પરચા ૮૭

અનાદિ મુક્તરાજ કાંતિભગત રણછોડભગત પરમાર

જીરાગઢ, હાલ- અમદાવાદ

જીરાગઢની પવિત્ર ભૂમિ પર રણછોડભગતના ઘરે પ્રભુકૃપાથી મારો જન્મ થયો. અમારી પરંપરામાં અમે રામકૃષ્ણ આદિક ભગવાનનાં અવતારોને વિશેષપણે પૂજ્યભાવે માનતા, પરંતુ જ્યારે ભગવાન સ્વામિનારાયણ વિશે જીરાગઢના સંતો-ભક્તો દ્વારા જાણ્યું ત્યારે અમે સત્સંગી થયા. જીરાગઢમાં રહેતા ધરમશી મિસ્ત્રી ભગત તેઓ ખૂબ સારા વચનામૃતના જ્ઞાની હતા. એકવાર મેં તેમને પૂછ્યું કે, આ પૃથ્વી ભગવાન વગર તો ખાલી ન હોય તો ભગવાન જેવા કોઈ સંત પૃથ્વી પર હોવા તો જોઈએ. તો તરત જ તેમણે મને કહ્યું, જૂનાગઢ મંદિરમાં રહેતા શાસ્ત્રી શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ ભગવાન જેવા સંત છે. તેમનામાં ભગવાનપણાના ચિન્હો પણ છે. હું તમને ત્યાં દર્શન કરવા લઈ જઈશ, પરંતુ તેઓ શાસ્ત્ર લેખનમાં ખૂબ જ વ્યસ્ત હોય છે. માટે આપણે એમની પાસે સત્સંગ માટે બહુ નહીં બેસી શકીએ. આ વાત સાંભળી મેં કહ્યું, તમે જેમ કહો તેમ પણ મારે વહેલી તકે મહારાજના દર્શન કરવા જૂનાગઢ જવું છે. પછી અમે જૂનાગઢ ગયા ત્યારે પહેલીવાર તો માત્ર મહારાજના દર્શન કરી આરતી, દંડવત્ કરી જીરાગઢ પરત આવ્યા પણ મને મહારાજના ચિન્હોના દર્શનની ખૂબ જ ઈચ્છા હતી. જેથી ફરી વખત જ્યારે જૂનાગઢ ગયા ત્યારે નવા બાલમુકુંદ ભવનનું બાંધકામ ચાલું હતું જેથી સામેની ગલીમાં મહારાજની જૂની રૂમ હતી ત્યાં મહારાજ પાસે જઈ પ્રાર્થના કરી કે, મહારાજ તમારા ચિન્હોના દર્શન કરવા છે. તો મહારાજ કહે ચિન્હો જોઈને શું કરશો ? કેટલાંય ચિન્હો જોઈને વયા ગયા પણ અમને ભગવાન તો ન માન્યા અને અમારા થયા પણ નહીં. તો મેં કહ્યું, મહારાજ અમે તમારા જ છીએ અને જીવન પર્યંત તમારા જ રહેવાના છીએ માટે કૃપા કરી ચિન્હના દર્શન કરાવો.

પછી મહારાજે અતિ હેતથી મારી નજીક બેસી મારા ઢીંચણને તેમના ઢીંચણ અડાડી રાજી થઈ ચિન્હોના દર્શન કરાવવા લાગ્યા અને કહ્યું, જો તને ચિન્હો સ્પષ્ટ ન દેખાતા હોય તો આ મારો બિલોરી કાચ લે જેથી મારા દરેક ચિન્હ એની રેખાઓ ઉપસેલી તને સ્પષ્ટ દેખાશે આ રીતે મેં કર-ચરણોના દરેક ચિન્હોનાં ભાવથી દર્શન કર્યાં ત્યારબાદ મહારાજે મને સાથળમાં ખાપાના ચિન્હના દર્શન કરાવતા કહ્યું કે, અમે જ્યારે કુંકાવાવ ગુંદાવાડીએ ગાયો ચરાવવા જતા ત્યારે એ ગુંદાના ઝાડ પર ચડી અને દૂર દૂર સુધી દૃષ્ટિ કરી જોઈ

રહ્યા હતા કે અમારા ભક્તો કઈ દિશામાં વસે છે. ત્યારે જ્યારે ઝાડ પરથી નીચે ઉતર્યા ત્યારે અમને સાથળમાં સહેજ ઈજા થઈ હતી. જેથી આ ખાપાનું ચિન્હ અહીં રહી ગયું. જે ચિન્હ સ્વામિનારાયણ ભગવાનને પણ સાથળમાં હતું. તે ખાપા નીચે મહારાજે લક્ષ્મીજીના પણ મને દર્શન કરાવ્યા. તે લક્ષ્મીજી જેમ લોહીની નસો શરીરમાં ઉપસેલી હોય તે પ્રમાણે મહારાજે મને લાઈનમાં એ નસો એવી રીતે બતાવી કે જાણે લક્ષ્મીજી સાક્ષાત્ મહારાજની સેવામાં બેઠાં હોય.

મારા લગ્ન થયાને ચાર વર્ષ થયા છતાં પણ અમારે સંતાન ન હતું. જેથી મારા ધર્મપત્ની વનિતાબેને મને કહ્યું, આપણે જૂનાગઢ જઈ મહારાજના આશિર્વાદ લઈએ જેથી સારાવાના થાય. પછી અમે જૂનાગઢ ગયા મેં મહારાજને આ બધી વાત કરી. તો મહારાજ મનુષ્ય ચરિત્ર કરતાં કહે કે, હું અત્યારે તમને કોઈ જવાબ ન આપી શકું મારે તો રાત્રો ધ્યાનમાં બેસી બધું જોવું પડે. એટલે કાલે સવારે આવો તમને કહીશ એટલે હું સવારે મહારાજ પાસે ગયો તો મહારાજે એક કાગળમાં ‘રાજેશ' લખીને આપ્યું ત્યારે હેમંતભગત ચાની કિટલી લઈને આવ્યા મને ચા આપ્યો, મેં પીધો. તો મહારાજ કહે હેમંતભગત આમના ઘરના નીચે ઊભા છે તો તેમને પણ તમે ચા આપી આવો. તાગ મેં કહ્યું, મહારાજ વનિતાને ચા ન પીવાની બાધા છે. તો તરત જ મહારાજ બોલ્યા, હવે તમને અમો સ્વયં ભગવાન મળી ગયા છીએ માટે કોઈ બાધા ન રાખવી. આ વાત મારા ઘરનાને મેં કરી એટલે તેમણે ચાની બાધા છોડી ચા પીધી.

ત્યાર બાદ બીજે દિવસે સવારે મહારાજે હેમંતભગત પાસે બે થેલી દૂધ મંગાવ્યું અને પોતે જે રકાબીમાં ચા પીતા હતા તેમાં થોડું દૂધ નંખાવ્યું ને પીધું પછી તેમાં વધેલી પ્રસાદીની ચા હેમંતભગત પાસે કિટલીમાં નંખાવી અને અમને પીવા માટે આપી. ત્યારે ધુળકોટના અમારા કાકા-કાકી પણ જૂનાગઢ મહારાજના દર્શને સાથે હતા. જેથી અમને સૌને સ્વયં મહારાજની પીધેલી પ્રસાદીનો ચા પીવાનો લ્હાવો મળ્યો ત્યારે મહારાજે બાલમુકુંદ ભવનની રવેશમાં ઊભા રહી મારા ધર્મપત્ની અને કાકા-કાકી તેમજ મારા બા સૌને દર્શન દઈ આશિર્વાદ આપ્યા હતા.

મારા કાકા-કાકીએ સંતાન પ્રાપ્તિ માટે મહારાજને પ્રાર્થના કરી ત્યારે મહારાજે તેમને કહ્યું કે, મંદિરમાં સિદ્ધેશ્વર મહાદેવ બિરાજમાન છે તમે ત્યાં જઈ પ્રાર્થના કરો એટલે તમને સંતાન પ્રાપ્તિ થશે. પણ તમે પ્રાર્થના કરો ત્યારે મહાદેવજીને ભૂલ્યા વગર એમ કહેજો કે મને તમારી પાસે મહારાજે આશિર્વાદ લેવા માટે મોકલ્યો છે. તો જ તમારો સંકલ્પ પૂર્ણ થશે.

કારણ કે, મહાદેવજી અનાદિકાળથી અમારા પરમ ભક્ત છે. માટે અમારી દરેક આજ્ઞાનું પાલન કરે છે. પછી કાકા મંદિરમાં સિદ્ધેશ્વર મહાદેવ પાસે ગયા અને પ્રાર્થના કરી. ત્યારે મહારાજે મને કહ્યું, મેં તેને ત્યાં એટલા માટે મોકલ્યો કે, કારણ કે તમારા કાકા મહાદેવજીના પરમ ભક્ત છે, મારા નથી. પણ તેમના ભાગ્યમાં સંતાન નથી માટે નહીં થાય તેનો અફસોસ કરવો નહીં.

બાલમુકુંદ ભવનના વાસ્તા પહેલાં હું મહારાજના દર્શન કરવા જૂનાગઢ ગયો ત્યારે મહારાજે મને સ્વહસ્તે કંઠી બાંધી મંત્રદિક્ષા આપી તેમજ પોતાનું પહેરેલું ગંજીયું મને પહેરાવી ખૂબ જ હૃદયથી સુખી થાઓ, સેવા કરો, ભજન કરો તેવા આશિર્વાદ આપી ભાવથી ભેટ્યા.

બાલમુકુંદ ભવનના વાસ્તા વખતે હું જૂનાગઢ ગયો ત્યારે મહારાજ પોતાના રૂમમાં મહારાજ હાલતા-ચાલતાં માળા ફેરવતા હતા. ગળામાં ગુલાબનો હાર પહેર્યો હતો. ત્યારે મહારાજના ચરણ સહેજ ભીના હતા તો મેં મહારાજના ચરણમાં વંદન કરી બે બકીઓ લીધી. આમ ચરણામૃત પીધું અને મહારાજના કંઠમાંથી હારની પાંખડીઓ નીચે પડી હતી તેના પર પણ મહારાજ ચાલ્યા હતા તો તે પ્રસાદીની ગુલાબ પાંખડી મને આપીને મહારાજે કહ્યું કે આ હવે ફરી નહીં મળે. ત્યારે મેં મહારાજને મારી દીકરીના નામકરણ માટે કહ્યું તો મહારાજે ફરી રાજેશ નામ લખી આપ્યું. તો મેં મહારાજને કહ્યું, મહારાજ દીકરીનો જન્મ થયો છે તો મહારાજે રાજેશ્રી નામ લખી આપ્યું. પછી સમય જતાં મારે ફરી દીકરીનો જન્મ થયો તેનું નામ કોઠારી સ્વામીએ પાડ્યું પછી દીકરાનો જન્મ થયો જેની રાશી પણ તુલા રાશી આવતા મહારાજે કહ્યા મુજબ રાજેશ નામ રાખ્યું. આમ મહારાજના આશિર્વાદથી મારે ત્યાં રાજેશનો જન્મ થયો અને તે હાલમાં મહારાજની સર્વોપરિ ઉપાસના રાખી સેવા-ભક્તિ કરી ધર્મ નિયમમાં રહી પવિત્ર પણે જીવન વ્યતિત કરે છે. તેનો અમને ખૂબ જ આનંદ છે.

મહારાજ ધામમાં ગયા ત્યારે અમે સૌ જીરાગઢના ભક્તો જૂનાગઢ દર્શને ગયા હતા સૌને અતિ દુઃખ હતું પણ ભગવાન તો પ્રગટપણે આપણી ભેગા જ છે. એવું અમને જીરાગઢના સૌ ભક્તોને અંતરમાં દૃઢ વિશ્વાસ હતો. મહારાજને પણ અમારું જીરાગઢ મંડળ અતિ વ્હાલું હતું. જેથી હવે અમે ભક્તો જીરાગઢમાં પણ મહારાજના હરિમંદિરનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. પ્રગટ ભગવાનની ઈચ્છા, કૃપા અને મંડળના સહયોગથી જીરાગઢ મંદિર ભવ્ય અને દિવ્ય રીતે પૂર્ણ થાય એ જ અભ્યર્થના છે...