અનાદિ મુક્તરાજ ઓધવજીભગત ટપુભગત મનાણી
જામવંથલી , હાલ- પૂના
મારા મોટાભાઈ લાલજી ટપુ મનાણી નાગપુર કામ કરતા હતા. ત્યાંથી બીમાર થઈ આવ્યા. દવાઓ ઘણી કરી પણ સારું ન થયું. એટલે અમારા કાકાના દિકરા શામજી ડાયા મનાણી કહે, ચાલો જૂનાગઢ જઈએ અને બાપલા સ્વામીના આશીર્વાદ લઈ આવીયે. ત્યારે બંને જૂનાગઢ જવા સવારે સ્ટેશન પર આવ્યા, ટિકિટ લીધી. પરંતુ ગાડી મોડી થઈ એટલે ટિકિટ કેન્સલ કરી અને લાલજીભાઈને વિચાર આવ્યો મોટા શાસ્ત્રીજી મહારાજ જામનગર છે તો મહારાજના જામનગર દર્શન કરી જૂનાગઢ જઈશું. ત્યાં તો જામનગરની ગાડી આવી એટલે અમે ગાડીમાં બેસી જામનગર મંદિરે ગયા, દર્શન કર્યા, પ્રદક્ષિણા કરી પછી અમે મહારાજ પાસે ગયા. મહારાજ ઓફિસ પાસે આરામ ખુરશી ઉપર બિરાજમાન હતા ને શામજીભાઈ પ્રદક્ષિણા ફરતા હતા. અમે મહારાજને દંડવત્ કર્યાં તે મહારાજના મને પહેલીવાર ત્યારે દર્શન થયા. ત્યાં મહારાજ બોલ્યા, ભગત શું તકલીફ છે. ત્યારે લાલજીભાઈને આંખમાં આંસુ આવ્યા ને બધી હકિકત જણાવી. અમે બાપલા સ્વામી પાસે જૂનાગઢ જવાના હતા. ગાડી મોડી થઈ એટલે અમે અહીં આવ્યા છીએ હવે તમારા દર્શન કરી જૂનાગઢ જઈશું. ત્યારે મહારાજ કહે, હું કહું તેમ કરશો કે તમારી ઈચ્છા પ્રમાણે કરવું છે. ત્યારે લાલજી ભગત કહે, તમે જેમ કહો તેમ કરશું હવે બીજે ક્યાંય નથી જવું. ત્યારે મહારાજ કહે કે, ચાલો મારી રૂમે અહીં વાત કરવા જેવી નથી. માટે ઉપર ચાલો. ત્યારે મહારાજ અને લાલજીભગત ઉપરની રૂમે ગયા. ત્યારે મહારાજે વાત કરી કે આવતીકાલે સાંજે તમારો દેહ પડી જવાનો છે તો હું જેમ કહું તેમ કરો તો એક વરસની આવરદા વધારી આપું.
ત્યારે લાલજીભગત બોલ્યા કે, મહારાજ તમો જેમ કહો તેમ કરવું છે. ત્યારે મહારાજ કહે, મારા મંત્રની સવારે ૧૦૧ માળા ફેરવજો અને સાંજે પણ ૧૦૧ માળા ફેરવજો. પછી આ પુસ્તક વાંચજો. ત્યારે લાલજીભગત કહે, મને વાંચતા નથી આવડતું. મહારાજ કહે, પુસ્તક ખોલશો તો વાંચતા આવડી જશે. તેથી ઘરે આવી ન્હાઈને પૂજા કરી ૧૦૧ માળાનો નિયમ પૂરો કરી પુસ્તક હાથમાં લઈ વાંચવા માંડ્યું ને હિંમત આવી ગઇ ને ઘરવાળાને બોલાવીને વાત કરી અને કહ્યું, તું તારા માવતરે જા અને મારે ભજન કરવું છે. મારે આ છેલ્લો જન્મ કરવો છે. ગામમાં જ મારા સાસરા હતા. તે એના માવતરે ગયા અને જે
મહારાજે એક વર્ષની આવરદા વધારી હતી તેને એક વર્ષ પૂરું થવા આવ્યું. વૈશાખ સુદ-પ ના રાત્રો નવ વાગે તેડવા આવીશ, આમ મહારાજ બોલ્યા હતા. તે એક વર્ષ પૂરું થયું ને બરાબર રાત્રો નવ વાગ્યે મહારાજ તેડવા આવ્યા ને દર્શન આપ્યાને લાલજીભગત કહે, મહારાજ મારા બા-બાપુને દર્શન આપો. ત્યારે મારા બા-બાપુને મહારાજના દર્શન થયા અને મારા કુટુંબના સહુ બેઠાં હતા તે સૌને મહારાજના દર્શન થયા અને લાલજીભગતને ધામમાં લઈ ગયા. જામવંથલીમાં આ પ્રથમ પરચો જે ભક્તોની અભ્યર્થનામાં પેજ નં.ર૧, પત્ર નં.૪૬માં મહારાજે આ લખાણ લખ્યું છે.
મારી ઉંમર ૧૧ કે ૧ર વર્ષની હતી ત્યારે અમે મગફળી ફોલવા જતા અને અમને એક પાયલી દાણાનું એક આનું આપતા. તે અમારી પાસે ૧૬ આના ભેગાં થાય એટલે અમારે જામનગરની ટિકિટ પાંચ આના, સિનેમાની ટિકિટ પાંચ આના અને છ આના વાપરવાના અને ખાવાનું મંદિરમાં એમ વિચાર કરી અમે પાંચ છોકરા તૈયાર થઈ જામનગર ગયા. ત્યાં પહેલાં મંદિરે ગયા ત્યાં મહારાજના દર્શન કરી, પ્રદક્ષિણા કરી, મહારાજ ઓફિસ આગળ બેઠાં હતાં.ત્યાં મહારાજને દંડવત્ કર્યા અને બેઠા. મહારાજ કહે, આટલા મોડા કેમ. અમે કહ્યું, ગાડી મોડી થઈ. ત્યાં કોઠારી સ્વામી આવ્યા. મહારાજ કહે, આ છોકરાવને જમાડી દયો. કોઠારી કહે, આજે ભક્તો ઝાઝા હોવાથી જમવાનું પૂરું થઈ ગયું છે. મહારાજ કહે, મગજના લાડું આપો. કોઠારી કહે, મગજ પૂરા થઈ ગયા છે. સાંજે બનાવવાના છે. ત્યારે મહારાજ કહે, છોકરાવ ને ભૂખ્યા ન રખાય. એમ કહી તે પોતે ઊભા થઈ રસોડામાં ગયા ને હાથમાં ત્રીસેક પુરી લઈને આવ્યા અને અમને છ છ પૂરી આપી. અહીં જ જમી લ્યો અને તમારે મોટા મંદિરે જાવું છે ને. અમે કહ્યું, મોટું મંદિર તો આ જ છે ને ? મહારાજ કહે, આ મંદિર નહીં પણ આ નાકાની બહાર સિનેમા છે તેને મંદિરનું કહું છું. સિનેમા છૂટે ત્યારે મારી પાસે આવજો પછી સ્ટેશન જજો. મહારાજ કહે, હવે નગરમાં ફરો હજી ત્રણ વાગવાને વાર છે. પછી અમે જામનગર ફરી ૩ થી ૬ના અનુપમ ટોકિઝમાં સિનેમા જોઈ ટોકિઝ છૂટી ત્યારે મહારાજના દર્શન કરી સ્ટેશને ગયા. આખો દિવસ ફર્યાં. ઘરે આવી ખાધું નહીં. ક્યાંય નાસ્તો કરવાની ઈચ્છા ન થઈ. મહારાજે પોતાના હાથે છ છ પૂરી જમાડી તેથી ભૂખ લાગી જ નહીં, આ પણ પરચો જ કહેવાય.
ફાટસર ગામમાં મારા પાટલા સાસુ રહે. તેને ત્યાં એક વખત બે ચારણો ભિક્ષા માગવા આવી. મારી પાટલા સાસુનું નામ ફુલીબેન તેણે ભિક્ષા આપવાની ના પાડી હશે. તેથી બેય
આને વળગી કે અમને ભિક્ષા કેમ ન આપી ? ત્રણ ચાર દિવસ પછી મંડ્યા ધૂણવા અને તોફાન કરે અને બધાને હેરાન કરે તેથી ગામના ભૂવાને બોલાવ્યા, તેનાથી સારું ન થયું. દિવસે દિવસે તોફાન વધવા લાગ્યું. આમ ઘણા ભૂવા, જાગરિયા, ફકીરોને બતાવ્યું પણ ક્યાંય સારું ન થયું. ઊલટાનું તોફાન વધ્યું અને કહે, હું એનો જીવ લઈશ. છોકરાવ નાના હવે આનું કરવું શું ? જ્યાં જ્યાં કોઈએ બતાવ્યું ત્યાં ત્યાં ગયા પણ ક્યાંયથી ફેર ન પડ્યો. એક દિવસ મારા બાપુ જામસર ગયા. ત્યારે મારા સસરાએ મારા બાપુને વાત કરી કે ફુલીને આવી મોટી તકલીફ છે. હવે શું કરવું ? મારા બાપુ કહે, તમે જામનગર મોટા શાસ્ત્રીજી છે ત્યાં તેડી જાઓ અને પ્રાર્થના કરો, સારું થઈ જશે. એટલે મારા સસરા કહે, તમે ફુલીને લઈ જાઓ. ત્યારે મારા બાપુ કહે, તમે સવારે જામવંથલી આવોને પછી આપણે સવારની ગાડીમાં જામનગર જઈશું. ત્યાં મહારાજની કૃપાથી સારું થઈ જશે. આમ તેઓ વંથલી આવ્યા અમે બીજા દિવસે જામનગર જવા ગાડીમાં બેઠા ને ગાડી ચાલુ થઈ થોડી આગળ હાલી ત્યાં નવા ચંપલ બહાર ફગકી દીધા અને અમે જામનગર મંદિરે પહાગચ્યા. ભગવાનના દર્શન કરી મહારાજ પાસે ગયા બધી વાત કરી. ત્યારે મેડીના રવેશ ઉપર ઊભા રહી પ્રસાદીના પાણીનો લોટો ભરેલ આપ્યોને આ પાણી પ્રદક્ષિણામાં ફુલીબેનને પાયું. ત્યારે જોર જોરથી રોવા લાગી અને કહે હું બળું છું, બળું છું. ત્યારે મહારાજ હાથ ઊંચો કરી કહે, જાઓ બહુ બખેડો કરવાની જરૂર નથી. તે 'દિથી એ વળગાડ ગયો ને મહારાજે રોજ સાંજે પાંચ માળા ફેરવવાનો નિયમ આપ્યો તે છેવટ સુધી એ નિયમ પાળ્યો. આમ ફુલીબેનની રક્ષા કરી.
ઓધવજીભગતના લગ્ન થવાના હતા ત્યારે મહારાજના દર્શન કરવા જામનગર ગયા. ત્યારે મહારાજે ટપુબાપાને પોતાના ગળામાંથી હાર કાઢી આપ્યો અને કહ્યું, જામસર જાઓ ત્યારે આ હાર વરરાજાના ગળામાં પહેરાવજો. ત્યારે શાંતિલાલ કરશન મકવાણા મારી જાનમાં આવ્યા હતા અને મને હાર પહેરાવતા હતા. ત્યારે કોઈએ મુઠ નાખી તે શાંતિલાલ ઉપર પડીને બેશુદ્ધ થયા ને દેકારો થવા લાગ્યો ને કંઈક થયું. ટપુબાપાને ખબર પડી તે દોડીને આવ્યા ને કહે તમે મુંઝાવ નહીં, કાંઈ નથી થયું પાણી છાંટ્યું ને શાંતિલાલ બેઠો થયો. ટપુબાપાને મહારાજે ચેતવ્યા હતા જેથી મહારાજે રક્ષા કરી.
જ્યારે મહેન્દ્રનો જન્મ થયો ત્યારે એની બાને ધાવણ નહોતું આવતું ત્યારે ટપુબાપા મંદિરે ગયા ત્યારે મહારાજ વંથલી હતા. ત્યારે કહ્યું, મહારાજ આ બાબાની માને ધાવણ નથી આવતું અને આ બાબો દૂધ વિના કેમ રહે ? ત્યારે મહારાજે દ્રાક્ષ આપી કહ્યું, આ ખવરાવજો
દૂધ ચાલુ થશે. આમ મહારાજની કૃપાથી દ્રાક્ષ ખાધીને બીજા દિવસે દૂધ ચાલુ થયું આમ મહારાજે પરચો આપ્યો.
એક વખત નાની માટલીના ગોવુભા દરબાર બીમાર પડ્યા. જામનગર સરકારી દવાખાનામાં દાખલ કર્યાં. ત્યાંથી બીજા દવાખાનામાં પણ કેમે કરીને સારું થયું નહીં. એમ કરતાં ઘણાં બધાં દવાખાના ફર્યાં દોઢ બે મહિના થયા પણ સારું થયું નહીં. ડૉક્ટરે ઘરે લઈ જઈ સેવા કરવા કહ્યું, ત્યારે સ્ટેશને આવ્યા. વંથલીની ગાડી નીકળી ગઈ એટલે જામનગર મંદિરે આવ્યા. મહારાજ ઓફિસની બહાર ખુરશી ઉપર બિરાજમાન હતા ત્યાં મહારાજને કહ્યું, અમારી ગાડી નીકળી ગઈ છે માટે આજે રાત રોકાઈ સવારે ચાલ્યા જઈશું. મહારાજ કહે, આ દરબારને રૂમમાં સુવાડો. પછી મહારાજને વાત કરી ત્યારે મહારાજ કહે, આ દરબારને મૂકીને તમે સૌ ઘરે જાઓ. દરબાર સાજા થઈને આવશે. મેં કહ્યું, એક જણ સાથે રોકાય તો આમની સેવા થાય. મહારાજ કહે, એની અમે સેવા કરીશું અને આજથી આઠમે દિવસે દરબાર વંથલીથી ચાલીને માટલી આવશે. આમ મહારાજે તેમના ચરણ દરબાર ઉપર રાખી પ્રસાદીનું પાણી પાયું તેથી આઠમે દિવસે ચાલીને એ પોતાના ગામ પહાગચ્યા. સાવ સાજા થઈ ગયા ત્યારબાદ ગોવુભા દરબારે ૧૦ વીઘા જમીન જામનગર મંદિરને દાનમાં આપી.
એક વખત હું જામનગર મંદિરે હતો ત્યાં અક્ષર પુરુષોત્તમના યોગીજી મહારાજ દર્શન કરવા આવ્યા ત્યારે મહારાજ ઓફિસ બહાર બેઠા હતા. યોગીજી મહારાજ દર્શન કરીને મહારાજ પાસે આવ્યા અને દંડવત્ કરીને બોલ્યા, હે સ્વામી તમે અમારી સાથે આવો તમે જેમ કહેશો તેમ અમે કરીશું. ત્યારે મહારાજ કહે, તમે જેમ કરતા હો તેમ કરો હું તો આ મૂળ સંપ્રદાયના મંદિરમાં રહીને મારી સેવાભક્તિ કરું છું અને અનંત જીવોનાં કલ્યાણ માટે શાસ્ત્રો પણ રચું છું. એમ કહી મહારાજે ના પાડી. ત્યારે યોગીજી મહારાજને એના શિષ્યોએ પૂછ્યું, સ્વામી તમે મોટા કે શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ મોટા ? ત્યારે યોગીજી મહારાજ કહે, સર્વપ્રકારે શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ સર્વથી મહાન, મોટા વિદ્વાન તેમજ ભગવાન જેવા સમર્થ પરમપુરુષ છે. હવે તમે જ વિચારી લ્યો કે બંનેમાંથી કોણ મોટા ?
એક વખત જામનગરથી હું જૂનાગઢ દર્શન કરવા ગયો. સાથે મેથીના થેપલા અને મેથીનો પાક બનાવી મહારાજ માટે લઈ ગયો. મહારાજને એ બહું વ્હાલા હતા. જૂનાગઢ જઈને મહારાજના દર્શન કરી દંડવત્ કર્યાં અને મહારાજ પાસે બેઠો ને એ થેપલા અને પાક મહારાજ પાસે મૂક્યા. મહારાજ કહે ઓહો હો. આજ તો મારું ગમતું આવ્યું. એમ કહીને
એક બટકું મુખમાં મૂકે, એક બટકું મહારાજ મારા મોઢામાં મૂક્યું અને કહે દેવને બોલાવો. દેવસ્વામી આવ્યા તો દેવસ્વામીના મોઢામાં એક બટકું મૂક્યું અને કહે, આ લઈ જાઓ અને અતિ રાજી રાજી રાજી થઈ બોલ્યા આજ વિશ્વ આખું તૃપ્ત થાઓ પછી માથે હાથ મૂક્યોને વાંસામાં થાપો માર્યો એવા રાજી રાજી થયા.
એક વખત બાલમુકુંદ ભવનમાં પ્લાસ્ટરને પટ્ટાને વેલમાં ફૂલોનું કામ પૂરું થવા આવ્યા એટલે આગળના કામ માટે હંું મહારાજ પાસે પૂછવા ગયો. ત્યારે મહારાજ કહે, બાજુના રૂમમાં ઢોલિયાની આગળ બેસી જા. ત્યારે મહારાજને કહ્યું, કેમ ? મહારાજ બોલ્યા, પ્રમુખસ્વામીએ મંદિરમાં પ્રવેશ કર્યો છે અને તે અમેરિકાથી સીધા અહીં આવ્યા છે. તે જ્યારે જ્યારે વિદેશથી આવે એટલે મારા દર્શન કરવા આવે છે. પહેલા મારા દર્શન કરવા આવશે પછી મંદિરમાં દર્શન કરવા જશે. તેના ભેગા ડૉક્ટરસ્વામી અને બીજા બે સંતો છે. મહારાજના કહેવાથી હું અંદરના રૂમમાં ગયો. પ્રમુખ સ્વામી અને બીજા સંતોએ મહારાજને દંડવત્ કર્યાં એટલે મહારાજ કહે, હવે બસ રાખો અને બેઠા. પ્રમુખ સ્વામી મહારાજ ને કહે, આ ડૉક્ટરસ્વામીએ એક જાડંું મોટું પુસ્તક લખેલ છે તે આ લખાણમાં ક્યાંય ભૂલ હોય તો સુધારો કરી આપો. પછી છાપકામ કરવા દેવાય. ત્યારે એ પુસ્તક મહારાજે હાથમાં લીધું પાના ઉથલાવતા જાય ને જ્યાં સુધારો કરવાનો હોય ત્યાં અંડરલાઈન કરે ને નીચે સુધારો લખતા જાય. એમ દોઢેક કલાકમાં પાના ફેરવીને સુધારો કરવાનો ત્યાં કરીને કહે, હવે આને પ્રેસમાં આપી દ્યો. આમ મહારાજે થોડાક સમયમાં પુસ્તક ચેક કરી આપ્યું. પછી એ સંતો ઊઠ્યા ને જય સ્વામિનારાયણ કરી મંદિરમાં દર્શન કરવા ગયા. હું રૂમમાંથી બહાર આવ્યો પરસેવે રેબઝેબ થઈ ગયો હતો કારણ કે એ રૂમમાં પંખો નહોતો. આમ પ્રમુખસ્વામી મહારાજનો આદર કરતા.
બાલમુકુંદ ભવનનું કામ પૂરું કરી ઘેર જવા માટે મહારાજની રજા લઈ કોઠારીસ્વામી પાસે ગયો. એટલે બાપ-દિકરામાંથી કોઠારી સ્વામીએ એકનો પગાર આપ્યોને એક સેવામાં. એક પગાર લઈને હું દરવાજે આવ્યો ત્યાં મહેન્દ્ર ભેગો થયો. ત્યાં મહેન્દ્ર કહે, બાપુ તમે પગાર લીધો. મેં કહ્યું, હા. મહેન્દ્ર કહે, બધાં સેવામાં કામ કરે તો આપણે કેમ પગાર લેવાય ? એટલે કોઠારી સ્વામીને રૂપિયા પાછા આપ્યા. કોઠારી સ્વામી કહે, તમે બાપ-દિકરો બે મહિનાથી અહીં કામ કરો છો તો સેવામાં હોય તો ઘરે શું ખાશો ? તોય અમે કહ્યું, ના ના અમારે પૈસા નથી જોઈતા. કોઠારી સ્વામી કહે, ના રાખો. એટલે મેં ઓશિકા નીચે પૈસા
રાખીને કહ્યું, પૈસા રાખ્યા છે. લઈ લેજો. એમ કહી અમે જામનગર ગયા.
ત્યાં થોડાં દિવસ મહારાજની કૃપાથી ખાવડીમાં એક દવાખાનાનું મોટું કામ મળ્યું. તેમાં મૂળજી રાજા, નારાણ તુલસી અને અમે બાપ-દિકરો ચાર જણાં મળીને કામ રાખ્યું. બે મહિનાની સેવામાં ભગવાને છ મહિનાનું કામ આપ્યું. ત્યારે અમે સિક્કાની બસમાં અપડાઉન કરતા હતા. ત્યારે એક દિવસ એવું બન્યું કે અમે બસમાં બેઠા હતા અને ડ્રાઈવરે એક ગાડીને ઓવરટેક કરતાં સામે ખટારો આવ્યો. એટલે ડ્રાઈવરે ગાડી રોડથી નીચે ઉતારી દીધી ને બાવળમાં ભટકાઈ એટલે પલટી મારી ઊંધી પડી ને બસમાં ધૂમાડો ધૂમાડો થઈ ગયો કાંઈ દેખાય નહીં. ત્યાં થોડીવારે મહેન્દ્ર દેખાયો. ગાડી ભટકાઈ ત્યારે મહેન્દ્ર આગળ ચાલ્યો ગયો હતો તેને ઊભો કર્યો કાંઈ વાગ્યું નહોતું પણ બસ દરવાજા પડખે ઊંધી પડી એટલે દરવાજો બંધ હતો. હવે કેમ નીકળવું ? બસની સીટ ઊડીને ક્યાંય પડી હતી તે મહેન્દ્રએ સીટના સળિયા ઉપર ચઢીને માથું માર્યું જેથી કાચની બારી ખુલી ગઈ અને મહેન્દ્ર બહાર નીકળી ગયો.
મહેન્દ્રએ એક વર્ષના છોકરાને બચાવ્યો પછી નારણ અને તુલસીને ઊભા કરી બારીમાંથી બહાર કાઢ્યા. ત્યાં તો ઘણાં માણસો ભેગા થઈ ગયાં. આ બનાવમાં ૧પ થી ર૦ જણાંને વાગ્યું હતું. અમને ચાર જણાને જરા જરા વાગ્યું હતું. અરવિંદને દવાખાને પાટાપિંડી કરી રજા આપી હતી. એટલે મહેન્દ્રને કહ્યું, તું ઘરે જા હું જૂનાગઢ મહારાજ પાસે જાઉં છું. મહારાજને દંડવત્ કર્યા. મહારાજ બોલ્યા, બસ ઊંધી પડીને. એમ કહી મને બેસાડ્યો ને હું દંડવત્ કરી બેઠો. ત્યારે મહારાજ કહે, બાપનું કામ હાલતું હોય ત્યારે બાપ પાસેથી પૈસા ના લેવાય અને પૈસા લીધા હોય તો જગત કહે કે મંદિરના પૈસા લીધા. એટલે આવું થયું માટે બાપના કામમાં પૈસા ના લેવાય, સેવા કરાય. જો તે પૈસા ન લીધા પાછા આપ્યા તો રક્ષા થઈ. મહારાજ કહે, તમે બસમાં હતા તેથી મારે આખી બસની રક્ષા કરવી પડી નહીં તો બસ કૂવામાં જાત ને કૂવામાં બુડી જવાત. આમ મહારાજે મને આ મોટામાં મોટો પરચો આપ્યો. અમારી બાપ-દિકરાની રક્ષા કરી.
એક વખત અમે બાલમુકુંદ ભવનનું કામ ચાલું હતું ત્યારે સાંજે અમે ઘણાં ભક્તો મહારાજ પાસે બેઠાં હતા ત્યારે મહારાજ કહે, તમે બધા બહું બળિયા છો. તમે બધા મળીને મને ઉપાડો અમે બધા ભક્તો ભેગા થઈ મહારાજને ઉપાડ્યા પણ એક ઇચ ઉપડ્યા નહીં. ત્યારે મહારાજે દયાળજી ભગતને કહ્યું, તું ઉપાડ ત્યારે દયાળજી ભગતે બે ફૂટ અદ્ધર ઉપાડ્યા.
સાવ હળવાફુલ જેવા થયા અને બોલ્યા હવે તમે બધા મળીને આરતી કરો. ત્યારે આરતી કરી સૌ ભક્તો રાજી થયા. આ એક પરચો જ કહેવાય.
એક વખત જૂનાગઢ દર્શન કરવા ગયા ત્યારે કુટુંબ સાથે હતું. જ્યારે સર્વે ઘરમંડળ જૂનાગઢ મહારાજના દર્શન કરવા જઈએ ત્યારે મેથીના થેપલાં, મેથીનો પાક અને લીલા મરચા મેથીવાળા કાયમ લઈ જતા. અમે જામનગર રહ્યા ત્યાં સુધી મેથીવાળા લીલા મરચા કાયમ લઈ જતા. અમે મહારાજની આગળ મૂકતા અને સાથે જમતા ને પછી રસોડે મુકાવી દેતા અને સવારના બજારમાંથી ગુલાબનો હાર લઈ આવ્યા ત્યાં એ હાર મહારાજે છોકરાને પહેરાવ્યો અને સામે બેઠા. ત્યારે મહારાજ કહે, તારે આરતી નથી કરવી ? ત્યારે મેં કહ્યું, મહારાજ વાટું આ વખતે ભૂલાઈ ગઈ છે. ત્યારે મહારાજ કહે, સામે ડબરો ભર્યો છે તે ડબરો લઈ આવ. ત્યારે મહારાજ કહે, ફરીવાર આરતી કરવા મળશે કે નહીં. આ હારની પડખામાં વાટ મૂકીને આરતી કર. છોકરાઓ અને મેં મહારાજની આરતી કરી. મહારાજ બોલ્યા ફરીવાર આરતી કરવા મળે કે નહીં. એમ બે વખત બોલ્યા પછી કહે, તું કારીગર છો તો મંદિરે દર્શન કરવા જાય છે કે નહીં ? મેં કહ્યું, મહારાજ દર્શન કરવા જાઉં છું. ત્યારે દર્શન કરતા શું જોશ. મેં કહ્યું, ભગવાનના દર્શન કરી પ્રદક્ષિણા ફરી બીજું મંદિરમાં ભગવાન સિવાય શું જોઉં. મહારાજ કહે, જો પ્રદક્ષિણાથી ઘૂમટ ઊંચા, એથી જાળી વારી કોરી ઊંચી, કોઈ મંદિરમાં બે કોરી હોય, કોઈમાં એક હોય, કોઇમાં કોરીથી નીજ મંદિરનો ગર્ભગૃહ ઊંચો હોય. આ રીતે મહારાજે મંદિરોનાં નિર્માણોનું પણ જ્ઞાન આપ્યું.
એકવાર અમે જૂનાગઢ મહારાજનાં દર્શને આવ્યાં ત્યારે કુંકાવાવના દિલુભાઈ પોપટભાઈ દેવાણી આવ્યા ને સાથે છોકરો હતો. મહારાજ કહે, શું કામ આવ્યા ? દિલુભાઈ કહે, સાઉથમાં કામ ચાલે છે ને ટિકિટ આવી ગઈ છે એટલે દર્શન કરવા આવ્યો છું. ત્યારે મહારાજ કહે, તારી જે ઈચ્છા હોય તે બોલ. ફરીવાર ભેગા થાશું કે નહીં. તારી ટિકિટ આવી તો ભલે પણ તારે પાછું આવવું પડશે. આ વાત મને ન સમજાઈ ને દિલુભાઈનેય ન સમજાઈ. એમ દિલુભાઈ દર્શન કરીને ગયા.
પછી મહારાજે મને આખા વેવારની વાત કરી કે, છોકરાવ મોટા થાય તો કેમ રહેવું, વહુ આવે ત્યારે કેમ રહેવું પછી ઘરવાળાના દૃષ્ટાંત દઈને વાત કરી. ઉંમર થાય ત્યારે ઘરમાં ભિક્ષાવૃત્તિથી જીવન ગાળવું. અંતર્યામી પ્રગટ મળ્યા હોય તેને કોઈ દિવસ વિસરવા નહીં. અંતરમાં સંભારવા ને અંતરના ભગવાનને કોઈ લઈ જાતા નથી. આમ સુખી રહેવાય એવી
ઘણી ઘણી વાતો કરી. ત્યાં સંધ્યા આરતીનો ટાઈમ થયો ને અમે આરતીમાં ગયા. મહારાજ આગળ આગળ અમે પાછળ પાછળ ચાલતા સભામંડપમાં થઈ મંદિરમાં ગયા. આરતીમાં પેલા ચંદન ઘસતા એ જોગીસ્વામી તે મહારાજને કાયમ હાર પહેરાવતા. આરતી પૂરી થઈ ધૂન, આરતી, નિયમ પૂરા થયા. હનુમાન-ગણપતિના દર્શન કરવા ત્યાં બેઠેલ બાઈઓને દર્શન આપી પ્રદક્ષિણા કરી સભામંડપમાં આવ્યા ને મહારાજ બેઠા. ત્યાં જૂનાગઢમાં રહેતા એક પટેલે આવી મહારાજને દંડવત્ કર્યાં ત્યાં મહારાજ બોલ્યા કે, પટેલ આ બંદો ત્રણ દિવસના મહેમાન છે અને પટેલ મારી પાસે બેઠા. એવી જ રીતે બીજા દિવસે આરતીના દર્શન કરી સભામંડપમાં દંડવત્ કરી બેઠા. ત્યાં પટેલે મહારાજને દંડવત્ કર્યાં અને મહારાજ બોલ્યા, અબ બંદા દો દિન કા મહેમાન છે. આમ ત્રીજા દિવસે સંધ્યા આરતીના દર્શન કરીને અમે દંડવત્ કર્યાં. પટેલ દંડવત્ કરતા હતા ત્યાં મહારાજ બોલ્યા, બંદા એક દિન કા મહેમાન છે. પછી સભામંડપમાંથી ઊઠીને રૂમે આવ્યા. પટેલ ઘેર ગયા હું મહારાજ ભેગો રૂમે ગયો ત્યાં થોડીવાર ચરણસેવા કરી મહારાજ કહે હવે જા. ત્યારે હું ઉતારે ગયો.
બીજા દિવસે સવારે નિત્યક્રમથી પરવારી મંગળા આરતીના દર્શન કરી મહારાજના દર્શન કરવા ગયો. ચા-નાસ્તો કરી, શણગારના દર્શન કરી રૂમે આવ્યો ને મહારાજને કહ્યું, હું હાર લઈ આવું. મહારાજે ના પાડી ત્યાં તો બે વાંદરા આવ્યા એમાં એક જુવાન અને બીજો બુઢો હતો. મહારાજ સામુ જોઈ રહ્યા ને બારી ઉપર બેઠા કમસેકમ પંદરેક મિનિટ બેઠા. પછી પ્રસાદી આપી તે લઈને ગયા. પછી મહારાજ બોલ્યા કે, આ બંને કોણ હતા ? ત્યારે મેં કહ્યું, વાંદરા હતા. ત્યારે મહારાજ કહે, બુઢો વાંદરો બ્રહ્મા અને જુવાન વાંદરો ઈન્દ્ર હતો તે ઘણીવાર અમારો પ્રસાદ લેવા આવે છે.
ત્યાં અમારો હરેશ અને જામનગરના ભગતના છોકરા આવ્યા. દંડવત્ કરીને બેઠા. ત્યાં મહારાજ છોકરાવને બંને એ.સી બતાવતા કહે, આ બેય શું છે ? એમ કહી ઊભા થઈને હરેશ અને જામનગરના ભગતના છોકરાને તેડી લીધા અને બોલ્યા આને કહેવાય એ.સી. આ ઠંડુને આ ગરમ છે અને આ વચ્ચે છે એ વધારાનો પાવર તે ખાય. એમ કહી કહ્યું, આ બટન દબાવ, ચાલું થયું, હવે બંધ કર. આખા રૂમમાં આંટો મારીને બેઠા ને મને કહે, છોકરાવને ઉતારે મૂકી આવ ને તું પાછો આવ. છોકરાવને ઉતારે મૂક્યા ને હું મહારાજ પાસે બેઠો પછી મંદિરમાં કેમ રહેવું અને મંદિરનો પાયો કેમ મજબૂત કરવો. એ સમજાવતાં કહ્યું કે, જેના મકાનનો પાયો મજબૂત હોય તેનું મકાન મજબૂત હોય. આમ વાત કરીને ઘરમાં કેમ
રહેવું ? જે મળે તેમાં સંતોષ માનવો. વાદ-વિવાદથી છેટું રહેવું. અંતર્યામી ભગવાનને કોઈ દિવસ વિસરવા નહીં. આમ ઘણી વાતો કરી ને આખો દિવસ મહારાજે મને ખૂબ ઉપદેશ આપ્યો ને કોઈને દુઃખ ન થાય તેમ રહેવું, ખૂબ ખૂબ વાતો કરી બોલ્યા કે, હવે તું ઊભો થા. તારી બસ રાહ જુએ છે. ત્યારે મેં કહ્યું, બસ સવા પાંચની છે ને પાંચને દશ થઈ ગઈ તો નહીં પહાગચાય, મારે રોકાવાનો વિચાર છે. તો મહારાજ કહે, બસ તારી રાહ જોઈને ઊભી છે, તું જા. પછી દંડવત્ કરી ઉતારે ગયો. છોકરાવને કહ્યું, મહારાજે રજા આપી છે, જાવ. પછી થેલા તૈયાર કર્યાં ને ઉતારાની ચાવી જમા કરાવી મંદિરમાં થાળ-ભેટ કરાવી રૂમમાં ગયો ને કહ્યું, છોકરાવ નીચે ઊભા છે તો દર્શન આપો.
મહારાજ રવેશમાં ઊભા રહ્યાને દર્શન આપ્યા. રિક્ષામાં બેસી બસ સ્ટોપે ગયા. ત્યાં જામનગરની બસ ઊભી હતી. અમે બસમાં બેઠાં ડ્રાઈવરે બસ ચાલુ જ રાખી હતી અને કંડકટરે ટિકિટ બુકિંગ કરી દરવાજો ખુલ્લો રાખી બેઠા હતા જાણે અમારી જ વાટ જોતા હોય અને અમારા માટે સીટ ખાલી જ હતી. બીજી બધી સીટો ભરાયેલ હતી. આમ અમે બસમાં ચડ્યાને કંડકટરે ઘંટી મારી બસ ચાલુ થઈ. અમે ૧૧ વાગે ઘેર પહાગચ્યા. સામાન એમ જ રાખીને સૂઈ ગયા. બાજુમાં રણછોડ વસ્તાના ઘરેથી દરરોજ મંગળના દર્શન કરવા જાય. મંદિરેથી આવી નીચે દેકારો કરવા લાગ્યા કે અમને કહ્યું હોત તો અમે મહારાજના દર્શન કરવા આવત. મહારાજની તબિયત સારી નહોતી તે અમે પણ દર્શન કરતને આમ બોલવા લાગ્યા. ત્યારે મારી નીંદર ઊડી ગઈ. છોકરાની માને કહ્યું ઊભા થાઓ ઉજીબેન શું દેકારો કરે છે ત્યારે તે રવેશમાં બહાર ગયા બોલી શું અવાજ કરો છો ? ત્યારે કહે કે મહારાજ સ્વધામ પધાર્યાં છે. મંદિરમાં બોર્ડ માર્યા છે. મેં કહ્યું મહારાજને તો સારું છે, કાંઈ તકલીફ નહોતી. અમે ૧૧ વાગ્યે તો આવ્યા છીએ. મહારાજને નખમાંય તકલીફ નહોતી, તો કહે જાઓ મંદિરે બોર્ડ વાંચો. ત્યારે હું જલ્દી જલ્દી ન્હાયો ઉતાવળે પૂજા કરી, પાંચ માળા કરી પ્રસાદ જમાડી કપડાં બદલી મંદિરે ગયો. ત્યારે ઘનશ્યામ સ્વામી ઓફિસ બહાર બેઠા હતા. તે મને જોઈને ઘનશ્યામ સ્વામી બોલ્યા સ્વામી તો ધામમાં ગયા. પાંચ વાગ્યે ફોન આવ્યો ત્યારે મેં કહ્યું જૂનાગઢથી જામનગરની છેલ્લી બસમાં તો હું આવ્યો છું તો મને વિશ્વાસ નથી આવતો. કારણ કે હું આખો દિવસ મહારાજની સામે બેઠો હતો. અમે ઘણી વાતો કરી, તે કેમ મનાય ? ઊભા રહો હું કોઠારી સ્વામીને ફોન લગાવું તમે સ્વયં વાત કરો. ફોન લગાડી સ્વામી કહે, લ્યો વાત કરો.
કોઠારી સ્વામી સાથે વાત કરી સ્વામીના અવાજમાં દર્દ હતું અને બોલ્યા હા સ્વામી ધામમાં ગયા ને ફોન મૂકી દીધો. ત્યારે ઘનશ્યામ સ્વામી કહે, હવે તમે જૂનાગઢ જવાની તૈયારી કરો. ત્યારે હું ઘેર આવ્યો ને કેમેરો લઈ ઘરે કહ્યું, જો સાંજની બસમાં પાછો ન આવું તો સવારની વહેલી બસમાં છોકરાવ સાથે બધાં જૂનાગઢ પહાગચી આવજો અને કાંઈ રાહ જોશો નહીં. આમ કહી હું જૂનાગઢ જવા બસસ્ટેન્ડ આવ્યો. બસ ઉપડવાની તૈયારીમાં હતી અને મારી સાથે ઉજીબેન તથા રણછોડભગતના જમાઈ ભેગા હતા. હું ઘેરથી નીકળ્યો બાપા નોકરીમાં જતા હતા ત્યારે ઊભા રાખી વાત કરી તો કહે, તમે બે મિનિટ ઊભા રહો હુંયે આવું છું. એમ કહી ઘરે ટિફિન મૂકીને ઘેર કહી આવ્યા. હું જૂનાગઢ જાઉં છું. તે દિવસે નોકરીએ ન ગયા ને મારા ભેગા જૂનાગઢ આવ્યા. અમે નવ વાગ્યે જૂનાગઢ પહાગચ્યા. મહારાજને બહાર સૌ દર્શન કરી શકે એ રીતે રાખ્યા હતા. મેં મહારાજને દંડવત્ કર્યાં, પગે લાગ્યો. કોઠારીસ્વામી, દેવસ્વામી, બધાને પગે લાગી હેમંતભગતને મળ્યો પગે લાગી આત્મસ્વામીને પગે લાગ્યો. પછી ત્યા એક વાલજીભગતને મળી પૂછ્યું વાત જાણી ત્યારે બોલ્યા કે સાંજના નવથી સાડા નવ વાગ્યે એક સુવર્ણ પુરુષ સીડી ચઢીને મેં તેમને જોયો. તેના કપડાં સોનાના હતા. તેણે મહારાજના રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે મેં કહ્યું બૂટ પહેરીને ન જવાય. બૂટ બહાર ઉતારો. ત્યારે બૂટ બહાર ઉતારી અંદર ગયા ને દરવાજો બંધ કર્યો. પછી હું દેવસ્વામીને બોલાવવા ગયો કે ચાલો એક આખો સોનાનાં વસ્ત્ર પહેરેલ માણસ મહારાજ પાસે ગયો છે. તો ચાલો ત્યારે એમ કહી ત્યાં જોયું તો ત્યાં દેવસ્વામી અને ભગત આવ્યા ત્યાં તો બૂટ નહોતા ને તે માણસ પણ નહોતો. આમ આવા દર્શન થયા હતા.
એ દિવસે સવારે ૯-૩૦ વાગ્યે મહારાજને નવડાવવા રૂમ નીચે લઈ ને શાસ્ત્રની રીત પ્રમાણે સ્નાન, આરતી, પૂજા વિધિ કરી અને મહારાજને જે અભિષેક કરાવ્યો તે બધી વિધિ પૂરી કરી બહાર ચોકમાં દિવાલની ઓથે બિરાજમાન કરાવ્યા. બધા સંતોએ અખંડ ધૂન ચાલુ કરી, ભક્તો રસ્તા ઉપર બેસી ગયા. મુંબઈ, પૂના, નાસિક, રાજકોટ, જામનગરના તથા જૂનાગઢના બધા ગામોથી ભક્તો આવવા લાગ્યા. ત્યાં ભક્તોની ભીડ વધવા લાગી. બધા ભક્તો દંડવત્ કરતા જાય અને સભામાં ધૂન બોલવા બેસતા હતા. શોકનું વાતાવરણ થવાથી બપોર પછી શોકસભામાં સંતોના પ્રવચનો થતા હતા. ઉના, રાજકોટ, જામનગર, વડતાલ, અમદાવાદ, ઘોલેરાથી મોટા સંતો, શાસ્ત્રીઓ બધા અનેક સંતો તથા વડતાલના કોઠારી તથા સંતોના પ્રવચનો થયા હતા. અમદાવાદ દેશના આચાર્ય તેજેન્દ્રપ્રસાદનો પત્ર લખેલ વંચાતો
હતો. અમદાવાદના સંતોએ શોક સંદેશ કર્યો હતો. ઘણાં ઘણાં સંતો પોતાના મતો જણાવતા હતા. સાંજ પડી ત્યારે શોકસભા પૂરી કરી સંતો બધા આડા ઊભા રહી સર્વેને ખીચડી-કઢી જમાડ્યા કારણ કે બપોરે કોઈ હરિભક્તે જમ્યા નહોતા. આપણે હજું ઘણાં કામો કરવાના છે, તમે પ્રસાદ લ્યો. ખીચડી-કઢી જમીને આપણાં ભક્તોની શોકસભા થઈ.
સવારે મહારાજની અંતિમ યાત્રા માટે વિમાન બનાવ્યું, ફુલવાડીના સભ્યો તથા નાસિક, પૂના, મુંબઈથી દૂર દૂરથી ભક્તો પહાગચી આવ્યા. બપોર પછી જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરથી શ્વેતાયનબાગ મહારાજની વાડી સુધી અંતિમયાત્રા નીકળી. ગામમાં બધા ફૂલહાર, નારિયેળ રાખી છેલ્લા દર્શન કરતા હતાં. આ યાત્રાના વિડીયો, ફોટાઓ પડાતા હતા. વિડીયો શુટિંગ ગામમાં પણ ચાલુ હતાં. ત્રણ-ચાર કિલોમીટરની અંતિમયાત્રામાં લાઈન હતી. આખું જૂનાગઢ બંધ હતું અને અંતિમયાત્રામાં જોડાયું હતું. જ્યારે અંતિમયાત્રા વાડીએ પહાગચી સુખડનું લાકડું ૧૬ થી ૧૮ મણ જેટલું હતું, એક ખટારો ભરાય એટલા નારિયેળ અને ગામડે ગામડેથી આવેલા. ભાવિક ભક્તો શુદ્ધ ગાયનું ઘી લાવ્યા હતા, ચિતા ગોઠવાઈ ગઈ. કોઠારી સ્વામી ડાયાભાઈ મકવાણા બીજા મોટા ભક્તો ભેગા મળી અગ્નિસંસ્કાર કર્યો. પછી બધા પ્રદક્ષિણા ફરવા લાગ્યા. પગના ચરણાર્વિદમાં અગ્નિમાં જામનગરના સોનીને દર્શન થયા. અને મહારાજનો હૃદયનો ભાગ જે ન બળ્યો હતો તે ભક્તોએ ઘડામાં ભરી જૂનાગઢથી લઇ જઇ ફુલવાડીમાં મધ્ય શિખરમાં નીચે પાયામાં રાખવામાં આવેલ છે. ઘણાં ભક્તોએ દર્શન કર્યાં છે, તે ભક્તો હયાત છે.
અંતિમ સંસ્કાર કરી રાત્રીનાં બધાં ભક્તોએ મળીને કથાનું આયોજન વિશે ચર્ચા-વિચારણા કરી હતી. કોઈ કહે આવતા વર્ષે કરીયે. આત્મપ્રકાશ સ્વામી કહે, આવતું વર્ષ કેવું આવે માટે અત્યારે જ નક્કી કરો. અત્યારે સાથો સાથ કરીયે બધા દુબઈ જાય ને આવે કે નહીં, છૂટી મળે કે ન મળે ત્યારે બધા એક મત કરી હાલ અત્યારે જ કથા કરવી અને બધા ભક્તોએ રૂ. પ૦૦૦, પ૦૦૦ કાઢવાના જેની શક્તિ ન હોય તે એક-બે હજાર કાઢી મોટા પાયે કથાનું આયોજન કરીયે. તે બધા ભક્તો સહમત થયા ને કથા નિમિત્તે સંતોને બોલાવી નક્કી કર્યું કે સાત દિવસ કથાનું આયોજન નક્કી થયું. આમંત્રણ કોને આપવું ? ત્યારે જગતપ્રકાશની બહુ કથાઓ ચાલતી એટલે સંતોએ જગતપ્રકાશને નક્કી કર્યા. ત્યારે આત્મપ્રકાશ સ્વામીએ કહ્યું કે, આ આપણાં મહારાજ બાબતે એકપણ શબ્દ નહીં બોલે. માટે પ્રભુસ્વામીને આપણાં હેતવાળા તે મહારાજના ગુણ ગાશે. એમ સંતો પાસે વાત મૂકી પણ
સંતો ન માન્યા અને જગતપ્રસાદ પાસે કથા વાંચવાનું આમંત્રણ મોકલ્યું અને કથાનો દિવસ નક્કી કર્યો. સાત દિવસનો તાંબો જૂનાગઢ મંદિરની પહાગચ આપણાં નામની જ થાતી.
સાત દિવસમાં બધા ભક્તોને કામકાજ નક્કી થઈ રાશન કોઠારી સ્વામીએ ભરાવી દીધું અને જે ઘટે તે સામાન લેવા માટે કમિટીએ મને જવાબદારી સાગપી. સવારે વહેલા ઊઠી શાકભાજી માટે મને જવાબદારી મળી, બે સંતો ભેળા રહ્યા. રસોડું સામે વાડીમાં ગોઠવ્યું. ત્યારે વાડીમાં જુવાર ઊભી હતી. ત્યારે કુંકાવાવથી ભક્તો સેવામાં આવ્યા અને વંથલીના ભક્તો બધાં ભેગા મળી બપોરે તો જાર વાઢી પુરા વાળી એકબાજુ ગોઠવી દીધા અને વાડી ચોખ્ખી કરી નાખી. બીજા જૂના ઢગલાં ખાડા-ટેકરા બધું ટ્રેકટર અને ભક્તોએ એવું કામ કર્યું કે સાંજે ચાર વાગ્યે તો વાડી એકદમ લેવલ કરી દીધી. રામસ્વામીએ જૂના ચુલાઓ બનાવ્યા તે જગ્યા બતાવી ત્યાં મોટા મોટા ચુલા તેને સાફ કરી ચોખ્ખા કર્યાં. આ ચુલાઓ મોટા સમૈયામાં બનાવ્યા હતા તે આજે કામ લાગ્યા. ભક્તોનો એટલો ઉત્સાહ છે કે કોઈ થાકતા જ નહોતા. તથા સંતોનું રસોડું અલગ બનાવવામાં આવ્યું. ત્યાં સવાર-સાંજ અલગ અલગ નીત નવી રસોઈ થતી તથા ધૂન, ભજન, કિર્તન તો ચાલુ જ હતા તથા પ્રવચનો થતા હતા. ભક્તો રાત્રો કામથી પરવારી ગ્રૂપમાં અંદરો અંદર સત્સંગ કરતા અને ધન્ય માનતા કે આપણાં ભગવાન, આપણાં ગુરૂદેવ માટે આપણે આ સેવાઓ મળી. તેથી ભક્તો જરાક આડું પડખું કરી કલાક જેવી નીંદર કરીને પાછા સેવામાં, ભગવાનના ગુણગાન કરવા લાગી જતા. અમે તથા બે સંતો દરરોજ વ્હેલી સવારે ચાર વાગ્યે શાકભાજી લેવા જતા.
સવારમાં બ્રહ્મચારીઓ તથા રાધા-રમણ દેવનાં થાળ તૈયાર થતા હતા. મહારાજની જય, શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજની જય આવી આવી જય સાત દિવસ સુધી જૂનાગઢ મંદિરમાં ગુંજતી હતી. ત્યારે બ્રહ્મચારીને છઠ્ઠા દિવસે કાચું સીધું આપવા ગયા ત્યારે બ્રહ્મચારીને પૂછ્યું સીધું તો પૂરું થાય છે ને ઓછું પડે તો - ત્યાં બ્રહ્મચારી બોલ્યા કે જૂનાગઢ મંદિરમાં ઘણાં ઉત્સવ થયા કોઈ દિવસ અમને આટલું સીધુ મળ્યું નથી. આ તો આમ જુવો આ વધારાનું છે અને બ્રહ્મચારી બહું બહું રાજી થયા. સાતમે દિવસે સવારે ચાર વાગ્યે શાકભાજી લેવા ગયા ત્યારે શાકભાજીવાળા બધાએ આજની કથાની પૂર્ણાહૂતિ નિમિત્તે તેના તરફથી એક એક અલગ પોટલીઓ શાકભાજીની બાંધીને સેવામાં આપી હતી. આમ પૂર્ણાહૂતિના દિવસે આખા જૂનાગઢને જમાડ્યું હતું. કોઈ બાકી ન રહ્યું. આમ જૂનાગઢના સંતો દેશ-દેશાંતરના સંતોએ આ ઉત્સવમાં શ્રીહરિ શરણાગતિની સેવા જોઈને તેના ઉત્સાહને જોઈને તેમણે
એકવાર તો કહેવું જ પડે કે શરણાગતિ જેવું કોઈ મંડળ નહીં અને શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજના સેવકો તેના જેવા સેવકો ક્યાંય જોયા નથી.
આમ ઓધવજી ભગત અને મહારાજનો એકમેક વિશ્વાસુ તથા સાચા સેવકનો નાતો રહ્યો છે. તથા ઓધવજી ભગતની સેવા પ્રગટની સેવાઓમાં અગ્રગણ્ય છે તથા તેના દિકરાઓ આજે પ્રગટ ભગવાનની સેવામાં તત્પર અને અગ્રેસર છે. તેમાં મહેન્દ્રભગત તેના મોટા દિકરા થાય. તેથી પ્રગટ ભગવાન પ્રત્યે નિષ્ઠા તો દિવસ અને રાત પ્રગટ ભગવાનની વાતો પ્રગટ ભગવાનને રાજી કરવા અલગ અલગ સેવાઓ તથા સત્સંગ અને સેવામાં જ સમય પસાર કરનારા એક મહારાજના મુક્ત પુરુષ છે. તેની સમજણ તથા સત્સંગ અને સેવાથી આખા કુટુંબને પ્રગટ ભગવાનને રાજી કરવા જોડી રાખ્યા છે. તેના નાના દિકરાઓ પણ પ્રગટ ભગવાનની સેવામાં ફુલવાડી, કુંકાવાવની સેવામાં હાજરાહજુર વર્તે છે. આ કુટુંબના બધાય સભ્યો એકાન્તિક મુક્ત પુરુષો છે.