પરચા ૯૦

અનાદિ મુક્તરાજ મનસુખભગત ભગવાનજીભગત વરૂ

જીરાગઢ

જીરાગઢના મહાન ભક્ત અનાદિ મુક્તરાજ ધરમશીભગત મિસ્ત્રી હકલાભગતને મહારાજની ઓળખાણ કરાવનારા હતા. એકવાર હકલાભગત જીરાગઢ સ્વામિનારાયણ મંદિરમાં કિર્તન ગાતા કે, ‘‘અતિ મોટા પુરુષનો લે આશરો, બળે પૂર્વ જન્મના પાપ, અંતકાળે સગું નહીં કોઈનું રે...''

રાત્રો પછી મંદિરમાં સત્સંગ કરતા તો એમાં હકલાભગતે પ્રશ્ન કર્યો કે, અતિ મોટા પુરુષ કોને કહેવા અને તેમના દર્શન ક્યાં થાય ? તેમાં ધરમશીભગત બોલ્યા કે, જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ નામે મોટા પુરુષ રહે છે ત્યાં જાઈએ.

પછી વસંતભગત, કાંતિભગત, ધરમશીભગત, શાંતિભગત આ ભક્તો જૂનાગઢ મહારાજના દર્શન કરવા ગયા. મહારાજે પૂછ્યું કે, ક્યારે આવ્યા છો ? ભગતે જવાબ આપ્યો કે, અમે તો હજુ ચાલ્યા આવીએ છીએ રાજકોટવાળી બસમાં... ત્યારે સવારના દસ વાગ્યા હતા. મહારાજે હેમંતભગતને કહ્યું કે, ભક્તો આવ્યા છે ચા-પાણી પાઓ. ચા-પાણી પીધા પછી મહારાજે પૂછ્યું કે, હવે તમારે જમવાનું શું છે ? ભગતે કહ્યું કે, કાંઈ જમ્યા નથી. પછી મહારાજે કહ્યું કે, તમે મંદિરમાં ભોજનશાળામાં પ્રસાદ લઈ આવો... પછી પોણા બાર વાગ્યે જમીને ફરી બાલમુકુંદ ભવનમાં આવ્યા. ભગત ગયા એટલે મહારાજ જમતા હતા એટલે મહારાજે પ્રસાદીના લાડવા આપ્યા એ બધા જમ્યા.

ત્યારે ભગતને સંકલ્પ થયા કરે કે, આ વંથલીવાળા ભક્તો તો મહારાજને ભગવાન કહે છે પણ આ તો માનવરૂપે છે. પછી મહારાજ સંકલ્પ જાણી ગયા. પછી મહારાજે કહ્યું, ઓરા આવો, ઓરા આવો... પછી મહારાજે હથેળી બતાવી. ભગતે કહ્યું કે, આમાં તો કાંઈ નથી હથેળી જેવી હથેળી છે. મહારાજે કહ્યું કે, સરખું જુઓ હમણાં દર્શન થાશે. પછી મહારાજે સ્વસ્તિક, ધનુષ્ય, મત્સ્યના ચિન્હોના દર્શન કરાવ્યા પછી મહારાજે કહ્યું કે, હવે તો ભગવાન કહીશ ને ? પછી ભગતે કહ્યું, હા મહારાજ.

મહારાજે ભગતને પૂછ્યું કે, પૂજા કરો છો ? ભગતે કહ્યું, ના. તો મહારાજે કહ્યુંં,

મંદિરમાં પૂજા મળે છે, પૂજા લેતા આવો. મંદિરમાંથી ભગત પૂજા લઇ આવ્યા અને મહારાજે પ્રસાદીની કરી આપી પછી કહ્યું, માળા ફેરવતા આવડે તો ભગત કહે, ના. પછી મહારાજે માળા ફેરવીને બતાવી અને કહ્યું કે, જુઓ આમ ફેરવાય. પછી પૂજાની નવી માળા કડક હતી. મહારાજે કહ્યું કે, તમે કડક માળા મને આપી દો અને આ બીજી માળા લઈ જાવ. પછી મહારાજે ઉપદેશ કર્યો કે, રાત્રો સીમમાં જાવું હોય તો માળા સાથે લઈ જવાય. નિંદર ના આવે તો ફેરવાય, નિંદર ન આવે તો ડોકમાં નાખીને પણ સૂઈ જવાય. આ માળા ગમે ત્યારે તમારી રક્ષા કરશે.

એક વખત ભગતની વાડીમાં પાઈપલાઈન નંખાતી હતી. રાત્રો પાઈપની ચોરી ન થાય એટલે ભગત સૂવા જતા. રાત્રો ભગત સૂઈ ગયા એટલે ભૂત આવ્યું એટલે ભગતે પૂછ્યું કે, તું કોણ છો ? એટલે પેલા ભૂતે કહ્યું કે, હું મામો છું. પછી ભગતને ઓલી માળા યાદ આવી એટલે મહારાજે કહ્યું હતું કે, આ માળા તારી રક્ષા કરશે. પછી ઓલા મામાએ કહ્યું કે, હું કહું એમ કરીશ તો તારી પાસે લાખો માણસો આવશે તો ભગતે કહ્યું કે, બોલો. તો કહ્યું કે, તારી આ માળા અને ભગવું ગંજી કાઢી નાખ તો કહું. તો ભગતે કહ્યું કે, એ તો ના નીકળે. એ તો મારા ભગવાને આપ્યું છે. તારે આપવું હોય તો આપ નહીંતર વયો જા. તો એ મામો અદૃશ્ય થઈ ગયો.