પરચા ૧૩૦

જીવતીબેન કેશવજીભગત ટાંક

જૂનાગઢ, હાલ- રાજકોટ

મને મહારાજના સૌ પ્રથમ દર્શન ઇ.સ. ૧૯૬પમાં મહા માસમાં ધોરાજીમાં શ્રી સ્વામિનારાયણ હરિ મંદિરમાં પ્રસાદીની ડેરીએ જ્યારે મહારાજ સંત સ્વરૂપમાં પ્રદક્ષિણા ફરતા હતા ત્યારે થયા હતા. હું મંદિરની બાજુમાં જ એક ઘરની અગાશી પર ઊભેલી હતી ત્યારે પ્રદક્ષિણા ફરતા મહારાજ મારી પર અમી દૃષ્ટિ કરી થોડીવાર ઊભા રહ્યા. મને ઘડી બે ઘડી એમ થયું કે, સંત સ્વરૂપે મહારાજ સાક્ષાત્ ભગવાન જ છે એવા મને દર્શન થયા. પછી તો અવારનવાર સ્વપ્નમાં મહારાજના થોડી થોડીવારે દર્શન થયાં કરતાં.

મારું જૂનાગઢમાં સાસરુ પણ ત્યાં કોઈ ઘરમાં કોઈને સત્સંગ નહતો. એ સમયે મહારાજ જૂનાગઢ મંદિરમાં બાલમુકુંદ ભવનમાં નિવાસ કરતા હતા. અમારું ઘર મંદિરથી નજીક હતું. માટે હું દરરોજ મહારાજના દર્શન કરવા મંદિરે જતી અને હૃદયથી મહારાજને અમારા સાસરા પક્ષના ઘરમાં સૌને સત્સંગ થાય એવી હૃદયથી પ્રાર્થના કરતી. તેથી મહારાજ કૃપા કરી હેમંતભગત પાસે પોતાનું પ્રસાદીનું જળ મોકલાવતા. તે હું દરરોજ માટલામાં પધરાવતી પછી તો તે પ્રસાદીનું જળ પીવાથી સાતેક વર્ષે ધીમે ધીમે અમારા ઘરમાં સત્સંગ થયો. પછી મહારાજે કૃપા કરી મારા ઘરવાળાને દિક્ષામંત્ર આપી કંઠી પહેરાવી. પછી તો તેઓ દરરોજ મંદિરે જતાં અને મહારાજની મેડી પર દર્શન કરીને પછી દુકાને જતા અને મેં બનાવેલો સફેદ ફુલનો હાર દરરોજ પહેરાવતા.

સમય જતાં મહારાજની કૃપાથી મારે ત્યાં ચાર દીકરી અને એક દિકરાનો જન્મ થયો. મારો દિકરો વિનુ જ્યારે મહારાજ પાસે દર્શન અને સેવા કરવા જાય ત્યારે મહારાજ સૂકો મેવો, બદામ, કાજુ, પિસ્તા તેને પ્રસાદીમાં આપતા અને મોટો સાકરનો ગાંગડો પણ આપી રાજી કરતા. ક્યારેક વિનુને વાપરવા માટે પૈસા પણ આપતા. ક્યારેક મહારાજ સ્નાન કરતા હોય ત્યારે વિનુ મહારાજના દર્શન કરતો હોય તો મહારાજ રમુજમાં પોતાના મુખમાંથી પાણીની પીચકારી તેના પર છાંટી તેને વિશેષ રાજી કરતા અને ક્યારેક મહારાજને કોઈ પત્રો કે શાસ્ત્રો પોસ્ટ કરવાના હોય તો તે તૈયાર કરી વિનુને આપતા ને કહેતા આને સાચવીને પોસ્ટઓફિસે દઈ આવ. આમ વિનુએ નાની ઉંમરમાં મહારાજના દર્શનની સાથે અનેકવાર સેવાનો લાભ લીધો છે. વિનુ જ્યારે મોટો થયો ત્યારે મહારાજે તેને કહ્યું કે, તું હવે કડિયાકામ

શીખવા માટે પૂના જા. ત્યાં હું મોહનભગત, વેલજીભગત આદિક મોટા ભક્તોને તારા માટે બધી ભલામણ કરી આપીશ. એ તને રહેવા, જમવાની અને કડિયાકામ શીખવાની બધી વ્યવસ્થા કરી આપશે. આમ મહારાજે મારા દિકરા વિનુનું ખૂબ જ ધ્યાન રાખ્યું જેથી કરીને આજે એ કડિયાકામમાં ખૂબ સારો કારીગર થયો છે અને મહારાજના કાર્યોમાં પણ યથાશક્તિ તન-મન-ધનથી સેવાનો લાભ લઈને મહારાજને વિશેષ રાજી કરે છે. મારી બધી દીકરીઓએ પણ ખૂબ મહારાજના દર્શન અને સેવાનો લાભ જૂનાગઢમાં મહારાજની હયાતીમાં લઈને ધન્યભાગી થઈ છે.

અમને હેમંતભગતના બેન પ્રભાબેન અને પાર્વતીબેન જે રાધા-લક્ષ્મીના અવતાર હતા. તેમનો યોગ સારો હતો. જેથી અમે મહારાજને પરિપૂર્ણ ઓળખી શક્યા હતા.

મહારાજે રાજી થઈ પોતાના ખાસ ભક્તોને સેવા માટે લાલજીમહારાજની પંચધાતુની મૂર્તિ આપી હતી તેથી મને પણ એવો સંકલ્પ થયા કરતો કે અમારા ઘેર પણ મહારાજના લાલજી હોય તો ઘણું સારું. તેથી એકવાર મહારાજનું પૂજન કરવાં અમારા દરજીભગત અને વિનુ ગયા ત્યારે મહારાજે રાજી થઈ સામેથી લાલજીમહારાજની મૂર્તિ આપી કહ્યું કે, હવે આજથી તમે અમારા આ સ્વરૂપનું ઘેર પૂજન કરજો. આ મૂર્તિ તમારા દરેક સંકલ્પ પૂરા કરી સુખીયા કરશે. આ રીતે તા.૧-૧૦-૧૯૮૦ને સોમવાર દશેરાના દિવસે લાલજીમહારાજ મારે ઘેર પધાર્યા. હું તો રાજી રજી થઈ ગઈ. મને બસ એક જ આનંદ કે, મારા મહારાજ હવે પ્રત્યક્ષ મૂર્તિરૂપે મારે ઘેર પધારી ગયા છે.

મને ઘણીવાર મંદિરે દર્શન કરવા જાઉં ત્યારે મહારાજના ચરણસ્પર્શ કરવાની ઈચ્છા થતી પણ મંદિરની મર્યાદા પ્રમાણે મહારાજ સંત સ્વરૂપમાં હતા તેથી અમારા બેનોથી ચરણસ્પર્શ ન થઈ શકતા. પણ મહારાજે લાલજી આપ્યા પછી વિનુને કહ્યું કે, તમારી બા જીવતીને કહેજો કે, હવે ત્યાં અમારી લાલજીની મૂર્તિને ૧૦૦ વાર ચરણસ્પર્શ કરે. એની ઈચ્છા બહુ જ હતી. આમ અંતર્યામીપણે મહારાજે મારી ઈચ્છા પૂરી કરી.

જૂનાગઢ મંદિરમાં મહારાજના શ્રીહરિ શરણાગતિ મંડળનાં ભક્તો તરફથી રાધારમણ દેવના આજીવન થાળનાં લેખ લખાતાં હતાં. મારી ઈચ્છા હતી પણ ગરિબાઈ હતી તેથી સેવા ન કરી શકે તે વાત અંતર્યામી મહારાજ જાણી ગયા કે, મારે લેખ લખાવવો છે ને સેવા આપવી છે. તેથી મહારાજે દરજીભગતને કહ્યું, મેં તમારો રૂ. ૧૦૧નો લેખ સેવાનો લખાવ્યો છે.

તમારાથી જ્યારે સગવડતા થાય ત્યારે મારી પાસે સેવા જમા કરાવજો. દરજીભગતે આ વાત મને ઘેર આવીને કરી તેથી હું પણ ખૂબ આનંદમાં આવી ગઈ. સાથે મારો પરિવાર વિનુ, વિજુ, ભારતી, હંસા, ગુલાબ અમે બધાં રાજી રાજી થઈ ગયા. મારે ઘેર લાલજી આવ્યાં પછી મારી સાસુને મહારાજ ધામમાં લઈ ગયાં એવાં દર્શન પણ મને થયા.

મહારાજ જ્યારે કાશી ભણવા ગયા હતાં ત્યારે સાથે જે પતરાની બેગ હતી તે બેગ મહારાજે વિનુને આપી અને તેમાં પ્રસાદીનો અભિનંદન ગ્રંથ, નખ, કેશ, ધોતી, ગંજી, વિંઝણો, ટોપી, મોજા, પેન એવી નાની મોટી પણ મહાપ્રસાદીની વસ્તુઓ રાજી થઈ આપી.

ચાવડાના જયંતીલાલ રાઠોડની ઈચ્છા હતી કે, મહારાજને જરકશી વાઘાં પહેરાવવા છે તેથી એક ગુલાબી કલરનું કાપડ હેમંતભગતને આપ્યું હતું. માટે મહારાજે દરજીભગતને વાત કરી કે, મારા વાઘા શિવવાના છે. બપોર વચ્ચે આવજો માપ લેવાનું છે. પછી દરજીભગત બપોરે ગયા અને મહારાજનું માપ લીધું. એ પ્રસાદીના માપના ફર્મા પણ અમારી પાસે છે.

દરજીભગતે દશેક દિવસે વાઘા તૈયાર કર્યા પછી મહારાજને કહ્યું, વાઘા થઈ ગયા છે. મહારાજે કહ્યું, બપોરે લાવજો, એક વાગ્યા પછી આવજો. મહારાજને વાઘા આપ્યા મહારાજ રાજી રાજી થઈ ગયાં. ત્યારે ભગવા વસ્ત્ર ઉતારીને જરકશી વાઘાં ધરાવી પહેરાવ્યા હતા ત્યારે એક જ હેમંતભગત હતા. મહારાજ વાઘા પહેરી બહુ જ રાજી થયા અને કહ્યું કે, બહુ જ સરસ વાઘાં છે, માપ સરસ છે.

સમય જતાં ઇ.સ.ર૦૧૮ની સાલમાં જૂનાગઢ શ્વેતાયનબાગે જ્યારે ઉતારાની રૂમોનું બાંધકામ ચાલુ હતું ત્યારે મારી મોટી દીકરી વિજુબેનના કહેવાથી કે.પી. સ્વામીએ મારા દીકરા વિનુભગતને જૂનાગઢ કામકાજ અર્થે સેવામાં રાખ્યા. આ ઉતારાની રૂમોનું કાર્ય પૂર્ણ થયા બાદ જ્યારે પણ શ્વેતાયનબાગે કોઈ કામકાજ અર્થે તેમજ દર વર્ષે ઉજવાતા ત્રણ ઉત્સવ દરમિયાન સેવાની જરૂર હોય ત્યારે વિનુભગત તથા તેમના ધર્મપત્ની ક્રિષ્નાબેન જરૂર સર્વ પ્રકારે સેવાનો લાભ આપતા. જ્યારે સ્વામિનારાયણ મંદિરમાં મહારાજનું જૂનું બાલમુકુંદ ભવન સંજોગોવશાત્ મંદિર દ્વારા નૂતન ભોજનાલયની જગ્યા માટે પાડવામાં આવ્યું જેથી શ્વેતાયનબાગે જ્યારે નૂતન બાલમુકુંદ ભવનનું નિર્માણકાર્ય દોઢ વર્ષ સુધી ચાલ્યું તે સત્કાર્યમાં પણ વિનુભગતે કામકાજ તેમજ દેખરેખમાં સતત ખૂબ સારું ધ્યાન આપી સારી સેવા બજાવી છે. તેથી ખૂબ જ રાજી થઈ મહારાજના બાલમુકુંદ ભવનના વાસ્તા વખતનું

પ્રસાદીનું અક્ષયપાત્ર (થાળી-વાટકો) રાજી થઈ વિનુભગતની ઈચ્છાથી કે.પી. સ્વામીએ તેમને ઘેર સેવા-પૂજા માટે અર્પણ કરેલ છે. તેમજ મારી મોટી દીકરી વિજુબેન અને તેના બંને દીકરા તુષાર તેમજ મયુરે પણ જૂનાગઢ ધામના વિકાસકાર્યમાં યથાશક્તિ સેવાનો લાભ લઈ ધન્યતા અનુભવી છે. એમ આ પરિવારમાં વિનુભગતના સૌ બહેનો તેમજ વિનુભગતના ધર્મપત્ની ક્રિષ્નાબેનના પણ સૌ બહેનોની સાથે તેમના મમ્મી પુષ્પાબેન, ભાઈ જયેશભાઈ આદિક સૌ ભક્તોએ મહારાજના કાર્યોમાં યથાશક્તિ લાભ લીધો છે.

આ રીતે જેમ મહારાજે અમારા પરિવારના દરેક કાર્યોમાં જ્યાં જેવી જરૂર પડે ત્યાં અમને સફળતા અપાવી છે અને અમારી ખૂબ રક્ષા કરી છે. તેની સામે અમે મહારાજના કાર્ય માટે જે કાંઈ પણ કરીએ તે તો ઓછું જ કહેવાય, પરંતુ સહેજે સહેજે પ્રગટ ભગવાનની ઈચ્છાથી તેમની સેવાનો અમને લાભ મળે છે. તેથી અમે ખૂબ રાજી થઈએ છીએ. બસ અમારા પરિવારના સૌ ભક્તોના જીવનમાં સારો સત્સંગ, સારા સદ્ગુણ કાયમ રહે અને સૌ સંતો-ભક્તોનો ગુણભાવ રહે અને પવિત્રપણે મહારાજ રાજી રહે એવું જીવન જીવી પરમધામમાં મહારાજની સેવામાં રહીએ એજ પ્રાર્થના છે.

આવા મહારાજના પરમધામના મહાન મુક્તાનિકા જીવતીબા જેઓ મહારાજની સતત સેવાભક્તિ કરનારા હતા તેમજ મહારાજનો તેમનામાં અખંડ વાસ હતો. તેઓ અંત સમયે મોબાઈલમાં વીડિયો કોલિંગ દ્વારા બાલમુકુંદ ભવનના મહારાજના પ્રસાદીના રૂમના દર્શન કરી અને પોતાના ઘરે મહારાજે તેમને આપેલ પ્રસાદીના લાલજી મહારાજની આરતી કરી પરમધામ સિધાવ્યા હતા. તેમને અનંતવાર વંદન સાથે સૌ ભક્તોના અનાદિ શ્રીકૃષ્ણનારાયણ.