પરચા

અનાદિ મુક્તરાજ ઈશ્વરભગત કેશવજીભગત બગીચા

જામવંથલી, હાલ-રાજકોટ

જામવંથલીની પવિત્ર ભૂમિ પર મહારાજની કૃપાથી અનાદિ મુક્તરાજ કેશલજીભગત બગીચાને ત્યાં મારો જન્મ થયો અને મને નાનપણમાં જ મહારાજે મંત્ર આપી કંઠી બાંધી હતી. મહારાજના મેં સમયે સમયે ખૂબ દર્શન અને સેવાના લાભ લીધા છે.

જૂનાગઢમાં બાલમુકુંદ ભવનમાં બાંધકામનું કામ શરૂ થયું ત્યારે સેવા કરવા ગયેલો. ત્યારે ઈશ્વરભગતે ર૦ દિવસ સેવા કરી. ત્યારબાદ હાથમાં ટાંકી પડવાથી વંથલી જવા તૈયાર થયા પણ મહારાજની રજા લીધી નહીં. તેથી ભગતને ઘણી જ ઉપાધી થતી હતી. પાછા ૧૦ દિવસ પછી જૂનાગઢ સેવા કરવા ગયા ત્યારે મહારાજ પાસે દંડવત્ત કરી મહારાજ પાસે બેઠા. મહારાજ બોલ્યા, મને મળ્યા વગર વયો ગયો. બહુ ઉપાધી કરતો હતો ને બસમાં ? પછી મહારાજે હેત ઉભરાવી મને ખગચી અને ખોળામાં બેસાડી વ્હાલ કરવા માંડ્યા. મહારાજે ભગતનું મસ્તક પોતાની છાતીએ રાખી હેત કરવા લાગ્યા. તેમજ વારંવાર હેતપૂર્વક ચુંબન કરવા લાગ્યા અને મહારાજ બોલ્યા, ‘તું તો મારો દિકરો છો...' આમ કહી મને ખોળામાં બેસાડી મહારાજ બોલ્યા કે, હું જ્યારે વંથલીની તમારી બગીચાવાડીમાં સવારે ન્હાવા આવતો ત્યારે ડાયાબાપા કોષ જોડતાં ત્યારે તું ગોઠણીયાભેર ચાલતો હતો.

ઈશ્વરભગત ફૂલવાડી પાછળની વાડીમાંથી પપૈયું થયું ત્યારે તે પપૈયું લઈ જૂનાગઢ ગયેલ. ૧૦ ભક્તો બેઠા હતા અને મહારાજે પપૈયું સુધાર્યું અને બધાય ભક્તોને દેવા લાગ્યા. પછી ચાર-પાંચ ચીરો વધી અને મહારાજ બોલ્યા, આ લઈ લ્યો. ત્યારે કોઈએ લીધી નહીં ત્યારપછી મહારાજ મંદ હાસ્ય કરી ઈશ્વરભગત સામું જોઈ બોલ્યા, તું અસલી ઈશ્વર છો માટે આ ચીર તું ખાઈ જા.

મોટાભાઈ (શાંતિલાલભગત બગીચા), જાદવભગત બગીચા અને ઈશ્વરભગત બગીચા આ ત્રણેય ભાઈઓ મહારાજ પાસે સેવા કરતા હતા. થોડા સમયે મોટાભાઈ બોલ્યા કે, આ બંનેને ભગવાનપણાંની ઓળખાણ આપો. ત્યારે મહારાજ બોલ્યા, આને ઓળખાણની જરૂર નથી. આ નખથી શિખા સુધી મને ઓળખે છે.

ઈશ્વરભગત મહારાજ ધામમાં ગયા તેના ૧૦ દિવસ પહેલાં મહારાજને મળવા ગયેલ

ત્યારે મહારાજ હિંડોળા પર બિરાજમાન હતા. ત્યારબાદ ઈશ્વરભગત હિંડોળા પાસે જઈ દંડવત્ત કરવા લાગ્યા ત્યારે એક દંડવત્ત કરતા મહારાજ બોલ્યા, સુખી છો ને ? બાદમાં બીજો દંડવત્ત કરતા મહારાજ બોલ્યા, સુખી છો ને ? એવી રીતે ૧૦ દંડવત્ત કર્યા ત્યારે દર વખતે મહારાજ બોલ્યા, સુખી છો ને ? અંતે મેં કહ્યું, હા મહારાજ આપની કૃપાથી સુખી છીએ.

એકવાર ઈશ્વરભગતે જૂનાગઢ જઈ મહારાજને કહ્યું, મહારાજ તમે આડાં દારની આજ્ઞા કરી છે પણ સાયડો અંદર જતો નથી તો મહારાજ ઊભા દારની આજ્ઞા કરો. ત્યારે મહારાજ બોલ્યા કે, જ્યારે અમે આજ્ઞા કરી ત્યારે વરુણદેવ ત્યાં કુવામાં બે હાથ જોડીને અમારી આજ્ઞા પાળવા હાજર થઈ ગયા છે. માટે હવે અમે આજ્ઞા કરી છે તેમજ કરો એટલે પાણી આવશે.

ઈશ્વરભગત બગીચા મહારાજ આગળ બેઠા હતા. ત્યારે રજા લઈ જવા તૈયાર થયા ત્યારે મહારાજ બોલ્યા,બેસ ! બેસ ! પછી મહારાજ ઊભા થઈ કબાટમાંથી અભિનંદન ગ્રંથ લાવી ઈશ્વરભગતને આપી બોલ્યા, આ પુસ્તક વાંચજો.

શાંતિભગત બગીચા અને ઈશ્વરભગત બગીચા મહારાજની સેવા કરતા હતા. ત્યારે ચુનાઈડું પ્રસાદીનું કરવા મહારાજ પાસે રાખેલ ત્યારે એ ચુનાઈડું મહારાજે પોતાના હાથમાં લઈ કંકુ ચોડેલ અને ઉપર ચોખા મૂક્યા અને ચુનાઈડું મહારાજે હાથમાં લઈ જેમ કારીગર છાંટ મારે એવી રીતે મહારાજ ચુનાઈડાના લટકા કરી બોલ્યા, જા ખનનન... ખનનન... રૂપિયા ખરશે.

ઈશ્વરભગત બગીચા જ્યારે ધોરણ-૮માં અભ્યાસ કરતા હતા તે સમયે નિશાળમાં દરબાર સાથે ઝઘડો થયેલ ત્યારબાદ બે દિવસ પછી જ ઈશ્વરભગત મહારાજના દર્શન કરવા જૂનાગઢ ગયેલ. હજુ ઈશ્વરભગત મહારાજના રૂમના દરવાજે પહાગચ્યા ત્યાં જ મહારાજે સામું જોયું અને બોલ્યા, હવે ચુનાઈડું પકડી લો અને કડિયાકામે લાગી જાવ.

એકવાર ઈશ્વરભગત બગીચાને અછબડાં થયેલા પછી મહારાજના દર્શને ગયેલ ત્યારે મહારાજ પાસે બેઠા ત્યારે મહારાજ સામું જોઈ બોલ્યા, ગાલમાં આ ખાડાં કેમ પડ્યા ? ત્યારે મહારાજ ગાલ પર હાથ ફેરવી બોલ્યા, જા ખાડા મટી જાશે. પછી મટી ગયા.

એકવાર જાદવભગત બગીચા અને ઈશ્વરભગત બગીચા મહારાજના ચરણોની સેવા કરતા હતા ત્યારે બંને ભાઈઓના ખભે હાથ મૂકી મહારાજ બોલ્યા, તમારા માતા-પિતાએ

બહું દુઃખ સહન કર્યું છે એવી રીતે ત્રણવાર બોલીને કહ્યું, હવે તમે તેમને સુખી રાખજો અને સેવા કરજો.

એકવાર શાંતિલાલભગત બગીચા અને ઈશ્વરભગત બગીચા મહારાજની સેવા કરી રહ્યા હતા ત્યારે મહારાજે એમ વાત કરી કે એક ડોશીમાએ વેચાતા કમળના ફૂલ લઈ મંદિરમાં મૂર્તિને અર્પણ કર્યા તે બીજા જન્મે રાજાની કુંવરી થઈ અને સોનાનાં કમળના ફૂલનું દાન કરી લક્ષ્મીજીના પદને પામી. તો તમે આ પ્રગટ ભગવાનની ઉપાસના કરો છો, તન-મન-ધન વડે સેવા કરો છો. તો મારે તમને શું દેવું ? એ મારે પણ વિચારવું પડે. એમ કહી ખૂબ રાજી થઈ આશિર્વાદ આપ્યા.

એકવાર ઈશ્વરભગત બગીચા સેવા કરી રહ્યા હતા ત્યારે મહારાજ નેત્ર બંધ કરી બેઠા હતા. પછી મહારાજ નેત્ર ખોલીને બોલ્યાં કે, મારે તો થાંભલા જેટલી ઉંચાઈવાળા મનુષ્યો કરવા'તા પછી મકાન પણ એવા બનાવવા પડે ને ! એટલે પછી વિચાર્યું કે, આ વખતે માણસની ઉંચાઈ ઘટાડી દઉં. એમ કહી મહારાજે સરસ લટકું કર્યું.

એકવાર ઈશ્વરભગત બગીચા મહારાજની સેવા કરતા હતા. ત્યાર બાદ રજા લઈ ઊભા થયા અને બહાર જવા માટે દરવાજા પાસે ગયા. ત્યારે મહારાજે પાછા બોલાવ્યા અને કહ્યું કે, બેસો ! હું તમારી શ્રીજી રક્ષા બનાવી દઉં.' મહારાજે ઈશ્વરભગતની એક શ્રીજી રક્ષા બનાવી પછી મહારાજ બોલ્યા, આખા કુટુંબની બનાવી દઉં. ત્યારે મહારાજે બગીચા કુટુંબની કુલ ૧૧ શ્રીજી રક્ષા બનાવી. આમ મહારાજે અમારા બગીચા પરિવારને પોતાનું ભાગવત્ કુટુંબ જાણી ખૂબ રક્ષા કરી છે અને દર્શન સેવા ભક્તિનો પણ ખૂબ લાભ આપ્યો છે.