અનાદિ મુક્તરાજ રાજાભગત કનુભગત ઝવેરી
જામનગર, હાલ - રાજકોટ
સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાન વચનસિદ્ધ, મહાન સંત સાક્ષાત્ ભગવાન જેવી સામર્થી અને ચિન્હોયુક્ત, ઐશ્વર્યવાન એવા વિશ્વ વંદનીય શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજના આશિર્વાદ અને કૃપાદૃષ્ટિથી જામનગર અને રાજકોટના સોની પરિવારના અનેક ભક્તો સુખી અને સમૃદ્ધ થયા છે.
વિ.સં. ર૦૪૧ શ્રી ગુણાતિતાનંદ સ્વામી દ્વિશતાબ્દિ મહોત્સવ ઉજવવા આગેવાન સંતો શાસ્ત્રી મહારાજ પાસે આવ્યા અને ત્રણ દિવસનાં મહોત્સવની ચર્ચા કરતા હતા. ત્યાં જામનગરવાળા (હાલ- રાજકોટ) રાજાભાઈ કનુભાઈ ઝવેરી તથા તેમના સુપુત્ર રસિકભાઈ મહારાજના દર્શને આવ્યા. મહારાજ કહે, રાજાભાઈ તમારે મહોત્સવના એક દિવસના યજમાન થવાનું છે. રાજાભાઈ કહે, મહારાજ કેટલો ખર્ચ થશે ? મહારાજ કહે, લગભગ રૂ.૪૦,૦૦૦નો ખર્ચ થાય. રાજાભાઈએ મહારાજની આજ્ઞા શિરોમાન્ય કરી અને ત્યાંથી ધંધાર્થે વેરાવળ આવ્યા. ત્યાંથી કાચા હીરા ત્રણ લીધા, મુંબઈ જઈ મોટા ઝવેરીની સલાહ અનુસાર ઘાટ કરી તૈયાર કર્યા અને બજારમાં વહગચ્યા સૌના આશ્ચર્યવચ્ચે બધો ખર્ચ કાઢતા રૂ.૪૦,૦૦૦ વધ્યા તે નફો રાજાભાઈએ તુરત મહારાજની આજ્ઞા પ્રમાણે જૂનાગઢ મંદિરમાં કોઠારમાં જમા કરાવી દીધા.
મહારાજના કૃપાપાત્ર પ્રેમજીભાઈ જાદવભાઈ ઝવેરી જામનગરવાળાના પુત્ર નારાણભાઈના પુત્ર માધવલાલ (બચુબાપા)ની પુત્રી હંસાબેન પ્રભુદાસ આડેસરા બીમારીથી પિડાતા હતા અને માગથી પાણી પણ પી શકતા ન હતા. સારવાર કારગત નહીં નિવડતા, પોતાનાં પરિવારના બ્રાહ્મણને વાત કરી. બ્રાહ્મણ કહે, આ વળગાડની પીડા છે અને કઠિન છે તેમાં મારું કામ નથી, કોઈ મોટા સંતને બતાવો.
માધવલાલભાઈ પુત્રી હંસાબેનને લઈ જૂનાગઢ આવ્યા. મહારાજે માધવલાલભાઈને સામેથી કહ્યું, કેમ દિકરીને લઇને આવ્યા છો ને ? થોડીવાર બેસો. ત્યારબાદ મહારાજે ઠાકોરજીને જળ ધરાવી, પ્રાર્થના કરી અને મંત્ર પ્રસાદીનું જળ આપ્યું તે કામ કરી ગયું અને હંસાબેનને પિડામુક્ત કર્યા.
ઇ.સ. ૧૯૬૦નાં અરસામાં જામનગર ખાતે મહારાજનાં કૃપાપાત્ર દેવચંદભાઈ ઝવેરી (દેવચંદકાકા)એ સભા રાખેલ હતી. રાજકોટથી નારણભાઈ પરિવાર સહિત જામનગર ગયા હતા અને એમનાં મકાનમાં રહેતા ડૉ. કુંદનલાલ ડી. સોમાણી પણ ભાવનગર ગયા હતા. બીજે દિવસે સવારે નારણદાસના દિકરા માધવલાલ (બચુભાઈ) પરિવાર સહિત રાજકોટ ઘેર આવ્યા ત્યાં તો ઘરમાં ચોરી થયેલ. બધો સામાન વેરવિખેર હતો. બચુભાઈએ તૂરત જ જામનગર નારણભાઈને ફોન કરી બધી હકીકત જણાવી. નારણદાસભાઈ તૂરત જ જામનગર મંદિર ગયા અને ત્યાં મહારાજને બધી હકીકત જણાવી. મહારાજ કહે, તમે ચિંતા કરતા નહીં ચોર કાંઈ લઈ ગયા નથી. અમે હનુમાનજીને મોકલ્યા તો ચોરને મારીને એમને ભગાડ્યા છે અને કંઈ લેવા દીધું નથી. રાજકોટમાં બચુભાઈએ તપાસ કરતાં પોતાનાં ઘરમાંથી તથા ડૉ. સોમાણીના ઘરમાંથી પણ કંઈ જ ગયું નહોતું અને સોના-ચાંદીનો બધો જ માલ અકબંધ હતો.
વિ.સં. ર૦૦૯માં રાજકોટ નૂતન શિખરબંધ મંદિરનો મૂર્તિ મહોત્સવ ઉજવાયો ત્યારે મહારાજ મંદિરના મહંત હતા. પ્રતિષ્ઠાના પૂર્વ દિવસે બપોરબાદ દાણાપીઠ મંદિરેથી શોભાયાત્રા નીકળી અને મંદિરે આવી. શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી સ્વામિનારાયણ તથા શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી ધર્મપિતા, ભક્તિમાતાના નવા સ્વરૂપોની મૂર્તિ પધરાવવાના હતા અને દાણાપીઠ મંદિરમાં બિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજની આ મંદિરમાં મૂર્તિની પુનઃ પ્રતિષ્ઠા કરવાની હતી. ત્યારે મંદિરના પ્રાંગણમાં બધા સ્વરૂપો રાખવામાં આવ્યા અને ત્યાંથી બધા સ્વરૂપો મંદિર પર લાવવામાં આવ્યા તેમાં સૌથી છેલ્લે શ્રી ઘનશ્યામ મહારાજ હતા. તે સ્વરૂપને કાર્યકરો, સેવકો ઊંચકી શક્યા નહીં. ઉત્સાહના વાતાવરણમાં અચાનક સન્નાટો વ્યાપી ગયો. આગેવાન હરિભક્તોએ આવી શાસ્ત્રીજી મહારાજને વાત કરી. મહારાજ તુરત જ બહાર આવ્યા અને શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિ પાસે આવી વંદન કરી બોલ્યા, ‘‘હે દયાળુ ! હે ભક્તવત્સલ ! ભક્તોને સુખ આપવા માટે આપની આ મંદિરમાં પુનઃ પ્રતિષ્ઠા કરવાની છે. આપ ભક્તો પર કૃપા કરી મંદિર પર પધારો.'' મહારાજે ત્યારબાદ કારીગરો, કાર્યકર્તાઓને મૂર્તિ ઉપાડવા કહ્યું, અને બધાના આશ્ચર્ય વચ્ચે મૂર્તિ સરળતાથી ઊંચકાઈ ગઈ.
મહારાજના કૃપાપાત્ર ભક્ત સોની નારણદાસ પ્રેમજીભાઈ ઝવેરી જામનગરના સુપુત્ર માધવલાલ (બચુભાઈ)ની સુપુત્રીનાં લગ્ન હતા. માધવલાલની આર્થિક સ્થિતિ બહુ સારી ન હતી, પરંતુ જાન સાચવવાની વ્યવસ્થા તેમણે કરી. જાનને તથા સગા-સંબંધીઓને ભાતા માટે આપવાના લાડું પૂરતા ન હતા. તેઓ મુંઝાયા અને પિતાશ્રી નારણદાસભાઈને વાત
કરી. નારણદાસભાઈ તુરત જ રાજકોટ મંદિરે મહારાજ પાસે આવ્યા અને પરિસ્થિતિની વાત કરી. મહારાજ કહે, તમે ઘેર જાઓ અને લાડવાની કોઠી પર આ મારું ધોતિયું ઢાંકી દેજો અને લાડવા કાઢીને આપતા જાઓ. ઠાકોરજી કાર્ય પૂરું કરશે. તેઓએ એ પ્રમાણે કર્યું અને બધાને લાડવા આપતાં પણ થોડા વધ્યા.
મહારાજનાં કૃપાપાત્ર સોની નારણભાઈ પ્રેમજીભાઈના ભાણેજ ધિરજલાલ જમનાદાસ પારેખને લગ્નના છ વર્ષ સુધી સંતાન પ્રાપ્તિ થઈ નહીં. નારણદાસભાઈ પોતાના ભાણેજને લઈ જૂનાગઢ મહારાજ પાસે લાવ્યા અને બધી વાત કરી. મહારાજે ધિરજલાલને આશિર્વાદ આપ્યા અને થોડા સમયમાં જ એમને ત્યાં એક પુત્રી તથા એક પુત્રનો જન્મ થયો.
આમ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજની કૃપાથી અમારા સોની પરિવારના અનેક ભક્તો સુખી તો થયા છે પણ સાથે મોક્ષ ભાગી પણ થયા છે. મહારાજનું ઋણ ક્યારેય અમે ચૂકવી શકીએ એમ નથી.