પરચા ૬૦

અનાદિ મુક્તરાજ માવજીભગત મનજીભગત રાઠોડ

પ્રાગટયભૂમિ - ફાટસર, હાલ- પૂના

મારા માતુશ્રીનું નામ ઉજમબેન અને પિતાશ્રીનું નામ મનજીભાઈ પોપટભાઈ રાઠોડ. અમારે રામાનંદી સત્સંગ હતો. પરંતુ મારા માતુશ્રી અને મોસાળને સ્વામિનારાયણ સંપ્રદાયનો સત્સંગ હતો. જામનગરમાં મહારાજ હતા ત્યારે સ્વામિનારાયણ ભગવાનના મોટા સંત તરીકે ઓળખાણ હતી. જેથી મારા માતુશ્રીને લઈને અમે પણ સ્વામિનારાયણના સત્સંગી થયા.

એક વખત પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ જામવંથલી આવેલા ત્યારે હું મારા માતા-પિતા સાથે જામવંથલી આવ્યો હતો ત્યારે મારી ઉંમર આઠ વર્ષની હતી. મહારાજ જામવંથલીમાં કથા વાંચવા આવ્યા હતા અને સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠાનો પ્રસંગ હતો ત્યારે મારા નાના રવજી ભોજા મકવાણાના આમંત્રણથી મારા નાનાને ઘેર મહારાજ પધરામણીએ આવેલા ત્યારે હું ત્યાં હતો અને નાનાએ મહારાજને કહ્યું, મહારાજ આ માવજી અમારો ભાણેજ છે તેને કંઠી બાંધી આપો. આમ મહારાજે ચાંદલો કરી મને કંઠી બાંધી. ત્યારે મેં પણ મહારાજને ચાંદલો કર્યો અને મારા નાના કહે, મહારાજને ધોતિયું ઓઢાડો. એટલે ધોતિયા નિમિત્તે એક રૂપિયો મહારાજના ચરણે મૂક્યો ત્યારે મહારાજે વાંસો થાબડીને આશીર્વાદ આપ્યા.

ત્યારબાદ હું આઠમું ધોરણ ભણવા જામવંથલી આવ્યો. ત્યારે મહારાજ જામવંથલીમાં હતા. ત્યારે અમારા નાનીબા દરરોજ દૂધનો કળશિયો મહારાજને દેવા અમને મોકલતા અને મહારાજ અમને સાકરનો ગાંગડો આપતા અને અમે રાજી થાતા. રાત્રો ખીચડી જમીને મંદિરે જતા ત્યારે મહારાજ ઢોલિયા ઉપર સૂતા હોય અને અમે મહારાજની ચરણસેવા કરતા. ભણવાનું તો બહુ થયું નહીં એટલે કામ શીખવા અમે પૂના આવ્યા. પૂનામાં શરણાગતિ મંડળના ભક્તોનો સમાગમ થયો જેથી મહારાજ પોતે ભગવાન છે એમ સત્સંગ થયો અને મહારાજના પરચાની વાતોથી અમે પણ મહારાજને ભગવાન માનવા લાગ્યા. ત્યારે ઇ.સ.૧૯૭૧માં મારા લગ્ન થયા તેથી ફુગેવાડી કુટુંબ સાથે રહેવા લાગ્યા ત્યારે દરરોજ ભક્તો સાથે સમાગમ થતો. આમ અમે દોઢ-બે વર્ષે દેશમાં જતાં ત્યારે જૂનાગઢ મહારાજના દર્શન કરવા જતા અને મહારાજને હાર પહેરાવતા, આરતી ઉતારતા અને બે રૂપિયા,

પાંચ રૂપિયા મહારાજને ચરણે ધરતા. આમ જ્યારે જ્યારે મહારાજ પાસે જતા ત્યારે ત્યારે મહારાજની પૂજા કરતા. મહારાજને નવડાવતા, ચરણસેવા કરતા અને મહારાજ કુટુંબની સંભાળ પૂછતા, ભક્તોના સમાચાર પૂછતા અને ઉપદેશની વાતો પણ કરતા.

એક વખત ઇ.સ.૧૯૭૬માં અમે જૂનાગઢ ગયા ત્યારે મહારાજ ભકતોને મંત્ર દિક્ષા આપતા હતા ત્યારે મહારાજે મને પણ સંત દિક્ષા આપી અને મંત્ર આપ્યો અને એ મંત્ર લખીને પણ આપ્યો. જે આજે હાલ મારી પૂજામાં છે અને એક ભગવું કપડું લેવાનું કહેલ જે અમે બજારમાંથી એક ભગવો શર્ટ લાવ્યા તે મહારાજે પ્રસાદીનું કરી આપ્યું અને મહારાજે ઉપદેશ આપ્યો કે, આ આંબો રોપ્યો છે તો આંબામાં આંબો જ થાય, તેનો લીમડો ન થવા દેતા. મહારાજની કૃપાથી આજે આખું ઘર દિકરા, વહુ, પૌત્ર-પૌત્રી સહું મહારાજને રાજી થઈને ભજે છે. એક વખત મને અલ્સર થયેલું ત્યારે મહારાજ પાસે જૂનાગઢ ગયા. મહારાજની પૂજા કરી ફળફ્રુટ જમાડ્યા અને મહારાજ કહે, કેમ છો ? ત્યારે આ અલસરની વાત કરી તો મહારાજે ચતો સુવાડી છાતી ઉપર પગ રાખ્યો અને અંગૂઠાને પકડી ખગચ્યો અને સાકરની પ્રસાદી આપી આશીર્વાદ આપ્યા, જાઓ સારું થઈ જશે. તો તરતજ સારું થઇ ગયું.

થોડા સમય પછી અમારા બાની તબિયત સારી ન રહેતી તેથી અમે રાજકોટ રહેવા જતા રહ્યા. ત્યારે અમારા બાને લઈ અમે જૂનાગઢ ગયા સાથે મારા બેન અને મારા નાના સાથે હતા. મહારાજ પાસે જઈ વાત કરી મહારાજે પ્રસાદી અમારા બાને આપી તો સારું થઈ ગયું અને એક દોઢ વર્ષ રહ્યા.અમારા બા ધામમાં ગયા એટલે તેમના ફુલ પધરાવવા જૂનાગઢ ગયા. દામોદર કુંડમાં પૂજા કરી સ્નાન કરીને મહારાજ પાસે દર્શન કરવા ગયા. એટલે મહારાજ કહે, આ ટકો કેમ કરાવ્યો છે ? ત્યારે બાની વાત કરી તો મહારાજ કહે, તમારા બાને અમે ધામમાં તેડી ગયા છીએ.

જ્યારે બાલમુકુંદ ભવનનું કામ ચાલું હતું અને અમે રાજકોટ હતા. ત્યારે ટપુલાલભગત અમારા ઘરે આવ્યા અને કહે, તમારે બાલમુકુંદ ભવનમાં પ્લાસ્ટરના કામમાં આવવું પડશે. ત્યારે હાજરી તો સાવ ઓછી હતી. ઘર નબળું પણ ઘરના કહે જાઓ અત્યારે સેવાનો અવસર છે તો સેવા કરી આવો, કમાણી તો થયા કરશે. આમ અમે જૂનાગઢ બાલમુકુંદ ભવનનું કામ કરવા આવ્યા. ત્યારે બન્યું એવું કે વિદેશથી ભક્તો આવતા અને ડિઝાઈન-ફુલ બનાવતા. આમ કામમાં વાર લાગતી ત્યારે રાઘવજીબાપા પોરિયા કામ ઉપર ધ્યાન રાખતા. રાઘવજીબાપાને વાત કરી કે, કામ બહુ નીકળતું નથી તો આપણે કેમ કરવું

? આમને આમ કેટલા દિવસો થઈ જશે. ત્યારે દયાળજીભગતને અમે જોડીમાં કામ કરતા હતા ને દયાળજીભગતને ઓધવજીભગત અમે વિચાર કર્યો કે આપણે મહારાજને વાત કરીએ. ત્યાં સાંજે મહારાજે સૌ ભક્તોને રૂમે બોલાવ્યા. ત્યારે દયાળજીભગત કહે, હાલો આજ મહારાજ કાંઇક ઇનામ આપશે. એટલે અમે સૌ ભક્તોની પાછળ પાછળ ગયા અને ઓધવજીભગત મરક મરક હસતા હતા.

આ પહેલાં રાઘવજીબાપાને વાત કરી એટલે રાઘવજીબાપા કહે આ ભક્તો સૌ સેવામાં આવેલા છે એટલે તેને કાંઈ ન કહેવાય. આમ અમે મૌન થઈ ગયા ને અમે સૌ મહારાજ પાસે ગયા. ખુશ થતાં થતાં મહારાજે સૌને બેસાડ્યા અને કહ્યું કે, તમે કેટલા જણા છો અને સાંજે રોજ કેટલું કામ કરો છો ? ત્યારે જીરાગઢના રામજીભગત કહે, મહારાજ નકશીકામ કરવાનું એટલે વાર તો લાગે ને. ત્યાં મહારાજ બોલ્યા તને એકથી સો સુધી ગણતા આવડે છે. આ બાલમુકુંદ ભવનમાં મહારાજના રૂમમાં પચાસેક ભક્તોએ કામ કર્યું છે. એટલે મહારાજ કહે આટલો બધો સમય થયો હજુ કામ આગળ હાલતું નથી. મહારાજ બેઠાં હતા તે ઊભા થયા ને બોલ્યા. લાવો તગારું ને લાવો માલ ને આ થાપીથી આમ હાથ કરી કહે કે, આમ માલ મારવો ને આમ પટ્ટી ફેરવાય. આ થઈ ગઈ દિવાલ પ્લાસ્ટર. આમ મહારાજે દિવ્ય દર્શન આપી બધાને રમુજ કરાવી અને ઉપદેશ આપ્યો ને બીજા દિવસથી ફટાફટ કામ થવા લાગ્યું. મહારાજ કહે, તમારા વજન ૮૦-૮૦ કિલોના છે, બધા મેડા પરથી નીચે પડો એમ છો પણ આ મારી કલમનો ટેકો છે ને તે મેડાને આપ્યો છે તેથી કામકાજમાં સર્વપ્રકારે તમારી રક્ષા થાય છે. આમ મહારાજે અનુસંધાન આપ્યું કે, તમે વિદેશમાં ગોરાઓની જેમ રહ્યા છો, અને સુખીયા થયા છો.

અમે દરરોજ કામ કરી સાંજે મહારાજ પાસે જતા અને મહારાજની સેવા કરતા. મહારાજ બહું રાજી થતા જ્યારે પ્લાસ્ટરનું કામ પૂરું થયું તે દિવસે અમે મહારાજ પાસે રાત્રો બેઠા હતા. ત્યારે મહારાજ અમોને જોઈને કહે, તમે હેતના ટેભાથી મારો બંગલો બાલમુકુંદ ભવન બહુ સરસ બનાવ્યો છે, હું બહું રાજી છું. તમે બધા મારા વ્હાલા છો. ધામમાં દરેક ભક્તોને એક એક બંગલો, એક એક વિમાન તમારે માટે તૈયાર છે. આમ મહારાજે અંતરના આશીર્વાદ આપ્યા. થોડીક સેવામાં કેટલું મોટું ફળ આપ્યું, ધામના નિવાસી કરી દીધા.

પછી તો અમે રાજકોટ આવ્યા અને રાજકોટથી પાછા પૂના આવ્યા. ત્યાં ટપુલાલભગત આવ્યા અને કહે, બહેરીન આવવું છે. ત્યાં બહેરીનનું કેન્સલ થયુ અને સાઉદીયાનું નક્કી થયું

તો મેં ના પાડી અને મામાનું કામ ચાલતું હતું ત્યાં કામ કરવા સાઈડ પર ગયા. ત્યારે અમને સાઈડ ઉપર સમાચાર મળ્યા કે મહારાજ ધામમાં ગયા. એટલે મેં કહ્યું, મામા મારે જૂનાગઢ જાવું છે ને ઘેર આવી તૈયાર થયો. મામા કહે, મારેય આવવું છે. ફુગેવાડીથી ભક્તોને સમાચાર મળ્યા એટલે એ બધાં નીકળી ગયા હતા. અમે બસમાં મુંબઈ આવ્યા. ત્યાંથી રાજકોટને અને ત્યાંથી જૂનાગઢ આવ્યા. ત્યારે મહારાજને ચોકમાં ખુરશી સિંહાસન ઉપર બેસાડ્યા હતા ને કોઠારી સ્વામી હાર પહેરાવતા હતા અને પછી મહારાજની પૂરી વિધી થઈ ત્યાં સુધી રોકાયા હતા. આમ રાજકોટ-જૂનાગઢ જ્યારે જ્યારે મહારાજના દર્શન કરવા જતા ત્યારે ત્યારે મહારાજને હાર પહેરાવી પૂજા કરતા અને ફળ ફ્રુટ ધરાવતા, મહારાજ બહુ રાજી થતાં.

મારે એક્તસીડન્ટ થયેલ તેના વીમાના રૂપિયા દસ વર્ષ પછી એક લાખ એંસી હજાર આવ્યા. મેં સંકલ્પ કરેલો કે, આ રૂપિયામાંથી કુંકાવાવ માં સેવા કરવી છે. એટલે બ્રહ્મપેલેસના પ્રમુખ વિઠ્ઠલભગતને વાત કરી કે મારે આવી રીતે રૂપિયા આવવાના છે ને મારે આ બ્રહ્મપેલેસમાં સેવા કરવી છે. બ્રહ્મપેલેસ મંદિરનો નકશો તો બે વર્ષ પહેલાં આવી ગયેલો. એટલે વિઠ્ઠલ ભગતને કહ્યું, તમે મંદિરનું કામ ઝટ ચાલું કરો તો ભક્તોની સેવા આવવાનું ચાલું થાય ત્યારે બ્રહ્મપેલેસનું મંદિરનું ખાતમુહૂર્ત આવ્યું ને અમે રૂપિયા એક લાખ લઈને રેલવેમાં નીકળ્યા તો ત્યારે ચેકિંગ ચાલતું હતું અને મારી સૂટકેશમાં રૂપિયા એક લાખ હતા. મહારાજની કૃપાથી અમને ચેક ન કર્યા ને જવા દીધા. અમે ગાડીમાં અમદાવાદ પહાગચ્યાં ત્યાં ગાડીમાં પાછું ચેકિંગ આવ્યું. અમે જ્યાં બેઠા હતા ત્યાં પોલીસ આવી અને કહે, તમારો સામાન બતાવો. મારી બેગ સીટ નીચે હતી. ત્યારે હું બેઠો થયો ને મારો જે પગ તે મારા પગમાં ફીટ કરવા લાગ્યો ત્યાં એક સાહેબ કહે રહેવા દો કાકા. કાંઈ વાંધો નહીં. આમ અમે હેમખેમ અહીં પહાગચ્યા. જો સુટકેસની તપાસ કરી હોત તો આ રૂપિયા ક્યાંથી આવ્યા ને આટલા બધા રૂપિયા સાથે કેમ છે ? આ બધું લંબાણમાં પડી જાત. આવા આવનારા વિધ્નોથી મહારાજે બચાવ્યા.

કુંકાવાવ ખાતમુહૂર્તમાં ભક્તો ભેગા મળીને સુખશૈયાના શિખરની સેવામાં મારું નામ બોલાયું ત્યારે મેં ભક્તોને કહ્યું, મારી પાસે રૂપિયા નથી અને આ આટલી સેવા હું ક્યારે ભરી શકીશ ? હું આ લાખ રૂપિયા આપું છું અને લાખ રૂપિયા પછી આપી દઈશ અને આ મારી બે લાખની સેવા તમે ભલે શિખરમાં વાપરો પણ બીજો દાતા મળે તો તેની સેવા લઈ લ્યો. મને કાંઈ વાંધો નથી મારે આ વીમાના રૂપિયા છે તે આ બ્રહ્મપેલેસમાં સેવા કરવી છે. એટલે

ભક્તો કહે, ના ના તમારા નામે જય બોલાઈ ગઈ છે. એ આ શિખરની સેવા તમારી. એટલે મેં મહારાજને પ્રાર્થના કરી મહારાજ મારી પાસે જે હતું તે તમારે ચરણે ધરી દીધું છે. હવે તમે લાજ રાખજો. તમારા શરણે છું.

પછી તો સમય જતાં બ્રહ્મપેલેસમાં સુખશૈયા શિખરની સેવા કળશમાં દશ તોલા સોનું તથા સુખશૈયા મૂર્તિ સંપૂર્ણ શિખરની સેવા થઈ ગઈ સાથે સાથે સુખશૈયા શિખરમાં બાંધકામ તથા પ્લાસ્ટરની અંગ સેવા પણ થઈ. આમ મહારાજે આપણી પ્રાર્થના અને આપણી આ સેવામાં પાર પાડી દીધાં. આ પણ એક મોટો ચમત્કાર જ ગણાય. ભગવાન ભક્તો ભેળા છે, એ આ પ્રમાણ કહેવાય.

મહારાજની કૃપાથી મારા કુટુંબમાં ચાર દિકરા તેને મહારાજે કંઠી બાંધી છે. મહારાજના ખોળામાં રમેલા છે અને મહારાજે નામ આપ્યા છે. પહેલા મોટા દિકરાનું નામ દિલસુખ (દિનેશ) બીજા દિકરાનું નામ ઘનશ્યામ અને ત્રીજા દિકરાનું નામ ધર્મેશ, ચોથા દિકરાનું નામ ઉમેશ. તેમાં પ્રથમ નામ જે લખ્યા હતા તે નામ જ અમે રાખ્યા. આમ ભગવાનના આશીર્વાદથી આખું કુટુંબ મહારાજનું શરણાગત છે અને સૌ આનંદ અને ભગવાનનું સુખ લ્યે છે અને બીજું કે મહારાજની કૃપાથી આપણે મહારાજ પાસે કોઈ સુખ-સગવડ કામકાજ કે સુખ-દુઃખમાં કયારેય મહારાજને ફરિયાદ કે પ્રાર્થના કરી નથી અને પ્રાર્થના કરી છે તો મહારાજ તમારી સેવા અને ભક્તિ-દર્શન તથા કુટુંબ સદા તમારા ચરણોમાં રહે એ જ પ્રાર્થના કરી છે. ક્યારેય પુત્ર-પરિવાર માટે કોઈ માનતાઓ કે અવિશ્વાસ કર્યો નથી. આપણે ભગવાનના થયા છીએ તો ભગવાનને આપણી ભાવના અને કામનાની ખબર છે. ભગવાન રાજી થઈને આપે એ સુખદાયી અને આનંદભર્યું હોય છે જે આજે ગાડીને બંગલાવાળા બનાવી દીધા છે.

એક વખત અમારા બાપુજીને અમારી વાડીનો કપાસ થયેલો ત્યારે એક મણનું ગાદલું બનાવીને મહારાજ પાસે મોકલ્યું. એટલે મારા બાપુજી અને અમારા પાડોશી તે બંને ગાદલું લઈને જૂનાગઢ ગયા અને મહારાજ પાસે પહાગચ્યા એટલે મહારાજ શાસ્ત્ર લખવાનું કામ કરતા હતા. ત્યારે મહારાજ કહે, ક્યાંથી આવો છો ? એટલે પછી બાપુજી કહે, મહારાજ માવજીએ કીધું હતું તેથી તમારા માટે આ ગાદલું લાવ્યો છું. એમ બાપુજીને મહારાજના દર્શન થયા.

હું એક વખત કુવૈતથી આવીને મહારાજ પાસે ગયો ત્યારે ઘડિયાળ પ્રસાદીની કરીને મહારાજને ચેન આપ્યો. મહારાજે બે-ત્રણ કલાક ચેન પહેરી પ્રસાદીની કરી આપી. જે આજે

પ્રસાદીની કરેલ ચેન સાચવી રાખી છે. એક વખત અમે મહારાજની ચરણસેવા કરતા હતાં ત્યાં હેમંતભગત વાંસો દબાવતા હતા. ત્યારે હેમંતભગત બોલ્યા કે,મહારાજ હું આવો ભાર દઈને વાંસો દબાવું છું મને પરસેવો વળી જાય છે તમને ભાર નથી લાગતો. ત્યારે મહારાજ બોલ્યા કે, હેમંત હું ઊભો ઊભો આ અંગૂઠો ડગાવું ને તો બ્રહ્માંડો મંડે ખડવા. તે મને આ બ્રહ્માંડોનો ભાર નથી લાગતો ત્યાં આ તારો ભાર લાગે ખરો. આમ મહારાજે હું અવતારી પુરુષોત્તમ નારાયણ છું, એ બતાવ્યું કે આ બ્રહ્માંડો અમારા ચલાવ્યા ચાલે છે.

એક વખત મહારાજ પાસે ગયા અને કહ્યું કે, મહારાજ મારે ગીરનાર જવું છે. મહારાજ કહે ઊભો રહે આ બાજુ બેસ.પછી મહારાજે પોતાના રૂમની બારીમાંથી ગીરનારની દેરીઓના મંદિરોના દર્શન કરાવ્યા. એક વખત મારો પુત્ર ઘનશ્યામ નાનો હતો તેને પેટની તકલીફ બહુ જ હતી એટલે અમે જૂનાગઢ ગયાં અને મહારાજને કહ્યું, આને પેટમાં બહુ દુઃખે છે. મહારાજ કહે, અહીં સૂઈ જા. મહારાજે પેટ ઉપર ચરણાર્વિદ રાખ્યા પછી મહારાજે એક લાડવો આપ્યો ને કહે, આ ખાઈજા ને દોડ કાઢ એટલે તારું પેટ મટી જાય. પછી મટી ગયું.

એક વખત અમે ઘરે ર૪ કલાકનો મંત્રજાપ રાખ્યો હતો. ત્યારે એવા દુર્લભ દર્શન થયા કે મહારાજ સિંહાસને બિરાજમાન છે. અમે મંત્રજાપ કરી રહ્યા છીએ અને દેવતાઓ વિમાનો લઈને મહારાજના દર્શન કરવા આવ્યા હતા અને એ બધાં વિમાનો બાજુમાં બગીચો હતો ત્યાં લાઈનમાં ઊભા રાખ્યા હતા, આવા દર્શન થયેલા.

મહારાજને જર્મન સ્ટીલની લાલજી મહારાજની મૂર્તિ બનાવવાની ઈચ્છા હતી જેથી તે કાળી ન પડે. ત્યારે મેં મહારાજને કીધું, મહારાજ લાલજી લેવા છે પણ છોકરા નાના છે એટલે પૂજા બરાબર ન થાય. તો મહારાજ કહે, લાલજીની મૂર્તિ લઈ લ્યો. મને સાકરનો ગાંગડો જમાડશો ને તોય જમી લઈશ. પછી અમે લાલજી મહારાજની મુર્તિ લઇ લીધી.

બાલમુકુંદ ભવનનું કામ પૂરું થયું પછી અમે રાજકોટ ગયા, ત્યાં ગોખરવાળાના હરજીભગત રાજકોટ ઘરે આવ્યા અને કહે ભંડારને મેડે મહારાજના જૂના રૂમની ટાઈલ્સ પ્રસાદીની છે એ ટાઈલ્સ તમે ગોખરવાળા આવો અને અમારા ઘરે ફિટીંગ કરી આપો એટલે એ પ્રસાદીની ટાઈલ્સ ત્યાં ગોખરવાળા હરજીભગતના ઘરે ભક્તોએ લગાવી આપી છે.

એક વખત બાલમુકુંદ ભવનનું કામ કરી રાત્રો મહારાજની સેવા કરતા હતા ત્યારે મહારાજ બોલ્યા કે, હું આંખો મીંચીને સૂતો હોવ ત્યારે હેમંતભગતને એમ થાય કે જાણે

મહારાજ સૂઈ ગયા. પણ હું તો અહીંથી ઉપડું સૂરત, મુંબઈ, મસ્કત, દુબઈ, બહેરીન જાઉં ને ભક્તોને દર્શન દઉ અને આશીર્વાદ આપતો જાઉં. ત્યારે મેં કહ્યું, મહારાજ તમે બધે જાઓ તો અમારું પૂના તો રહી ગયું. ત્યારે મહારાજ કહે, તમારા આ લોનાવાલાના ડુંગરામાં ઠંડી બહું લાગે ને. ત્યારે અમે કહ્યું મહારાજ દુબઈમાં તો વધારે ઠંડી ત્યાં ઠંડી ન લાગે ? ત્યારે ભક્તો કહે, તો તો દુબઈમાં ભક્તોએ જમાડ્યા હશે ને. મહારાજ કહે દ્રાક્ષ, કાજુ-બદામ, લાડવા ખાધા. ભકતો કહે, તો મહારાજ પાણી ન પીધું ? ત્યારે મહારાજ કહે, પાણી બહેરીન જઇને પીધું. પછી મહારાજ કહે, તમારે ઘર ઉપર મારા શ્વેતાયન કૃપા, અનાદિ શ્રીકૃષ્ણનારાયણ મારા આ મહામંત્રોની તક્તી મારવી. જેથી હું ફરવા નીકળું તો મારું નામ વાંચુ એટલે મને એમ થાય કે, મારા ભક્તો અહીં રહે છે તો હાલ દર્શન દેતો જાઉં. આમ મહારાજે ભક્તોને ઉપદેશ આપ્યો કે તમારા ઘર-ખોરડા-ખેતર વાડીને આવા નામ રાખ્યા હોય તો મહારાજ કહે હું તમારી રક્ષા કરું. આમ મહારાજ ભક્તોને અનુસંધાન આપતા.

ફુલવાડી મંદિરમાં પણ યથાશક્તિ તન-મન-ધનથી અમે ઘણી સેવાનો લાભ લીધો છે. ફુલવાડીની પ્રદક્ષિણામાં માર્બલનું કામ ચાલતું હતું ત્યારે એ કાર્ય પૂરું થયું ત્યાં સુધી પણ અમે સેવા કરી છે. જ્યારે જ્યારે ફુલવાડી-કુંકાવાવ કે જૂનાગઢમાં સેવા કરી તે બા-બાપુજી, દાદા-દાદી, પુત્ર-પુત્રવધૂ, પૌત્ર-પૌત્રીઓના નામથી સેવાઓ કરી છે અને તેની પહાગચો જેની જેની તેને આપી છે. તેમ ઘરમાંથી મહારાજની સેવા કરવામાં કોઈને રોક્યા નથી. તેમજ સામેથી પુત્રો-પુત્રવધૂઓ કે છોકરાઓની માતાએ સામેથી સેવા કરવા બળ આપ્યું છે. એટલે બમણાં વેગથી અને ઘરના રાજીપાથી સેવા થાય છે અને એ સેવાથી જ ભગવાન રાજી થાય છે.

એક વખત બ્રહ્મપેલેસનું કામ ચાલું હતું ત્યારે સંકલ્પ થયો કે અહીં ગીર ગાયનું દાન આપીએ પરંતુ ત્યાં કોઈ સંભાળનાર નહોતું તેથી તે ગાયનું દાન ફુલવાડીને અર્પણ કર્યું અને સમય જતાં બ્રહ્મપેલેસમાં પણ ગીર ગાય અર્પણ કરી. જેથી મહારાજને દરરોજ આપણી દીધેલ ગાયનું દૂધ મળે અને આપણને સેવાનો લાભ મળે.

પાણી માટે બ્રહ્મપેલેસમાં ૧૧ બોર બનાવ્યા પણ ક્યાંય પાણી ન આવ્યું જ્યારે કમ્પાઉન્ડનું કામ ચાલુ હતું ત્યારે બાજુની વાડીમાંથી પાણી લઈ આપણાં કૂવામાં અને કૂવામાંથી ટાંકામાં પાણી જાય. એટલે પાણીની બહુ તકલીફ જેથી પંચાયતની જમીનમાં બોર બનાવ્યો. એ બોરમાં પણ જોઈએ એવું પાણી ન થયું ત્યાંથી પાઈપલાઈન ૧ કિ.મી.નો થાય આ તો બહુ ઘણો ખર્ચ એટલે એક પાણીવાળા ભાઈ કહે, બ્રહ્મપેલેસમાં પાણી છે

અને તેમાં કે.બી. ભગસાણીયા સાહેબ અને માવજીભગતે નક્કી કર્યું કે બોરનો ખર્ચ આપણે ઉપાડવો અને બ્રહ્મપેલેસમા બોર કરવો. એટલે પાણી જોવાવાળાએ સુખશૈયાના શિખરના પાછળના ખૂણામાં ૮૦૦ ફૂટે પાણી છે અને બોર ૮૦૦ ફૂટ ગયો, પાણી ન આવ્યું. તેથી માવજીભગતના ઘરનાએ મહારાજ પાસે જઈને માનતા કરી કે, મહારાજ આ બોરમાં પાણી લાવોને હું બે નારિયેળ હમણાં જ વધારું અને આ બાજુ મધુભગત આવ્યા ને પુછયું, શું થયું ? અમે કહ્યું કે પાણી જોવાવાળાએ ૮૦૦ ફૂટનું કહ્યું છે તો આપણે ૯૦૦ સુધી જાવા દઇએ. ત્યાં ધનજીભગત કાથરોટીયા આવ્યાને કહે, ભક્તો આ બ્રહ્મપેલેસ માટે બોર થાય છે તો આ સેવામાં મને તમે ભાગીદાર રાખો અને બોરનો જેટલો ખર્ચ થાય તેમાં હું ભાગીદાર. આમ અમે વાત કરતા હતા ત્યાં મઘુભગત કહે આ ૮૦૦ ફૂટે કાંઈ ન આવ્યું તો અહીં પાણી નથી માટે બંધ કરો અને બીજે ક્યાંય જોવરાવીએ.

આમ અમે વાતો કરતા હતા ત્યાં બોર મશીન ચાલું હતું અને ૧૦ ફૂટ વધારે ઊંડો ગયો ત્યાં પાણી છૂટ્યું અને ઉછળીને બાજુમાં ઝાડવાની ઉપર સુધી ફુવારો થયો ને આ બધાએ જોયું તો રાજી રાજી થઈ ગયા. આમ સાચા સંકલ્પ અને સાચી લગનથી જે થવું હોય તે થાય પણ આવા કામમાં ભાગીદાર થઇએ ત્યારે ભગવાન ભક્તના પક્ષમાં આવે છે અને અસંભવ કામ સંભવ થાય છે. પાણી આવ્યું તે જાણી ઘણો આનંદ થયો તેથી માવજીભગત કહે, આ ભગવાને પાણી આપ્યું તેથી કાલની રસોઈ આપણી. આમ ભગવાન અને ભક્તોને રાજી કર્યાં. પછી એ બોર ૧૦પ૦ ફૂટ ઊંડો જવા દીધો અને બીજા દિવસે દોરી બાંધી પાણી સીંચ્યું ને મહારાજને ધરાવ્યું. આમ પાતાળમાં પાણી આવ્યું. કુંકાવાવ અર્ધું જોવા આવ્યું અને ગામના કહે હજાર ફૂટે આવું મીઠું પાણી ન આવે પણ આ મીઠું પાણી આવ્યું જેથી આ ભગવાનનો પરચો જ કહેવાય. આમ મહારાજની કૃપાથી મહારાજના ત્રણેય મંદિરમાં પાદરે- ફુલવાડી, બ્રહ્મપેલેસમાં આ બધી સેવાના લાભ મળ્યા. આમ આ ભગવાનનો રાજીપો જ કહેવાય. ભગવાનના રાજીપા વિના સેવા પણ મળતી નથી.

આમ માવજીભગતે પોતાના કુળ-કુટુંબને પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણ શ્રી શ્વેતાયન હરિના રંગમાં રંગી નાખ્યા છે. તેમજ આ પરિવારના સૌ ભક્તો સાથે મળી સંપ, સમજણથી મહારાજની સેવા-ભક્તિ પૂરી લગન અને મુક્ત ભાવથી કરે છે તથા ખરા અર્થમાં પ્રગટ ભગવાનના સેવક થઈ સેવાઓ કરી છે અને કરતા આવે છે.