પરચા ૪૫

અનાદિ મુક્તરાજ પરષોત્તમભાઈ તુલશીભાઈ ટાંક

જીરાગઢ, હાલ- મુંબઈ

હું ઇ.સ.૧૯૭પમાં મસ્કત ગયો ત્યારે ત્યાં અંબાલાલભગત સાથે હતા. એ સમયે દિવાળીબેનને પ્રેત હેરાન કરતું હતું એટલે ઘણી જગ્યાએ જોવડાવ્યું પણ ફરક ન પડ્યો ત્યારે અંબાલાલભગતે મને વાત કરી કે, જૂનાગઢમાં શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ છે એમને પ્રાર્થના કરીએ અને એ જેમ કહે તેમ કરવું પડે એટલે મેં હા કહી અને અમે જૂનાગઢ મહારાજને ટપાલ લખી. મહારાજનો પ્રસાદીનો પત્ર આવ્યો તે કહે તમારા કુટુંબીને જૂનાગઢ મોકલો અને તમે અવાય તો આવો. એટલે હું છૂટી લઈ મુંબઈ આવ્યો અને અમે જૂનાગઢ ગયા.

મહારાજે ૧પ દિવસમાં આવવાનું કહ્યું હતું ત્યારે અમારા મેનેજરને મેં વાત કરી તેથી મહારાજની કૃપાથી મને ઈન્ડિયાની ટિકિટ મળી ગઈ અને હું ઘરે આવ્યો ત્યાં દિવાળીબેનને વળગાડ અને મોટા અદાને પિતૃ આ બે ભેગું થયું અને પિતૃ કહે તું જૂનાગઢ જા તેથી મારો પણ મોક્ષ થાય પણ અમારા બાપાએ આનાકાની કરી પણ થોડીવાર પછી બાપુજી પણ આવવા તૈયાર થયા અને અમે જૂનાગઢ ગયા ને બાવમુકુંદ ભવનની સીડીના પગથિયા ચડ્યા ત્યારે મહારાજ સામે આવીને બોલ્યા કે, પરષોત્તમભાઈ તમે મસ્કતથી આવી ગયા. આમ મહારાજ બોલ્યા ત્યાં મને મહારાજમાં વિશ્વાસ થઈ ગયો કે આપણું કામ થઈ જશે. પછી અમે નાહીધોઈને મહારાજ પાસે બેઠા.મહારાજ અમારા બાપાને કહે, આમાં પિતૃ પણ ભેગા છે એટલે બાપાને પણ વિશ્વાસ બેઠો કે મહારાજ બહું મોટા છે.

મહારાજે હેમંતભગત પાસે પાણી મંગાવ્યું અને પાણીની અંજલી મારી ત્યાં પ્રકાશનો લિસોટો થયો અને બોલ્યા જાઓ ધામમાં પછી કહ્યું દિવાળીબેન ક્યાં છે ? મેં કહ્યું, એ નીચે ઊભા છે. મહારાજે પાણીની અંજલી તેમના પર મારી. ત્યાં વળગાડ કહે જાઉં છું, જાઉં છું. પછી મહારાજે અમને મંદિરમાં છેડાવાળી એવી રૂમ આપી કે મહારાજ તેમના રૂમની બહાર પાટ ઉપર બેસે ત્યારે દિવસમાં આઠ-દશ વાર મહારાજના દર્શન થાય આમ અમને ત્રણ દિવસ રાખ્યા.

મહારાજ કહે, હવે તું મસ્કત જતો રહેજે પછી મહારાજે પ્રસાદીમાં સોપારી આપી ને કહે એક દિવાળીબેનને ખવડાવજે, એક પૂજામાં રાખજે જે તને ટાઈમે કામ આવશે.

અમે એક વખત મારા સાળાની કાંણે જતા હતા ત્યારે અમારી ગાડીનું એક્તિસડન્ટ થયું તેમાં મારી પૂજામાં રહેલી સોપારીના ચૂરેચૂરા થઈ ગયા અને પૂજામાં કાચનો અરીસો હતો તેને કે મહારાજની મૂર્તિને કાંઈ ન થયું પણ સોપારીના ચૂરેચૂરા થઈ ગયા. આમ મહારાજે રક્ષા કરી હતી અને જેમ સોપારીના ચૂરેચૂરા થયા તેમ આ ખોપરીનાં ચૂરેચૂરા થાત પણ મહારાજે મારી ઘાત આ સોપારીમાં ઉતારી. ત્યારે મારી પાસે સોનાની વીંટી હતી તે મેં વિચાર કર્યો આપણે ન હોત તો આ વીંટી કોન પહેરત એટલે હવે મંદિરે આપી દેવી જોઇએ. ત્યાં મારી સાળી કહે મારે પણ રૂ.૧૦૦૦ની સેવા કરવી છે. પછી અમે ફુલવાડી મંદિરમાં સેવા કરી અને વીંટી મહારાજની મૂર્તિ બનાવવા સોનાની જરૂર હતી તે મૂર્તિની સેવામાં વપરાઈ.

મહારાજ મને કહેતા કે, મેં તને નવો જન્મ આપ્યો છે. હવે ભગવાન ભજી લેજે. આમ મહારાજના આશીર્વાદથી આજ વર્ષો થયા. અમે બંન્નો આ મુંબઇ કાંદિવલી મંદિરમાં સેવા-પૂજા કરીએ છીએ. આમ ભગવાન નિજ ભક્તોની રક્ષા કરે છે અને કરતા આવે છે. આમ પ્રગટ ભગવાનને ઓળખે અને ભજે તે મહાસુખીયા થઈ ભગવાનના ધામના સુખ ભોગવે છે.

એક વખત મારે ઇ.સ.૧૯૮૪માં દાસાલેન્ડ જવાનું થયું. ભગવાનજીભગત, પ્રાગજીબાપા, અંબાલાલભગત અમે દાસાલેન્ડમાં હતા ત્યારે મહારાજનો પ્રસાદીનો પત્ર આવ્યો. પત્રમાં જણાવ્યું હતું કે, તમે આ ૧૮ જણાં રૂ.૧૦૦૧ની સેવા કરજો તે તમારી રક્ષા કાજે સિદ્ધેશ્વર મહાદેવની પુજા નિમીત્તે અનામત રકમ મંદિરમાં રાખવાની છે અને લખ્યું કે, મધુ ધનજી રહી ન જાય. અત્યારે કાળના ઝપાટા બહું છે માટે રક્ષા થયા કરે. આમ અમે ૧પ૦૦-૧પ૦૦ રૂપિયા સેવા નાગધાવી. ત્યાં અબુધાબીમાં ભક્તોને સમાચાર મળ્યા એટલે એ ભક્તોએ પણ સેવા કરી. ત્યારે ર૮ ભક્તો થઈ રૂ.ર૮૦૮ની સેવા સિદ્ધેશ્વર મહાદેવના નામે સૌએ કરી અને અમે ડ્રાફટ બનાવી મહારાજને મોકલાવી દીધો.

એક વખત અમે છ-સાત જણ ક્રેનની નીચે કામ કરતા હતા અને ઉપરથી ક્રેનનો વાયર તૂટ્યો ને જેમ આકાશવાણી થાય તેમ અમને અવાજ સંભળાયો કે ક્રેન પડે છે જલ્દી આઘા ખસી જાઓ. તે અમે આઘા ખસી ગયા ને ક્રેન પડી. જો બે-પાંચ સેકન્ડનો વિલંબ થાત તો આ ક્રેન નીચે અમે દબાઈ જાત. આમ મહારાજે સેવા કરાવીને રક્ષા કરી. પછી મહારાજના પ્રસાદી પત્રમાં આશીર્વાદ આવ્યા કે, અમે તમારી રક્ષામાં છીએ.

એક વખત મેં ને આંબાભગતે દાસાલેન્ડ જવા માટે ઈન્ટરવ્યૂ આપ્યું પછી મહારાજના

દર્શન કરવા ગયા ત્યારે મહારાજ કહે, તારે દાસાલેન્ડ જવું છે. મેં કહ્યું, હા. મહારાજ કહે, ત્યાં રૂપિયા ઘણાં છે, તો તારે લોખંડની ખપારીથી ભેગા કરવા પડશે. મેં કહ્યું, બહું સારું. પછી મહારાજે અઢી થાપા માર્યાં ને કહ્યું, જા અઢી લાખ કમાઈશ. સેવા કરજે, ભક્તિ કરજે એટલે મને મનમાં સંકલ્પ થયો કે મારે મહારાજને રૂ.પ૦૦૦ હાથમાં આપવા છે. ત્યારે પ્રાગજીભગત કહે, તું આ દાસાલેન્ડના ફાળામાં લખાવજે. એટલે મેં કહ્યું ના મારે મહારાજને હાથોહાથ રૂપિયા આપવા છે, મારો સંકલ્પ છે. એટલે દાસાલેન્ડ છૂટી કાપીને આવ્યો ત્યારે ભક્તોએ રોકડ સેવા આપી હતી તે સેવા લઈ હું મહારાજ પાસે ગયો. ભક્તોની સેવા મહારાજને આપી અને અલગથી મેં મારા રૂ.પ૦૦૦ મહારાજને આપ્યા એટલે મહારાજ કહે, પણ આ રૂપિયા તારા બાલમુકુંદ ભવનની સેવામાં વપરાશે અને હવે ફુલવાડીમાં સેવા કરજે. મેં કહ્યું, મહારાજ કેટલી સેવા કરું. મહારાજ કહે રૂ.૧૦,૦૦૦ની સેવા કરજે. મેં કહ્યું, મહારાજ ૧૦,૦૦૦ નહિં પણ પ૦,૦૦૦ની સેવા કરવી છે. મહારાજ કહે, વાહ તો તો બહું સારું કહેવાય. પછી મેં બે વર્ષમાં રૂ.૬૦,૦૦૦ની સેવા ફુલવાડી મંદિરમાં કરી.

દાસાલેન્ડમાં હવે કંપની બધાને પેક કરતી હતી ત્યારે મને વિચાર આવ્યો જો મને હજુ ૧ર મહીના રાખેને તો મારે હજી એક પગાર સેવા કરવી છે. ત્યાં અમારા ગોરાએ બોલાવ્યો અને કહે, તમારે અબુધાબી જવાનું છે. મેં કહ્યું, ઓકે. આમ ભક્તોના સંકલ્પ જાણી ભગવાન ભક્તોની મનોકામના પૂરી કરે છે. સમય જતાં મારો ગોરો શેઠ બદલી ગયો ને મારે છ મહિના જ રેવાનું થયું. ત્યારે જે મહારાજ બોલ્યા હતા કે તું અઢીલાખ કમાઈશ તે મારી અઢીલાખ કમાણી થઈ ગઈ ને મારે દેશમાં આવવાનું થયું, મારો પાસપોર્ટ પૂરો થયો.

એક વખત અમે મહારાજ પાસે બેઠા હતા ત્યારે મેં કહ્યું, મહારાજ મારે સાઉદીયા જવું છે. મહારાજ કહે, તારે ઈરાક અને બગદાદ જવાનું છે. આમ મહારાજે મને બગદાદ અને ઈરાક મોકલ્યો. ત્યાં ભગવાનજીભગત ભેગાં હતાં તે મને મહારાજને સ્નાન કરાવવું, આરતી ઉતારવી, હાર પહેરાવવા અને કેમેરો સારો લઈને ફોટા પાડવા, મહારાજની સેવા કરવી, ચિન્હના દર્શન કરવા. એમ ઘણું ઘણું ભગત શીખવાડતા અને એ બધાં લાભો ભગવાને મને આપ્યા. કુંકાવાવમાં ઇ.સ.૧૯૭પમાં મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ત્યારે તેમાં મોટાભાઈ રામજીભાઈએ રૂ.પ૦૦ની સેવા કરી હતી તે સેવાના પ્રતાપે અમે ત્રણ ભાઈ મહારાજના શરણાગત થયા.

હું ઈરાકમાં હતો ત્યારે ઈરાક-ઈરાનની લડાઈ ચાલુ હતી ત્યારે બાગબ બહુ પડતા

તેથી મહારાજને પત્ર લખ્યો મહારાજ અહીં લડાઈ ચાલુ છે ને બાગબ પડે છે, અમે શું કરીયે. મહારાજનો જવાબ આવ્યો, તમારા માથે બાગબ નહીં પડે. અમે રક્ષા કરીશું. પછી એમ બે વર્ષ પૂરા કરી મહારાજના દર્શને ગયા ત્યારે કહ્યું મહારાજ ત્યાં તો બાગબ બહુ પડે છે. મહારાજ કહે, તારા ઉપર પડ્યો ? આમ હું મહારાજની પાઘવાળી મૂર્તિ સાથે જ રાખતો તેથી ક્યારેય કોઈ આફત આવી નથી. મહારાજે બહું રક્ષા કરી છે. આમ આ ભગવાન માટે જેટલું કરીયે એટલું ઓછું છે. જાણે ભગવાન અનેકરૂપ લઈ ભક્તો ભેળા જ છે.

મુંબઈમાં કાંદિવલીમાં પ્રગટ ભગવાનનું મંદિર બનાવ્યું ત્યારે મહારાજની ચિન્હવાળી મૂર્તિ મંદિરમાં અને બાલમુકુંદદાસજી સ્વામીની મૂર્તિ બાજુમાં હતી, તો ત્યાંનાં સત્સંગી કહે, બાપને તો બહાર બેસાડ્યા છે. એ યોગ્ય ન કહેવાય. આમ સત્સંગમાં વાદ-વિવાદ થતો તેથી અમારો મહારાજનો સત્સંગ અલગ થતો અને ત્યારપછી શ્રીહરિ શરણાગતિ મંડળની સ્થાપના થઈ. પહેલા ઘર ઘર સભા થતી એ હવે મંદિરે સભા થવા લાગી અને ભક્તોએ મળીને આ મંદિરની જગ્યા વેચાતી લઈ શ્રીહરિ શરણાગતિ મંડળના નામે કરી.

આમ આપણાં ભક્તોને આ મંદિરની જગ્યા ઘણાં આશરારૂપ થઈ. ભક્તો વિદેશ જતા એટલે અહીં મંદિરે રોકાતા અને પ્રગટ ભગવાનનો સત્સંગ થતો જેથી ઘણા ભક્તોને સમજણ-બળ અને પ્રગટ ભગવાનની ઓળખાણ થઈ. અહીં પ્રાગજી ડાયા, અંબાલાલભગત, દેવરાજ ડાયા, મોટા મોટા ભક્તો પ્રગટ ભક્તિના પાયાના પથ્થર સમાન હતા. હરિલાલ મેપા, કેશવજી હરિ અને કેશવજીબાપા ઘણાં ઘણાં ભક્તો પ્રગટ ભગવાનને ઓળખતા ને બીજા જીવોને મહારાજ ઓળખાવતાં.

વિદેશમાં અમે કામ કરતા ત્યારે ત્યાં ગરમી બહું હતી એટલે ઘણી વખત ગુલાબની બહુ સુગંધ આવતી. એક વખત સ્વપ્નમાં મહારાજે દર્શન દીધા ત્યારે મારે કંઠી ગળામાં હતી નહીં ત્યારે મેં કંઠી માંગી તો મહારાજે તેની ડોકમાં પહેરેલી કંઠી મને ગળામાં પહેરાવી હતી.

એક વખત અમે જૂનાગઢ ગયા, વહેલી સવારનો સમય હતો, મંદિર પણ ખૂલ્યું ન હતું અને હું અને મુકેશ મહારાજની વાતો કરતા હતા ત્યારે મહારાજે હેમંતભગતને કહ્યું, દરવાજો ખોલો બહાર ભક્તો બેઠા છે. હેમંતભગતે દરવાજો ખોલ્યો અમે મહારાજ પાસે આવ્યા. ત્યારે મહારાજ દાતણ કરતા હતા. અમે મહારાજને કહ્યું, મહારાજ તમને નવરાવવા છે. મહારાજ કહે, હાલ હાલ એમાં શું. એટલે હું મહારાજને નવરાવવા મંડ્યો, મુકેશ દરવાજે ઊભો હતો ત્યારે મેં બે લોટા પાણી રેડ્યું ત્યાં મહારાજ કહે, આ મુકેશને દે લોટો.મેં કહ્યું,

મહારાજ એ નાનો છે તમને લોટો લગાડી દેશે. મહારાજ કહે એ નવરાવશે અને વગાડશે તો મને વાગશે કે તને ? પછી મુકેશને બોલાવ્યો અને મુકેશે મહારાજને નવરાવ્યા. આમ મહારાજની સેવા જીવન પર્યંત ભૂલાય નહીં એવી રીત મહારાજ વાપરતા.

એક વખત અમે દાસાલેન્ડથી આવી મહારાજના દર્શને આવ્યા ત્યારે ભક્તોએ સેવા મોકલી હતી તે હેમંતભગત-કોઠારી સ્વામીને જે જે પ્રમાણે સેવા હતી તે તે સેવા તેમને આપી પછી મેં મહારાજને અલગથી સેવા આપી ત્યારે મહારાજ બોલ્યા, આ વખતે મારું દાસાલેન્ડ ફળિયું, ઓલી વખત ૧રમાંથી ૪ ભક્તો ભગવાનજી ભગત, મધુભગત, પ્રાગજી ડાયા અને ટપુલાલ ભગતે જ સેવા કરી. જ્યારે આ વખતે બધા ભક્તોએ સેવા કરી તો મહારાજ બહુ રાજી થયા. ત્યારે ફુલવાડીનું કામ જોરશોરથી ચાલું હતું અને દાસાલેન્ડમાં કમાણી સારી હતી. મહારાજ કહે, પેલી વખત દાસાલેન્ડમાં ૧૩ ફુગ્ગા ઉડાડ્યા હતા. તેમાં એકને ધક્કો મારીને ચઢાવ્યો હતો. આમ મહારાજના જ આશીર્વાદથી બધા લાભ હતા પણ મહારાજ કહેતા રૂપિયા દેવાને કાળજું દેવું બેય બરાબર. આ તો જેણે જેણે મહારાજને ઓળખ્યા હોય તે તે સેવા કરી શક્યા છે.

બાલમુકુંદ ભવનના વાસ્તામાં જેણે જેણે સેવા કરી તેને મહારાજે અક્ષયપાત્ર (થાળી-વાટકો) આપ્યા હતા. તે મેં જે સંકલ્પથી પ૦૦૦ રૂ.ની સેવા કરી ત્યારે મહારાજે એ સેવા બાલમુકુંદ ભવનમાં વાપરી હતી તેથી મહારાજે મને પણ થાળી-વાટકો (અક્ષયપાત્ર) પ્રસાદીના આપ્યા હતા.

એક વખત હું વિદેશથી આવ્યો ત્યારે સાત ગંજીયા ભગવા લઈ આવ્યોને મહારાજને આપ્યા. ત્યારે મહારાજે એ ગંજીયા બધા પહેર્યાં અને મને આપવા લાગ્યા ત્યારે મેં કહ્યું,મહારાજ તમારા માટે જ લાવ્યો છું. મને એક જ પ્રસાદીનું આપો. મહારાજે પછી ૧ ગંજીયું - ધોતીયું આપ્યું અને એક સાડી પણ મહારાજે પહેરીને પ્રસાદીની કરી આપી અને મહારાજે ચિન્હના દર્શન કરાવ્યા. પેન્ટ-શર્ટ પણ પ્રસાદીનું કરી આપ્યું, દાતણ આપ્યું, મહારાજનું આસન આપ્યું. આમ મહારાજની પ્રસાદીની ઘણી વસ્તુઓ મળી આપી.

એક વખત અમે દાસાલેન્ડમાં હતા ત્યારે ભગવાનજી ભગતનો કાગળ આવ્યો કે, હવે એક લાલજી છે. તો કોઈને જોઈતા હોય તો કહેરાવજો. એટલે ભગવાનજી ભગતે મને કહ્યું, તમારે લાલજી લેવા છે ? બીજા ભક્તોના લાલજી જોઈને મેં હા પાડી. અમે દેશમાં આવ્યા, ફુલવાડી ગયા. કસ્તુરબેનના કહેવાથી હિરાબાપાએ અમને લાલજી આપ્યા. ત્યારે

અમે લાલજી લીધા પણ મનમાં વિચાર આવ્યો કે છોકરા નાના છે અને લાલજીની સેવા કેમ થાશે ? ત્યાંથી અમે કુંકાવાવ દર્શને ગયા. ત્યાંથી જૂનાગઢ આવ્યા. લાલજી મહારાજનું મહારાજને કીધું, મહારાજ લાલજી તો લઈ લીધા પણ છોકરા નાના છે અને ઘરમાં જોગ-અવજોગ હોય પાપ લાગે. ત્યારે મહારાજ કહે, તું લાલજી લઈ જા. અમે તારા છોકરાનું એઠું પણ જમી લેશું. પણ એમની સેવા-પૂજા કરજો. એમ કહી લાલજી મહારાજની મહારાજે બે દિવસ પૂજા કરી અને લાલજી અમને આપતી વખતે લાલજી મહારાજને કહ્યું, ભક્તોની રક્ષા કરજો, કમાણી આપજો અને છોકરાઓને સાચવજો.

એક વખત અમે દુબઈ બોગસ કંપનીમાં ગયા અને ૧પ દિવસમાં ખલીવલી થઈ ગયો તો ત્યાં હું પકડાઈ ગયો. ત્યારે મારી પાસે જૂનું પતાકું હતું તે પોલીસને બતાવ્યું તે મને છોડી મૂક્યો. ભક્તોને વાત કરી તો ભક્તો કહે, તમારે આમ ગલીઓમાંથી આવવું. એ બાજુ ચેકિંગ હોય જ છે.

એક વખત મને વિચાર આવ્યો આપણે ૧૮ જણા ખલીવલી છીએ અને દર મહિને રપ હજાર કમાણી છે તો આપણે સેવા વિશેષ કરવી જોઈએ. આમ મેં ભક્તોને વાત કરી ભક્તો બધા એગ્રી થયા ત્યારે એમ થયું કે આમાં ચાર લાખની સેવા થાય તો સારી ત્યારે મહારાજની દયાથી આઠ લાખનો ફાળો થયો. ત્યારે ફુલવાડીમાં રૂપિયાની જરૂરત હતી અને કામ થઈ ગયું. મહારાજ કહેતા દુબઈ મારી ડંકી છે. માટે જેટલું જોઈએ તેટલું તેમાંથી કાઢી લઉં.

મહારાજની કૃપાથી દુબઈમાં ભક્તોને કોઈ જાતની તકલીફ નથી થઈ. મહારાજ રક્ષા એવી કરતા. એકવાર એવું બન્યું કે સભામાં જવા એક ટેકસી ભાડે કરી અને ૩૦૦ રૂપિયા નક્કી કર્યાં હતાં. ત્યારે એ ટેકસીવાળો અમારી રૂ.રપ૦૦૦-રપ૦૦૦ની સેવા જોઈને કહે કે, મારે તમારું ભાડું નથી જોઈતું અને બીજા પ૦૦ રૂપિયા સેવા લખાવી. આ રીતે ટેકસીવાળાને પણ સેવાનો લાભ મળ્યો.

એકવાર અમે લક્ષ્મીનારાયણ સંહિતા મહારાજ પાસેથી મંગાવી ત્યારે ૬૦૦ રૂપિયામાં આવી. અને અમે મહારાજ પાસે ગયા ત્યારે શિક્ષાપત્રી-પ્રભુઓકા વૃત્તાંત એમ ત્રણ પુસ્તક પ્રસાદીના આપ્યા. અને મેં મહારાજને કહ્યું, મહારાજ મારે મકાન કરવું છે. મહારાજ કહે, હા મકાન તો કરવું જોઈએ. પછી મકાનનો પ્લોટ લીધો ને મહારાજને મુહૂર્તનું કહ્યું, ત્યારે કારતક સુદ અગિયારસને શનિવાર સવારે ૭-૩૦ થી ૧ સુધી શુભ મુહૂર્ત આપ્યું અને

નામ પરમધામ રાખવા કહ્યું. પછી મહારાજે પૂજાની મૂર્તિઓ બધી છાતીમાં ભીડી ભીડીને પ્રસાદીની કરી આપી અને બોલ્યા, જુઓ કેવો રૂપાળો લાગું છું. પછી અમને સાકરના ગાંગડા પ્રસાદીના આપ્યાં. પછી મહારાજે આશીર્વાદ આપ્યા કે, ભક્તિ કરજો, ધામની કમાણી કરજો. અમે છોકરાઓનું ધ્યાન રાખશું તમારે સેવા ભક્તિ કરવી.

એક વખત મુકેશને દિવાળીબેન જૂનાગઢ મહારાજના દર્શન કરવા ગયા. તે એક ભાઈ પાસેથી રૂ.પ૦૦૦ લેવાના હતા તે લઈને અમે જૂનાગઢ ગયેલા ત્યારે મહારાજે અમને ત્યાં ઉપર જ થાળ જમાડી દીધો અને કહ્યું કે, અત્યારે જ ઉપડોને સીધા મુંબઈ જજો. નહીં તો અમારો વિચાર નવસારી જવાનો હતો પણ મુકેશ કહે, બા મહારાજે સીધા મુંબઈ જવાનું કહ્યું છે તો અમે સીધા મુંબઈ આવ્યા.

અમારી પાસે મહારાજના નખ છે, મહારાજના વાળ છે, મહારાજના અસ્થિ છે. મહારાજ ધામમાં ગયા ત્યારે અમે એક મહિનો સેવામાં રોકાયા હતા. મહારાજ ધામમાં ગયા ત્યારે અમારું મકાનનું કામ નવસારીમાં ચાલતું હતું ત્યારે મને કાંઈ ગમતું જ નહોતું, ખાવાનું ન ભાવે, કાંઈ મજા જ ન આવે. આમ ભગવાનની પ્રેમ ભાવના વડે ભજન કરતા હતા. મહારાજની દયાથી એક દિકરો મુકેશ અને ત્રણ દીકરી બધા મહારાજની દયાથી પ્રગટ ભગવાનનું ભજન-સેવા કરે છે અને બધા આનંદમાં છે.

અનાદિ મુકતરાજ મુકેશભગત પરષોત્તમભગત ટાંક

ગામ ઃ જીરાગઢ, હાલ- મુંબઈ

હું મારા બાપુજી પરષોત્તમભગત સાથે મહારાજના દર્શને જૂનાગઢ જતો ત્યારે મહારાજ બાજુમાં ડબરો રાખતા તે ડબરાનું ઢાંકણું ઘણીવાર એની જાતે જ ખૂલી જતું પછી મહારાજ મને સાકરનો ગાંગડો ખવડાવતા.

હું નાનો હતો ત્યારે મને પેટમાં દુઃખતું હતું તેથી ડૉક્ટર કહે, આને એપેન્ડિકસ છે, તે મહારાજ પાસે ગયા મહારાજ કહે, ક્યાં દુઃખે છે. મહારાજે પેટ પર હાથ રાખ્યોને બાપુજીને કહ્યું, આને બે વર્ષ પછી ઓપરેશન કરાવી દેજો. અત્યારે નાનો છે આમ આશીર્વાદથી બે વર્ષ કાંઈ ન થયું. બે વર્ષ પછી દુઃખાવો થયો ને ઓપરેશન કરાવ્યું. પછી મેં મહારાજનું ધોતીયું નીચોવીને પાણી પીધું. તેથી સાવ સારું થઈ ગયું.

એક વખત હું મહારાજ પાસે ગયો ત્યારે મને કહ્યું કે, પેલું પુસ્તક લાવ અને એ બિલોરી કાચ પણ લેતો આવજે. આમ પુસ્તકમાં બતાડતા જાય અને બિલોરી કાચ રાખી ચિન્હના દર્શન કરાવતા જાય. ત્યારે મારી ઉંમર નવ વર્ષની હતી.

મહારાજ બહું વ્હાલ કરતા અને ક્યાંય મુંઝાઈ જઈએ તો લાલજી મહારાજ પાસે બેસી માળા કરીએ ત્યારે ઉકેલ મળી જાતો. ભક્તો મુંબઈ આવતા ત્યારે ભક્તોને અમારા જેવું કાંઈ કામ હોય વિદેશથી ભક્તો આવતા કે જતા ત્યારે ભક્તોને અમે અમારી સમજણે ભક્તોની સેવા કરતા. એરપોર્ટ જવું, બજારમાં જવું, જરૂરી સેવા કરતા. સૌ ભક્તો અહીં કાંદિવલી મંદિરે આવતા એટલે તેમને મદદરૂપ થતા. આમ મહારાજની કૃપાથી ભક્તોની દયાથી આજે સૌ અનુકૂળ છે અને અમારા અહોભાગ્ય કે,પ્રત્યક્ષ પ્રગટ ભગવાનની સેવા મળી, દર્શન કર્યા. પ્રગટના મુક્તોની સેવા મળી. ફુલવાડી-કુંકાવાવમાં સેવાઓ તન-મન-ધન વડે થઈ. ભગવાનની અપાર કૃપા કહેવાય. વિદેશમાં ભગવાને બહુ રક્ષા કરી વિદેશમાં ભક્તોનો સમાગમ મળ્યો તેમાંય ભગવાનજી રાજાએ ઘણું ઘણું અમને માર્ગદર્શન આપ્યું. ભગવાનને રાજી કરવાની રીત સમજાવી. આમ પરમધામાધિપતિ અનાદિ શ્રીકૃષ્ણનારાયણ આપણને મળ્યા તેનો આનંદ અપાર છે.