શન કરવા જવાનું થયું ત્યાં પૂજ્ય સદ્ગુરૂ અનાદિ મુક્તરાજ શાંતિલાલ ભગતનો મને મેળાપ થયો. અમારે મહારાજનો થોડો સત્સંગ થયો. એમણે મને કહ્યું કે, ભગત મુંબઈમાં મહારાજની હયાતીથી આ મહારાજનું કાંદિવલીમાં મંદિર છે. આ મંદિરમાં દરેક મૂર્તિમાં મહારાજ હાર વધારી દર્શન આપી ભક્તોના સંકલ્પ પૂરા કરે છે. અનેકવાર આ મંદિરમાં સભા, કથાવાર્તા, ધૂન-
કિર્તન તેમજ ઉત્સવો પણ ખૂબ થાય છે. માટે તમે પણ હવે અહીં જરૂર આવતા-જતા રહેજો. તમે કુંકાવાવ તિર્થના છો, મહારાજને મળેલા છો માટે તમે જેટલી મહારાજની વિશેષ સેવા-ભક્તિ કરશો એથી વિશેષ મહારાજ તમારા પર રાજી થઈ તમને સુખિયા કરશે.
પૂ. શાંતિલાલભગતની વાત સાંભળી મેં તેમની આજ્ઞાનું પાલન કર્યું ત્યારથી હું વિશેષ શ્રીહરિ શરણાગતિ મંડળમાં સેવા ભક્તિના, મંદિરના અને ઉત્સવોના કાર્યોમાં સહયોગરૂપ થવા લાગ્યો. મેં એકવાર શાંતિલાલ ભગતને મારા ઘેર સભા રાખવા કહ્યું, ત્યારે તેમની કથામાં અક્ષરધામ અને પરમધામ બંનેમાં શું ફરક છે ? બંનેનો મહિમા શું છે ? તેની વાત ધ્યાનથી સાંભળી ત્યારે મને પાક્કુ સમજાયું કે, અક્ષરધામથી પણ શ્રેષ્ઠ પરમધામ છે અને ભગવાન સ્વામિનારાયણ કરતાં પણ વિશેષ પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણનો મહિમા છે. ત્યારથી હું તથા મારો પરિવાર માત્ર મહારાજને જ માનીએ, પૂજિયે છીએ.
વર્ષો પહેલાં મહારાજે કરેલી આજ્ઞા મુજબ કુંકાવાવ તિર્થમાં બ્રહ્મપેલેસ મંદિરમાં ખાતમુહૂર્તથી લઈને મૂર્તિ પ્રતિષ્ઠા સુધી (માતા કંભરાલક્ષ્મી, પિતા ગોપાલકૃષ્ણ, બાલકૃષ્ણપ્રભુ, શ્રી લોમશ મહર્ષિ, શ્રી શ્વેતાયનવ્યાસ પ્રભુ, શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ આ દરેક મૂર્તિઓ તેના સિંહાસન, તેના શિખરો તેમજ કળશ, ધ્વજા દંડ) વગેરેની સેવાનો લાભ અમને મળ્યો છે. તેમજ બ્રહ્મપેલેસમાં નૂતન ગૌશાળા એ સિવાય પણ નાની મોટી ખૂબ સેવા પ્રગટ ભગવાનની કૃપાથી તન-મન-ધનથી કરી છે. તેમજ મહારાજના જ્યાં જ્યાં મંદિર અને ઉત્સવો થાય તે બધી જ જગ્યાએ યથાશક્તિ સેવાનો લાભ લઈએ છીએ.
હાલમાં હું મારી નિવૃત્તિના સમયમાં વિશેષ મહારાજનું ભજન કરું છું જેથી મને ઘણીવાર મહારાજના દર્શન થાય છે. ક્યારેક તો મહારાજના મંત્રના અનુષ્ઠાન પૂરાં થયા હોય ત્યારે થોડા દિવસ સુધી તો મારો દેહ શૂન્ય અવસ્થામાં હોય છે, આ બહુ અલૌકિક વાત કહેવાય. બસ આવી જ રીતે ધર્મમય, ભક્તિમય, સેવામય જીવન વ્યતિત કરી હું અને મારો પરિવાર ભાવેશ, ઘનશ્યામ બંને દીકરાઓ પણ પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણની પૂર્ણ કૃપાથી આલોક તેમજ પરલોકમાં મહાસુખિયા થાય અંતે દિવ્ય પરમધામમાં મહારાજની ચરણસેવાનો પણ લાભ મળે એ જ પ્રાર્થના છે.