પરચા ૧૨૭

ટપુભગત વીરાભગત, કાનજી દેવશી, ધીરૂ પટેલ

કાનજી દેવશી ટાંક, ગામ ઃ જામવંથલી

ટપુ ભગત એક વખત બહુ જ બીમાર હોવાથી રાતના ૮ વાગ્યે તેમણે રાઘવ પોપટ પોરિયાને જામનગર પ્રગટ ભગવાન પાસે પ્રસાદી તથા પ્રસાદીનું જળ લેવા મોકલ્યા. રાઘવ ભગત જામનગર ૧૦ વાગ્યે રાત્રો ગયા. ત્યારે ઓફિસની ઓસરીમાં પ્રગટ ભગવાન બિરાજમાન હતા. તે સમયે રાઘવ ભગતે આવીને દંડવત્ કરી ટપુ ભગતને સાજા કરવાની પ્રાર્થના કરી અને પ્રસાદીનું જળ માગ્યું. ત્યારે મહારાજે રાઘવભગતને કહ્યું કે, જુઓ આકાશમાં અમે ટપુભગતને ધામમાં તેડવા માટે જઈએ છીએ. તે રાઘવભગતે દૃશ્ય જોયું. આમ પ્રગટ ભગવાન ટપુભગતને પોતાના પરમધામમાં તેડી ગયા. પછી રાઘવભગતને પ્રગટ ભગવાને પ્રસાદીનું જળ અને ફુલહાર આપ્યા અને કહ્યું કે, આ હાર તથા જળ શબને ચડાવજો. પછી રાઘવભગતે જામવંથલી આવીને ટપુ ભગતનાં પરિવારને આ બધી હકિકતની વાત કહી સંભળાવી ત્યારે તેમના ઘરના સૌ સભ્યો આશ્ચર્ય પામ્યા. અને મહારાજ પ્રગટ સાક્ષાત ભગવાન છે એમ નિશ્ચય થયો.

કાનજી ભગતના પત્નીને બાળકના જન્મ પછી બે મહિનામાં ધાવણ બંધ થઈ જતા અનેક જગ્યાએ તેમના સસરાપક્ષના માણસોએ ઉપાય કર્યાં પણ જ્યારે કંટાળીને વંથલી પાછા આવ્યા ત્યારે દેવશીબાપાએ બધાંને જામનગર આવવા જણાવ્યું કારણ કે તેઓએ મહારાજ થકી ઘણા પરચા દુઃખનાશક શરણાગતને સુખી કરનારા દાખલાઓ જોયા હતા. તેથી તરત જામનગર મહારાજની પાસે ગયા અને વિનંતી કરી કે, હે પ્રગટ ભગવાન તમારે શરણે આવ્યા છીએ માટે મા-બાપ તમે સારું કરો. દૂધ બંધ થતા માતા અને બાળકને ખૂબ તકલીફ પડે છે. ત્યારે મહારાજે મંદિરના પ્રવેશદ્વાર નીચે ઊભા રહેવા જણાવ્યું તે પ્રવેશદ્વાર ઉપર બરાબર મહારાજ બિરાજતા તે રૂમની બારીએથી મહારાજે પાણીની અંજલી બાઈ ઉપર નાખી તે જ વખતે નજરે જોનારા તેના પતિ અને ઘર-કુટુંબના માણસોએ જોયું તો બંધન થયેલું દૂધ છુટતા તે જ જગ્યાએ બાઈને આરામ થઈ ગયો.

ધીરૂભગત પટેલ, ગામ ઃ ધોરાજી

સંવત ર૦ર૮ આસો વદ આઠમ, પ્રગટ પ્રમાણ આજે સ્વયં વિચરતા અનાદિ શ્રીકૃષ્ણનારાયણ પરમાત્માએ જન્મ જયંતિનાં દિવસે સાક્ષાત્ પરચો આપેલો હતો. માનવરૂપમાં સંત સ્વરૂપમાં ભગવાન પોતાનું ઐશ્વર્ય પ્રતાપ ખૂબ દાબી દાબીને વર્તતા હોય છે, પરંતુ ક્યારેક ક્યારેક ભક્તોનો ભાવ જોઇને રાજીપો વરસાવી દેતા હોય છે.

આ જન્મ જયંતિ આસો વદ-૮ના સર્વોપરિ દિવસે ધોરાજીના પ્રગટ મહામુક્તોએ પ્રગટ પ્રભુજીના જન્મ જયંતિના ઉત્સવનો ખૂબ જ આનંદથી લાભ લેતા હતા અને સર્વ ભક્તજનોએ મુક્તમંડળ સર્વને માટે પ્રસાદ ભોજનનું આયોજન કર્યું હતું.

તે સમયે ધોરાજી રહેતા ધીરૂભાઈ પટેલ પોતાની મોટર લઈ જૂનાગઢ પરમધામમાં બાલમુકુંદ ભવનમાં બિરાજતા પરમધામના ધણીને ધોરાજી પધારવા આરાધના કરવા ગયા હતા. આ સમયે તે હરિભક્તોએ પ્રાર્થના કરી હે મહારાજ, સર્વેશ્વર, સર્વ અવતારોના અવતારી, સર્વના સર્જનહાર. શ્રીહરિ કૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ અમારા પર દયા કરીને ધોરાજી પધારો. ત્યારે વિનંતી પ્રાર્થના અરજી સાંભળી મહારાજ ખૂબ રાજી થયા અને બોલ્યા કે, માનવરૂપ ધરી ભગવાનમાં આવો તમારો ભક્તિભાવ જોઇને અમો પ્રસન્ન થયા છીએ. તમો જાઓ અમે પણ થાળ જમવા જઇએ છીએ.

ધીરૂભાઈ સમજ્યા કે, મહારાજને બીજે ક્યાંક જમવાનું હશે. એટલે મોટરગાડીમાં આવ્યા નહીં અને જવાની આજ્ઞા આપી. એટલે ભક્તરાજ પોતાની મોટર લઈ ધોરાજી ગયા. હવે ત્યાં ગયા તો ત્યાં જ સામે રાહ જોઇને ઊભેલા હરિભક્તાએ વાત કરી કે, થોડીવાર પહેલા અમોએ પ્રગટ ભગવાનની મૂર્તિ આગળ થાળ ધર્યો હતો. તે થાળમાં મોતીઆ લાડુ ધરાવ્યા હતા. સર્વ ભક્તો થાળ બોલ્યા અને થાળ ધર્યો. જ્યાં જુએ ત્યાં લાડું હતાં તે અડધા થઈ ગયા. લાડુ પર ભગવાને કોળિયા ભર્યા હશે તે લાડુ પર આંગળાની છાપ ઊઠી આવી.

આ ચમત્કાર પરચાની વાત સાંભળી ધીરૂભાઈ પટેલ મહા આશ્ચર્ય પામ્યા અને બોલ્યા કે, અનાદિ શ્રીકૃષ્ણનારાયણ શાસ્ત્રીજી મહારાજ પ્રગટ ભગવાન સાક્ષાત્ છે. જુઓ જૂનાગઢ મને કહ્યું હતું કે, તમો જાઓ અને અમે પણ થાળ જમવા જઇએ છીએ. આવી લીલા શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી પ્રગટ પ્રભુએ કરી.