અનાદિ મુક્તરાજ નવિનભગત નથુભગત ટાંક
જામવંથલી, હાલ- પૂના
નાની ઉંમરમાં મને બાપુજી નથુભગત જામનગર સ્વામિનારાયણ મંદિરે લઈ ગયા હતા ત્યારે મહારાજે મને કંઠી બાંધી હતી, પછી તો જૂનાગઢ મહારાજના દર્શન કરવા વરસમાં બે વખત જવાનું થતું.
એક વખત અમે જૂનાગઢ સાંજે ત્રણ જણા ગયા હતાં. મહારાજ પાસે બેઠા હતા. અમે મહારાજને કહ્યું, મહારાજ અમારે ગીરનારના દર્શન કરવા જવું છે. મહારાજ કહે, ગીરનારના દર્શન કરવા હોય તો અહીંયા તમને બતાવું. અમે કહ્યું, તો સારું. પછી મહારાજે પોતાના રૂમની બારીમાંથી જોવા કહ્યું, જો ગીરનાર દેખાય છે ? મેં કહ્યું, ના મહારાજ દેખાતો નથી. ત્યાં મહારાજે ફરી દૃષ્ટિ કરીને કહ્યું, હવે જો દેખાય છે. એટલે મેં કહ્યું, હા હવે દેખાય છે. આમ મહારાજે ગીરનારને પોતાના રૂમની બારી સુધી નજીક લાવી દર્શન કરાવ્યા.
સમય જતાં અમારે હવે પૂના જવાનું હતું એટલે મહારાજ પાસે રજા લેવા ગયા. ત્યારે મહારાજે એક ડબરો લાવવાનું કહ્યું, અમે ત્રણ જણા હતા ને ડબરામાં બે લાડવા હતા ને અમે કહ્યું, મહારાજ અમે આમાંથી જમી લઈશું. મહારાજ કહે, ના એમ નહીં. એ ડબરાને કપડું ઢાંકીને મૂકી આવ. થોડીવાર મહારાજ સાથે વાતો કરી પછી મહારાજ બોલ્યા, હવે પેલો ડબરો લાવ. મેં એ ડબરાની ઉપરનું કપડું હટાવ્યું તો ડબ્બો આખો લાડવાથી ભર્યો હતો પછી મહારાજે અમને બે બે લાડવા પ્રસાદીના આપ્યા.
એક વખત અમે જૂનાગઢ ગયાને મહારાજની પાસે બેઠા હતા ત્યારે મહારાજ કહે, આ તમારા ઘરે ખાંડ ખવડાવી ખવડાવીને મોઢું ગળ્યું થઈ ગયું ત્યારે ખાંડ દળી દળીને ખાંડવાળી મીઠાઈ અમે ઘરે મહારાજને વધારે જમાડતા. એટલે મહારાજે કહેલું.
એકવાર મેં મહારાજને પૂછ્યું, મહારાજ રાત્રો તમે ક્યાં હો ? મહારાજ કહે, રાત્રો હું અહીંયા ના હોઉં. રાત્રો હું લક્ષ્મીજી સાથે હોઉં. મેં મહારાજને કહ્યું, મહારાજ આ માનતા એટલે શું ? મહારાજ કહે, તમને કાંઈ થાય એટલે તમે મને યાદ કરો અને દુઃખ મટાડવા નારિયેળ કે સાકર ધરાવવાનું કહો એટલે હું અહીં સાંભળીને નાગધ કરી લઉં અને સાંજે નીકળું તે જેની જેની માનતા થઈ હોય તેવા તેના દુઃખ દૂર કરું, કોઈ મેલું હોય તો એને બે લાકડી
મારીને ભગાડી મૂકું અને તમને સારું થઈ જાય.
એક વખત મેં મહારાજને કહ્યું, મહારાજ મને અંતઃકાળે તેડવા આવશો ને ? ત્યારે મહારાજ કહે, તું મને યાદ કરીશ, તો હું જરૂર તેડવા આવીશ બસ. મેં કહ્યું, પાક્કું. મહારાજ કહે પાક્કું. એટલે મને થયું હવે તો મારે સતત મહારાજને યાદ કરવા પડે. બસ ત્યારથી હું અખંડ મહારાજને યાદ કર્યા કરું છું. આના કારણે જગતમાં કુટુંબમાં હેત ફરજ પૂરતું જ છે અને મહારાજનું ભજન કર્યા કરું છું અને આપણી જે ફરજ છે તેને નિભાવ્યા કરું છું. આમ ભગવાનની કૃપાથી મારા દીકરા ગૌરવનો પણ સંબંધ ભૂજમાં સારા સત્સંગી ઘરમાં થઈ ગયો. આ બધું ભગવાને જ ગોઠવેલું હોય છે. આમ સાચી સમજણ થઈને ભગવાન સારી રીતે ભજાય છે. સૌના આશીર્વાદ મેળવાય છે અને ભક્તિની સાથે મહારાજના સેવા કાર્ય થાય છે.