પરચા ૨૩

અનાદિ મુક્તરાજ રણછોડભગત દેવરાજભગત ચૌહાણ

જામવંથલી

રણછોડભગત અનાદિ શ્રીકૃષ્ણનારાયણના પરમ એકાંતિક અનુવૃત્તિમાં રહેનારા અને પ્રગટને રાજી રહે તેવી સેવા કરનારા શ્વેતાયન શ્રીહરિના વહાલા દિક્ષીત શરણાગત ભક્ત છે. રણછોડભગતના સમસ્ત પરિવારમાં વડીલો, ભાઈઓ-બેનો આદિક ઘર પરિવાર પ્રગટ ભગવાનના એકાંતિક ભક્તો રહ્યા છે.

મહારાજ રાજકોટ, જામનગર, જૂનાગઢ, જામવંથલી, ફુલવાડીએ પધારતા ત્યારે રણછોડભગત પુત્ર પરિવાર સાથે જામવંથલીમાં કામકાજ, નોકરી, ધંધો, ખેતીકામ કરતાં કરતાં પણ પુત્ર પરિવાર સાથે પ્રગટ ભગવાનના દર્શને જતા.

એકવાર જૂનાગઢમાં મહારાજ બિરાજતા હતા ત્યારે કેશુભગત બગીચા, ચંદુભગત, જયસુખભગત, જગદીશભગત, ઈશ્વરભગત આદીક નાની વયના બાળકો પ્રગટનું ભજન- સેવા કરતા. દંડવત કરતાં કરતાં મહારાજના મુખારવિંદને જોતા જાય અને સંકલ્પ કરતા જાય કે, મહારાજ આજ્ઞા કરે તો રાજી કરી લઉ- હાર પહેરાવું. મહારાજે સંકલ્પ જાણીને રણછોડભાઈને કહ્યું કે, ભગત ઘેરથી બગીચામાં ૧૨પ ફુલો ચૂંટીને જે ગુલાબનો હાર બનાવીને લાવ્યા છો તો હમણાં જ પહેરાવો. પછી સર્વેભક્તોએ મળીને મહારાજને હાર પહેરાવ્યો, પ્રસાદી ફળ, ફુલ ધર્યા મહારાજની આરતી ઉતારી પછી સૌ મહારાજ પાસે બેઠા છે ત્યારે રણછોડભગત કવિત્વ શક્તિને ધારણ કરનારા એટલે તરત જ મહારાજ સન્મુખ બેસી ‘‘ગુલાબના ફુલ સખી ગુલાબના ફુલ, શ્વેતાયનને પ્યારા બહુ ગુલાબના ફુલ, ફુલડે ફુલડે મેં નામ શ્વેતાયનનું લીધું, ૧૨પ ચુંટ્યા ગુલાબનાં ફુલ...'' એ કિર્તન બોલ્યા. મહારાજના રૂમમાં ડબલાઓ હતા તેને વાજિંત્રોને તાલે સૌ નાના બાળકોએ ઝીલીને ગાયું. તેથી મહારાજ ખૂબ રાજી થયા છે પછી ભેટીને ભગતને કહે કે, આવી જ પ્રગટની કિર્તન ભક્તિ કરજો.

પછી કેશુબાપા બગીચાએ મહારાજને પૂછ્યું કે, સ્વપ્નમાં તમારા દર્શન થાય તે સાચા જાણવા કે કેમ ? મહારાજ કહે, હા. સ્વપ્નમાં દર્શન થાય તે સાચા દર્શન જાણવા. મારો ભક્ત જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ ત્રણે અવસ્થામાં મારું ભજન કરે છે માટે મારો ભક્ત આ ત્રણે અવસ્થાથી પર જે તુર્યાવસ્થા કહેવાય છે તે માટે સદા જાગ્રત જ છે. આખો દિવસ કામકાજ કરતાં પણ મારું ભજન કરતો હોય છે તો કામનો થાક લાગે નીંદરે આવી જાય પણ નિંદરમાંય

મને સંભારે છે ત્યારે ભગવાનને પણ એમ થાય છે કે, મારો ભગત મારા માટે આટલો દાખડો કરે છે તો લાવ તેમનો થાક ઉતારી દઉં અને દર્શન આપું. આમ મારા ભગતને સ્વપ્નમાં પણ દર્શનની અનુભૂતિ થાય છે. તે ઉઠીને બધાંને દર્શનની વાત કરે છે તેથી આ પ્રગટ ભગવાનનાં સ્વપ્ન દર્શનનાં બળે કરીને પણ તેનો બધો જ થાક ઉતરી જાય છે અને તે ભકત સદા આનંદમાં રહીને મારી વિશેષ સેવા - ભકિત કરે છે. આ બધી મહારાજની પરાવાણી સાંભળીને ભક્તો રાજી રાજી થઈ ગયા.

રણછોડભગતે અને તેમના પુત્ર પરિવારે સહકુટુંબ જામવંથલી ફુલવાડી મંદિર બંધાતું અને જ્યારે જ્યારે મહારાજ જામવંથલી પધારતા ત્યારે તેમની સેવા અને ફુલવાડીની તન-મન-ધન વડે સેવાઓ કરીને પ્રગટ ભગવાનને રાજી કર્યાં છે. રણછોડભગત ઘડિયાળ રિપેરીંગનું અને ગામમાં લોટ દળીને આપવાનું કામકાજ કરતા.

રણછોડભગતને એકવાર આંખમાં ફુલુ થયું હતું તેથી ઓછું દેખાતું હતું. આંખ નબળી પડી ગઈ હતી. તેમણે જુનાગઢ જઇને મહારાજને વાત કરી તેથી મહારાજે પ્રસાદીનાં જળની અંજલી છાંટીને આંખોને મટાડી હતી. તેમજ મહારાજે પોતાના ઢાળીયામાંથી એક ડાબરીમાંથી વાઘનો નખ કાઢ્યો અને રણછોડભગતને કહે, ભગત આ વાઘનો નખ છે. તેને ઘસીને આંજજો તેથી આંખનું તેજ પણ વધશે. પછી ભગત પ્રસાદીના વાઘના નખને ઘસીને આંજતા, આંખમાં તેજ વધી ગયું. ઘડિયાળ રિપેરીંગ કરતા, લોટ દળતા મહારાજનું ભજન કરતાં બીજું કિર્તનની રચના કરી કે.. ‘‘આજ કળિયુગમાં પરચા પુરે પ્રભુજી શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી શ્રીહરિ, આપ્યો વાઘ નખ અવતારી ઘસી આંજ્યો મેં આંખડીમાં મારી. દાસ રણછોડની આંખડી મટાડી પ્રભુજી, શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી શ્રીહરિ...'' આવા અનેક પરચાઓના કિર્તનો મહારાજની હયાતીમાં લખ્યા છે. જે આજે પણ શ્રીહરિ શરણાગતિ મંડળમાં ગવાય છે. આમ રણછોડભગતનાં પુત્ર પરિવારે પ્રગટ ભગવાનની સેવા કરીને અખંડ રાજીપો મેળવેલ છે માટે ધન્ય છે.

અનાદિ મુક્તરાજ ચંદુભગત રણછોડભગત ચૌહાણ

ગામ ઃ જામવંથલી, હાલ- પૂના

અમારા દાદાના સમયથી જ પરિવારના સૌ મહારાજને ઓળખતા અને આજે અમે પણ મહારાજને ભગવાન તરીકે ઓળખી ભજન કરીએ છીએ. અમારા દાદાને મહારાજે દિક્ષા આપી. અમારા બાપુજીને મહારાજે દિક્ષા આપી છે ને મને મહારાજે દિક્ષા આપી છે ને અમારી દીકરી ત્યારે બાર મહિનાની હતી એમને પણ મહારાજે દિક્ષા આપી છે. આમ અમારો પરિવાર વંશ પરંપરાગત પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણ પ્રત્યક્ષ ભગવાનના દિક્ષાર્થી થયા એ અમારા પરમ ભાગ્ય છે.

મહારાજ જામવંથલી પધાર્યા કથા વાંચીને વંથલીમાં રોકાયા ત્યારે મારી ઉંમર નાની હતી એ સમયમાં નાની નાની સેવાઓ તથા ચરણસેવાના લાભ મળતા. મહારાજ બહું રાજી થતા. પછી હું મોટો થયો એટલે મને દુબઈ જવાનું મન થયું. ત્યારે મેં કરસનબાપા, દામજી માસ્તર, હિરાબાપા, છગનમાસ્તર આ બધા ભક્તો ફુલવાડીમાં વંડો બનાવવા પાયાનું કામ ચાલુ હતું તેમાં સેવામાં હતા. તેમનગ મેં વાત કરી એટલે કરસનબાપા કહે, દુબઈ જાવું છે. તે પહેલાં અહીંયા આ વંડાના પાયા ગાળવા આવ એટલે ખબર પડે કે કેમ દુબઈ જવાય છે. ત્યારે ૧પ દિવસ કામ કર્યું આગળ ચાલ હતી નહીં એટલે મને મજૂરી આપી તો મેં ના પાડી. ફુલવાડીમાં કામના પૈસા થોડા લેવાય ! ત્યારે બહુ ભાર આપ્યો તો અડધા પૈસા લીધા. પછી કરસનબાપા કહે, હવે હથોડા મારવા આવ પછી કરસનબાપાની સાથે કામમાં હથોડો ચલાવતો.

પછી હું મહારાજના દર્શન કરવા જૂનાગઢ ગયો ત્યારે મેં મહારાજને આ બધી વાત કરી તો મહારાજ કહે, સાચી વાત મંદિરમાં કામના પૈસા થોડા લેવાય. મહારાજ રાજી થયા ને કહ્યું, તું અહીંથી પૂના જા રસ્તામાં ક્યાંય રોકાતો નહીં. ત્યારે રસ્તામાં સૂરત આવે ને સૂરતમાં મારા માસા મોટા કોન્ટ્રાક્ટર પરંતુ મહારાજે રસ્તામાં રોકાવાની ના પાડી છે એટલે હું સીધો પૂના આવ્યો અને કામ શરૂ કર્યું. એ કામ મહારાજની કૃપાથી નકશી કામ થયું નહીંતર હું નકશી કામ શીખ્યો નથી. ત્યારે બાર રૂપિયા હાજરી ચાલતી હતી. કોન્ટ્રાક્ટર કહે, તારું કામ થોડું ઓછું છે માટે તને રૂ.૧૦ હાજરી આપીશ. બીજીવાર વધારી આપીશ. મેં વિચાર્યું કે મહારાજની કૃપાથી રૂ.૧૦ મળ્યા પછી પહેલા મેં મહારાજને મનીઓર્ડરમાં સેવા મોકલી અને બીજા પગારમાંથી પાસપોર્ટ બનાવ્યો ને મહિનામાં દુબઈ જવાનું નક્કી થઈ ગયું.

દુબઈમાં ભજન, સત્સંગનો સારો લાભ મળતો. હું દુબઈથી આવ્યો ત્યારે દાદા માટે

કોટીનું કાપડ લાવ્યો હતો. એ દાદાના ખોળામાં મૂક્યું ને હજાર રૂપિયા આપ્યા તો દાદા બહું રાજી થઈ બોલ્યા. મેં મહારાજને ઓળખ્યા. મારા દીકરાઓએ મહારાજને ઓળખ્યા. એના છોકરા તમે મહારાજને ઓળખો છો અને ભજો છો ને તમારા છોકરાવને મહારાજ ઓળખાવજો. બસ મારા દિલમાં ઠંડક થઈ છે કારણ કે, કરવાનું છે એ થાય છે એથી તૃપ્તિ અને ઠંડક થાય છે.

મારા બાપુજી પહેલાં પૂના હતા ને એમને આંખમાં તકલીફ થઈ એટલે દેશમાં આવી ઈરવીન હોસ્પિટલથી દવા લીધી પરંતુ આંખે કાંઈ દેખાતું નહીં એટલે મહારાજને કહ્યું, મહારાજ તમારે મને અહીં રાખવો હોય તો મને મારા જેવું દેખાય એવો તમે દેખતો કરો નહીં તો ધામમાં લઈ જાઓ. ત્યારે મહારાજ કહે, તમારી ભાવના જોતા એમ થાય છે કે તમને થોડુંક દેખાય એવું કરીએ એટલે મહારાજે એક વાઘ નખને ઘસવા મારબલનો ટુકડો આપ્યો અને કહ્યું, આ વાઘનખ ઘસીને આંજો એટલે તમને તમારા પૂરતું પંદર દિવસમાં દેખાવા મંડશે.

એકવાર મને સંકલ્પ થયો કે, સ્વામિનારાયણ ભગવાનને વાઘા પહેરાવાય તો આપણા મહારાજનેય પહેરાવીએ. એટલે વાઘાના કાપડની તો જયંતિભગત રાઠોડે ગોઠવણ કરી હતી. એ દુબઈથી લીધું હતું અને મુગટ મારા ઘરના લલિતા હું અને જયંતિભગતના ઘરના દયાબેને મળી અમે ત્રણ જણા થઈ મુગટ બનાવ્યો હતો. હું ડિઝાઈન બનાવું ને માલ-સામાન લઈ આવું તેમજ સાથે એક પૂજાનું પાથરણું બનાવ્યું હતું ને એમાં એલ અને સી લખેલું છે અને વાઘા જૂનાગઢ હેમંતભગતે તૈયાર કરાવ્યા હતા. એટલે એક દિવસ અમે મહારાજના દર્શન કરવા ગયા ત્યારે મહારાજ કહે, હવે તારા સંકલ્પનું શું થયું લે કર પૂરો. એટલે અમે મેં ચંદુભગતે, જયંતિભગતે અને ભગવાનજીભગતે બપોરના સમયે મહારાજને વાઘા પહેરાવ્યા, મુગટ પહેરાવ્યો અને ફોટા પડાવ્યા.

ત્યાર બાદ હું ઇરાક ગયો. ત્યાં દામજી માસ્તરનો પ્રવિણભગત અને બીજા મનસુખ ભગત અમારી સાઇટની બાજુમાં રહેતા. ત્યાં અમારી સાઇડમાં અમે ત્રણ જણા રૂમમાં રહેતા પરંતુ એ માણસો નાસ્તિક એટલે અમારું રસોડું અલગ બનાવતા. ત્યારે મેં મહારાજને પત્ર લખ્યો કે, મહારાજ અહીં બધા વિકૃત માનસિકતાવાળા છે અહીં હું એકલો છું રક્ષા કરજો. ત્યારે મહારાજનો પ્રસાદીપત્ર આવ્યો કે તું એકલો નથી હું તારા ભેગો જ છું, હવે આવું વિચારતો નહીં. મહારાજના દરરોજ એક દિવસ નહીં એક દિવસે દર્શન થતાં. એ પણ કાયમ સવારે ૪-૩૦ની આસપાસ દર્શન થતા.

મહારાજે અમોને કુંકાવાવનું લખાણ આપ્યું. કુંકાવાવ દર્શન માટે મોકલ્યા અને કહ્યું કે મધુભગતને મળજો અને કહેજો મંદિર માટે પૂર્વમાં ઉત્તમ આ ગુંદાવાડી છે અને જન્મ સ્થળ જજો અને ત્યાં ખૂબ ભજન કરજો. હવે કુંકાવાવને જગાડવું પડશે. આમ અમે કુંકાવાવ જતા પહેલાં મહારાજે સૂકો મેવો કાઢ્યો ત્યારે મેં સંકલ્પ કર્યો કે, પ્રસાદીની થોડી રાખી લઉં. ત્યાં મહારાજ બોલ્યા કે એવા સંકલ્પ નહીં કરવાના. આ બધી અહીં જમી જવાની છે. મહારાજ જાણી ગયા ત્યારે મહારાજે આ સૂકોમેવો જે ધોતિયા પર રાખ્યો હતો એટલે મને મનમાં થયું કે આ પ્રસાદીની ધોતી રાખી લઉં. ત્યાં અંતર્યામી મહારાજ બોલ્યા. હા એ બરાબર. એ લઈ જા.

મહારાજની દાઢીના કેશ, નખ, અસ્થિ તથા વાઘ નખ, ગંજીયા, ધોતિ પ્રસાદીના અમારી પાસે છે. આમ મહારાજની કૃપાથી સૌ સારાવાના છે અને મહારાજે જ મને આ લોકમાં રાખ્યો છે. મારું એક્તિસડન્ટ થયું અને બાર મહિના સુધી દુઃખ ઘણું હતું પછી મારો પગ કપાવવો પડ્યો ત્યારે મને મહારાજે દર્શન આપ્યા ને હથેળીમાં બેસાડીને ફુલવાડીમાં મૂકી દીધો. ત્યાં મને ૧પ દિવસ પછી બીજીવાર દર્શન આપ્યાં ત્યારે મેં નક્કી કર્યું કે મહારાજ તેડવા આવ્યા હવે મારે કોઈ ને કાંઈ કહેવું નથી. એટલે ફરી હથેળીમાં લઈ ફરી ફુલવાડીમાં મૂકી દીધો ત્યારે સામે ધાનાણી ભગતને એ બધા બેઠાં હતા ત્યારે ધાનાણી બોલ્યા જુઓ તો ખરા ચંદુભગત ચાલીને આવે છે ને હું પગથીયા પાસે પહાગચ્યો ત્યાં મને મહારાજના પગથીયે ઊભા ઊભા દર્શન થયા, આંખ હલાવીને કહેતા હોય કે કેવું લાગે છે ફુલવાડીમાં. પછી મારો પગ સાજો થયો, કૃત્રિામ પગ નંખાવ્યો. હું ફુલવાડી આવ્યો ને સવાર-સાંજ કિર્તનો બોલતો. ધીમે ધીમે ફુલહાર પરોવવા લાગ્યો ત્યારે મને મહારાજે દર્શન આપ્યા ને ફુલવાડીમાં મૂકી દીધો એ યાદ આવ્યું ને થયું હા મહારાજે એટલે જ દર્શન આપ્યાં હતાં કે હવે આ ફુલવાડીની સેવા કરવા મહારાજે મને સાજો કર્યો છે. અત્યારે ફુલવાડીમાં હાર પરોવવા તથા કિર્તનો બોલવા આ નવું જીવન આપ્યું છે. એમ એ સાત વર્ષમાં મહારાજ છ વખત દર્શન આપ્યા હતાં.

એકવાર મહારાજ કહે, સો જન્મો બ્રહ્મચર્ય વ્રત પાળ્યું હોય ત્યારે પોતાના મુખારવિંદ પર હાથ ફેરવીને કહ્યું, આ મુખારવિંદના દર્શન થાય. તે તમે આજે મારા ખોળામાં બેઠા છો. એમ મહારાજની કૃપાથી જીવન ચાલ્યું જાય છે. ફુલવાડી સેવા થાય છે, કુંકાવાવ દર્શને જવાય છે. પરિવાર પ્રગટ ભગવાન અનાદિ કૃષ્ણનારાયણને ઓળખ્યા છે અને ભજે છે, સેવે છે.