અનાદિ મુક્તરાજ મહેશભગત ગોરધનભગત કાથરોટિયા
કુંકાવાવ, હાલ-અમદાવાદ
મારા બાપુજી ગોરધનભાઈ કુંકાવાવથી જૂનાગઢ ઘણીવાર મહારાજનાં દર્શન કરવા જતાં અને કુંકાવાવથી જૂનાગઢ કોઈ ભક્તો મહારાજનાં દર્શન કરવા આવતાં એટલે મહારાજ વિશેષ રાજી થતાં.
એકવાર મારા બાપુજીએ જૂનાગઢથી નવું ટ્રેકટર ખરીદવાનું વિચાર્યું એટલે પૈસાની વ્યવસ્થા કરી. એક કોળી જ્ઞાતિનાં ભાઈને ટ્રેકટર લેવા માટે જૂનાગઢ સાથે લઈ ગયાં. જૂનાગઢ પહાગચી ટ્રેકટર જોવા ગયા અને ત્યાં તે કોળીએ મારા બાપુજીને કહ્યું કે, તમે ટ્રેકટર ચલાવીને ચેક કરી લો. ત્યાં સુધી હું તમારા પૈસાની થેલી સાચવી રાખું. આ બાજુ મારા બાપુજી ટ્રેકટર જોતાં હતા અને આ બાજુ એ કોળીભાઈ પૈસા લઈ ભાગી ગયાં. પછી તો બાપુજીએ એને ખૂબ શોધ્યો પણ એ ક્યાંય ન મળ્યો. અંતે બાપુજી નિરાશ થઈ મંદિરે મહારાજ પાસે આવી બધી વાત કરી. મહારાજે એમને આશ્વાસન આપી કહ્યું કે, તમે નિરાશ ન થાવ. એ પૈસા તમારાં ભાગ્યમાં ન હતાં. એમ કહી મહારાજે કહ્યું કે, તમે આજનો દિવસ જૂનાગઢ રોકાઈ જાવ. હવે તમે બીજા પૈસાનું ટ્રેકટર લઈ લેજો અને તમારા પૈસાની ચોરી કરનાર એ કોળી બે મહિના પછી તમને પૈસા પાછા દેવા સામેથી આવશે ત્યારે તમે એ પૈસા લઈ લેજો પણ એને કોઈ સજા ન કરતાં.
મહારાજે જેમ કહ્યું એમ જ થયું. થોડા દિવસ પછી બાપુજીએ બીજા પૈસાનું ગુજરાતમાંથી નવું ટ્રેકટર લઈ લીધું અને બે મહિના પછી એ કોળી સામેથી ઘરે આવીને પૈસા પણ આપી ગયો પણ મહારાજની આજ્ઞા હોવાથી બાપુજીએ એને કોઈ સજા ન કરી અને એને રજા આપી દીધી.
એકવાર હેમંતભગત કુંકાવાવ આવ્યાં હતાં ત્યારે અમારા ઘેર પધરામણી કરી ત્યારે મારા બાએ હેમંતભગતને વિનંતી કરી કહ્યું કે, ભગત મહારાજને જૂનાગઢ કહેજો કે, અમને રાજી થઈ પ્રસાદીમાં કંકુપગલાં આપે. હેમંતભગતે જૂનાગઢ જઈ મહારાજને વાત કરી. મહારાજે હેમંતભગતને કહ્યું કે, જાવ બજારમાંથી ડિઝાઈનવાળું રેશમી કપડું લઈ આવો. હેમંતભગત બે જોડી કંકુપગલાં થાય તે માપનું રેશમી કપડું લઈ આવી મહારાજને આપ્યું. મહારાજે તેના પર બે જોડી કંકુપગલાં રાજીપાથી પાડી આપ્યાં. મારા બાપુજી જ્યારે જૂનાગઢ દર્શન કરવાં ગયાં ત્યારે એ બે જોડી કંકુપગલાં અને સાથે બાલમુકુંદ ભવનનાં વાસ્તાના
પ્રસાદીના થાળી-વાટકાં (અક્ષયપાત્ર) પણ મહારાજે બાપુજીને આપ્યાં હતાં.
મારા દાદા ચારધામની યાત્રાએ ગયાં હતાં ત્યારે દ્વારકાથી માખણિયા લાલજીની મૂર્તિ લીધી હતી. એ મૂર્તિ લઈ જૂનાગઢ મહારાજનાં દર્શન કરવાં ગયાં ત્યારે મહારાજને બતાવી. મહારાજ માખણિયા લાલજીને જોઈ ખૂબ રાજી થયા અને કહ્યું કે, આજનો દિવસ ભલે મારી પાસે આ મૂર્તિ રહી હું આમની સેવા-પૂજા કરી પ્રસાદીના કરી આપું. કાલે તમે કુંકાવાવ જાવ ત્યારે સાથે લઈ જજો અને કાયમ માટે અમારું સ્વરૂપ માની આ મૂર્તિની ભાવપ્રેમથી કાયમ સેવા-પૂજા કરજો, જે મૂર્તિની સેવા હાલમાં પણ અમે કરી રહ્યાં છીએ.
મહારાજનાં આશિર્વાદથી મારો જન્મ થયો છે અને મારા બાપુજી મને જૂનાગઢ લઈ જઈ મહારાજ પાસે કંઠી બંધાવી હતી અને મારું નામ મહેશ પણ મહારાજે જ પાડ્યું હતું. જ્યારે મહારાજ ધામમાં ગયાં ત્યારે હું ચોથા ધોરણમાં હતો અને એ જ દિવસે કુંકાવાવ મહારાજનાં જન્મસ્થાન મંદિરનો સ્લેબ ભરાતો હતો ને હું ત્યાં સેવામાં હતો. મારી અને મારી બેનને જૂનાગઢમાં મહારાજની અંતિમદર્શન કરવાની ઘણી ઈચ્છા હતી પણ જૂનાગઢ ઘણી ભીડ હોવાથી ઘરેથી ત્યાં આવવા માટે રજા ન મળી. જન્મસ્થાનનાં બાંધકામ વખતે આખું વર્ષ જ્યાં જેવી જરૂર પડે ત્યારે હું સેવામાં જતો ભણવામાં બિલકુલ ધ્યાન ન આપતો. પણ તેમ છતાંય એ સેવાના પ્રતાપે મહારાજનાં આશિર્વાદથી વગર મહેનતે હું ચોથા ધોરણમાં પાસ થઈ ગયો.
જન્મસ્થાન મંદિરની સાથે કુંકાવાવ પાદરનાં સ્મૃતિમંદિરે તેમજ બ્રહ્મપેલેસ મંદિરે પણ મારી યથાશક્તિ પ્રમાણે તન, મન, ધનથી સેવાનો લાભ લઇને મહારાજને વિશેષ રાજી કર્યાં છે અને ભવિષ્યમાં પણ અમારા પરિવારમાં મારા ધર્મપત્ની અને મારા દિકરાનો એવો જ સંકલ્પ છે કે, આપણે આપણાં જીવનમાં વધારેમાં વધારે મહારાજનાં મંદિરોમાં સેવાનો લાભ લઈ મહારાજને તેમજ ભક્તોને રાજી કરવાં છે અને આપણો આ મનુષ્ય જન્મ મહારાજની ઉપાસના, સેવા, ભક્તિ કરી મહારાજ લેખે કરી રાખવો છે.